ભાત ભાત કે લોગઃ બ્રુસ- આર્નોલ્ડ- સિલ્વેસ્ટર: યે દોસ્તી હમ નહિ તોડેંગે…!

જ્વલંત નાયક
બોલિવૂડમાં બોડી બિલ્ડિંગના પિતામહ કોણ એ અંગે મતમતાંતર હોઈ શકે, પરંતુ વૈશ્વિક સિનેમાની વાત કરીએ તો એમાં સર્વાનુમતે આર્નોલ્ડ શ્વાર્ઝનેગરનું નામ લેવું પડે. આર્નોલ્ડની વાત આવે એટલે આખી કારકિર્દી દરમિયાન એના કટ્ટર દુશ્મન રહેલા સિલ્વેસ્ટર સ્ટેલોનને પણ યાદ કરવો પડે. અને સ્ટેલોન-આર્નોલ્ડની વાત આવે તો આ બંનેને જોડતી કડી જેવા ત્રીજા એક હોલિવૂડના એક્શન સુપરસ્ટાર બ્રુસ વિલીસના ઉલ્લેખ વિના વાત અધૂરી ગણાય. આ ત્રણેયની દોસ્તી-દુશ્મનીના કિસ્સા જાણવા જેવા છે. બ્રુસ વિલીસની આજે દયનીય શારીરિક પરિસ્થિતિના સમાચારો વારંવાર માધ્યમોમાં ઝળકતા હોય ત્યારે તો ખાસ!
થોડા સમય પહેલા હોલિવૂડના એક સમયના લોકપ્રિય એક્શન હીરો બ્રુસનો એક વીડિયો વાયરલ થયેલો. એક સમયે વિલનોના ગાત્રો ઢીલા કરી નાખતો આ ટફ મેન એ વીડિયો ક્લિપમાં સાવ નાના બાળક જેવી અસહાય અવસ્થામાં જણાયો. બ્રુસની દીકરી એને બાળકની માફક રમાડતી-વહાલ કરતી દેખાઈ. કારણ હતું બ્રુસ વિલીસની જટિલ બીમારી. 2022માં બ્રુસે `એફેશિયા’ નામક બીમારીને કારણે એક્ટિંગને અલવિદા કહેવું પડ્યું.
આ એવી બીમારી છે કે જેમાં માણસ પોતાની ભાષાકીય આવડત ખોઈ બેસે. ના કશું લખી શકાય કે ન કોઈનું લખેલું સરખું વાંચી શકાય. એકાદ જ વર્ષના ગાળામાં નિદાન થયું કે બ્રુસને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા નામની બીમારી છે, જે ધીમે ધીમે વધતી જ જાય છે. થોડા સમય બાદ આ માણસ પોતાની વાચા ગુમાવી બેસશે. એના વર્તન ઉપર પણ એનો કોઈ કાબૂ નહિ રહે! એ જ અવસ્થામાં મૃત્યુ ધીમે ધીમે બ્રુસ વિલીસની નજીક સરકતું જશે, અને એક દિવસ…
ડાય હાર્ડ, આર્માગેડન, પલ્પ ફિક્શન અને અનબ્રેકેબલ જેવી એક્શન ફિલ્મ્સ દ્વારા એક્શન હીરો તરીકે લાખો ચાહકોને આકર્ષિત કરનારા અને ડેમી મૂર જેવી સૈાંદર્ય સમ્રાજ્ઞીના દિલમાં વસનાર બ્રુસ ધીરે ધીરે કાળની ગર્તામાં ધકેલાઈ રહ્યો છે. આર્નોલ્ડ અને સિલ્વેસ્ટર સ્ટેલોન પોતાના આ મિત્ર પ્રત્યે પારાવાર સહાનુભૂતિ દર્શાવતા સ્ટેટમેન્ટસ આપી રહ્યા છે, કેમકે એ સિવાય હવે બીજું કશું થઈ શકે એમ નથી. ખેર, સમય સહુથી બળવાન છે.
