મરતો પુરુષ અંતિમ પત્રમાં લખે છે:`રિમેમ્બર મી એઝ લોન્ગ એઝ યુ લીવ'ખાણિયાઓએ મરતાં પહેલાં લખેલા સીધાસાદા પત્રો રડાવી નાખે એવા છે!

મરતો પુરુષ અંતિમ પત્રમાં લખે છે:`રિમેમ્બર મી એઝ લોન્ગ એઝ યુ લીવ’ખાણિયાઓએ મરતાં પહેલાં લખેલા સીધાસાદા પત્રો રડાવી નાખે એવા છે!

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

તમે સવારે નોકરીએ પહોંચો ત્યારે સાજાસમા હોવ, પણ અચાનક કોઈક એવી પરિસ્થિતિમાં ફસાઈ જાવ કે મૃત્યુ નિશ્ચિત હોય તો શું કરો? જો મરતા પહેલા અંતિમ પત્ર લખવાનો વિકલ્પ મળે તો કોને પત્ર લખો…ને એ પત્રમાં શું લખો? 20મી સદીની શરૂઆતમાં કોલસા ખાણમાં કામ કરવું અતિ જોખમી હતું. 19 મે, 1902ના રોજ ટેનેસી સ્ટેટના ફ્રેટરવિલે નજીક કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો. પરિણામે અમેરિકન ઇતિહાસની સૌથી ભીષણ કોલમાઈન દુર્ઘટના સર્જાઈ. વિસ્ફોટમાં સેંકડો ખાણિયા માર્યાં ગયાં. મોટાભાગનાં તાત્કાલિક મૃત્યુ પામ્યાં, જે બચી ગયા એ પણ વિસ્ફોટને કારણે દીવાલો ધસી પડતા ભૂગર્ભમાં બૂરી રીતે ફસાયા. ઓક્સિજનના અભાવે કે ખાણ ધસી પડવાથી આ લોકોનુંય મૃત્યુ નિશ્ચિત જ હતું. મોત આવે ત્યાં સુધી આ કમનસીબ ખાણિયાઓએ મોતની રાહ જોતા સમય પસાર કરવાનો હતો.

કેવો હશે એ સમય? એ દરેકને પોતાના પરિવારને યાદ કરીને દુ:ખી હતો. બધાને કશુંક કહેવું હતું… માતા-પિતા, ભાઈ-બહેન કે પત્ની-બાળકો સાથે સંવેદનાઓની છેલ્લી આપ-લે કરવી હતી… પણ એમાનું કશું શક્ય નહોતું. કોઈકને સૂઝયું કે આપણે મરતા પહેલા પરિવારને પત્ર લખવા જોઈએ. વિચાર સારો હતો, પણ પત્ર લખવા માટે કાગળ ને પેન લાવવા ક્યાંથી? જેની પાસે ચબરખી જેવા ટુકડા અને પેન-પેન્સિલ હતા એમણે એનો ઉપયોગ કર્યો. બાકીના ખાણિયાઓએ કોલસાના ટુકડાથી ખાણની દીવાલો પર પરિવારને-પ્રિયજનોને ઉદ્દેશીને અંતિમ સંદેશાઓ લખ્યા! આ સંદેશા પરિવાર સુધી પહોંચશે કે કેમ એય શંકા હતી. આમ છતાં મોત નજીક હોય ત્યારે લાંબુ વિચારવાનો અર્થ નહોતો.

ઓછું ભણેલા આ ખાણિયાઓએ અંતિમ પત્રમાં શું લખ્યું હશે? કાગળ પર કે દીવાલો પર સીધી સાદી ભાષામાં લખાયેલા આ પત્રો એ હદે રડાવે છે કે વાચકનું હૃદય નિચોવાઈ જાય. તમે જેમ જેમ વાંચતા જાવ, એમ શબ્દે-શબ્દે સંવેદના પ્રકટે. પરિસ્થિતિને જેમ જેમ સમજતા જાવ તેમ તેમ કણતા ઘૂંટાતી જાય.

એક ઉદાહરણ જુઓ….એક પુરુષ પોતાની પત્નીને અલવિદા કહેવા પત્ર લખે છે. અક્ષરો ગરબડિયા છે, પણ લાગણીઓ દરેક શબ્દે તરવરતી રહે છે. પહેલું વાક્ય છે: એલન, ડાર્લિંગ ગુડ બાય ફોર અસ બોથ’ રોજ ધંધા-રોજગાર પર જવા નીકળતો પુરુષ રૂટીન પ્રોટોકોલ તરીકે આવું કંઈક બોલતો હશે