ખૂબીની વાત એ છે કે હોલિવૂડ પર રાજ કરનાર મિત્રોની આ ત્રિપુટી પૈકીના બે જણ બીજા દેશમાંથી આવેલા છે. બ્રુસ પોતે જન્મે જર્મન છે. એના પિતા અમેરિકન સૈનિક હતા. જ્યારે માતા જર્મન મૂળની હતી. 1957માં વિલીસ પરિવારે અમેરિકાના ન્યુજર્સીમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો ત્યારે બ્રુસની ઉંમર હતી માત્ર બે વર્ષ એટલે વિદેશી માતાનું સંતાન હોવા વિશે એણે સંઘર્ષ વેઠવો ન પડ્યો. બલકે પહેલેથી જ એની ઓળખ એક અમેરિકન તરીકેની રહી.
1985માં મૂનલાઈટિગ' નામની ટીવી સિરીઝથી અભિનેતા તરીકેની ઓળખ મળી,પણ સ્ટારડમ મળ્યું 1988માં આવેલી સુપરહિટ ફિલ્મડાય હાર્ડ’ દ્વારા. લોકો આ ફિલ્મ જોઈને બ્રુસ વિલીસના ફેન થઇ ગયા, પણ હોલિવૂડનો એક અભિનેતા એવો હતો કે એણે બ્રુસ વિલીસની ખીલ્લી ઉડાવતા કહ્યું કે `ડાય હાર્ડ ફિલ્મના હીરોના હાથ દાંત ખોતરવાની સળી જેવા પાતળા (ટુથપિક આર્મ) છે!’
કોઈ એક્શન હીરો માટે આના કરતા ખરાબ મજાક બીજી કઈ હોઈ શકે? અને મજાક કરનાર પાછો સાત વાર `મિસ્ટર યુનિવર્સ’નું ટાઈટલ જીતી ચૂકેલો બાવડેબાજ આર્નોલ્ડ શ્વાર્ઝનેગર હોય તો તો કાચોપોચો હીરો ડિપ્રેશનમાં જ સરી પડે! સદનસીબે બ્રુસના કિસ્સામાં એવું કશું થયું નહિ. બીજી તરફ આર્નોલ્ડ બીજા હીરો આગળ પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો એક્કેય મોકો નહોતો છોડતો. એમાં ને એમાં આર્નોલ્ડને બીજો એક ભારાડી બાવડેબાજ ભટકાઈ ગયો. અને પછી તો ફિલ્મી ગોસિપ કરનાર મેગેઝિન્સને વર્ષો સુધી મસાલો મળતો રહ્યો. આ ભારાડી એટલે સિલ્વેસ્ટર સ્ટેલોન.
થયું એવું કે એકાદ એવોર્ડ ફંક્શનમાં બાજુબાજુમાં બિરાજેલા આર્નોલ્ડ અને સિલ્વેસ્ટર કોઈક મુદ્દે જાહેરમાં બાખડી પડ્યા. એ વર્ષે આર્નોલ્ડને ન્યૂ સ્ટાર ઓફ ધી યર'નો એવોર્ડ મળેલો. બીજી તરફ સિલ્વેસ્ટરનીરોકી’ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતી ગયેલી. એટલે બંને બાવડેબાજ સફળતાના મદમાં હતા. એમાંથી વાત વણસી ગઈ.
આર્નોલ્ડે જરા તોછડાઈથી વાત કરી નાખી અને જવાબમાં સિલ્વેસ્ટરે ફૂલોના ગુલદસ્તાનો ઘા કર્યો! આ હતી હોલિવૂડના બે ઉગતા સુપરસ્ટાર્સ વચ્ચે સંબંધોની શરૂઆત. પછી તો વારેતહેવારે બંને જણ એકમેક પર પ્રહારો કર્યે રાખતા. આર્નોલ્ડ પોતે ઓસ્ટ્રિયાથી આવીને હોલિવૂડમાં સ્થાપિત થયો, જ્યારે સિલ્વી ઉર્ફે સિલ્વેસ્ટર તો મૂળ અમેરિકન જ હતો.
એટલે દેશી કુળથી માંડીને એક્ટિંગ અને એક્શન સુધીના અનેક મુદ્દે આ બંને એક્શન સુપરસ્ટાર્સ એકબીજાને ભોંઠા પાડવાનો એક્કેય મોકો નહોતા છોડતા. એમની ફિલ્મોમાં પણ એકબીજાને ઉતારી પાડતાં દૃશ્યો રાખવામાં આવતાં. ફિલ્મોમાં કોણ કેટલા વિલન્સને મારી નાખે છે એને લઈને પણ ચડસાચડસી ચાલતી. કોના શરીરમાં કેટલી ચરબી છે, એ વિષે પણ પ્રેસને `ખાસ માહિતી’ પહોંચાડવામાં આવતી.
એક વાર આર્નોલ્ડ પાસે એક ફિલ્મની ઓફર આવી. સ્ક્રિપ્ટ વાંચીને આર્નોલ્ડને સમજાઈ ગયું Stop! Or My Mom Will Shoot નામની આ ફિલ્મ મહાબકવાસ છે. એટલે એ જુદો જ દાવ રમ્યો. પોતાના ખાસ એજન્ટ્સ દ્વારા એણે એવી વાત ફેલાવી કે એક જબરદસ્ત ફિલ્મ માટે પ્રોડ્યુસર્સ હીરો શોધી રહ્યા છે. આર્નોલ્ડ અથવા સિલ્વીમાંથી કોઈ એકને ફાઈનલ કરવાનો છે. વાત સિલ્વી સુધી પહોંચી રાધર, પહોંચાડવામાં આવી. સિલ્વી જાળમાં બરાબર ફસાયો. આર્નોલ્ડને પછાડવા માટે એણે તરત જ પેલી બકવાસ ફિલ્મ સાઈન કરી લીધી. ફિલ્મ ધારણા મુજબ જ પીટાઈ ગઈ.
દુશ્મનીનો આવો સિલસિલો 1991 સુધી ચાલતો રહ્યો. પણ પછી આ દ્વંદમાં ત્રીજો પણ જોડાયો અને દુશ્મની ઓસરતી ગઈ. આ ત્રીજો વ્યક્તિ એટલે બ્રુસ વિલીસ. `પ્લેનેટ હોલિવૂડ’ નામક રેસ્ટોરન્ટ ચેઈનનો મૂળ વિચાર રોબર્ટ અર્લ નામના વ્યક્તિનો હતો. એણે એમાં બ્રુસ અને ડેમી મૂરને જોડ્યાં. પછીથી આર્નોલ્ડ અને સિલ્વી પણ આ સાહસમાં જોડાયા. જડભરત ગણાતા બંને હીરો ભાઈલોગ બ્રુસને કારણે એકબીજા સાથે સામાન્ય વાતચીત કરતા થયા.
પછી તો ત્રણેયની દોસ્તી બરાબર જામી. ત્રણેય જણે સિલ્વેસ્ટરની અત્યંત લોકપ્રિય નીવડેલી he Expendables સિરીઝની ફિલ્મોમાં પણ કામ કર્યું. આર્નોલ્ડ અને સિલ્વી હવે જાહેરમાં સ્વીકારે છે કે એકબીજા સાથેની હરીફાઈ અને એકબીજાને પછાડી દેવાની વૃત્તિને કારણે જ એમની કારકિર્દીને વેગ મળ્યો. આજે હવે બ્રુસ વિલીસનું અસ્તિત્વ ધીમે ધીમે ઓગળી રહ્યું છે ત્યારે એના બંને મિત્રો પણ દુખી છે. કદાચ આ જ જિંદગી છે.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ કોણ હતા એ વીર ભારતીય સૈનિકો?



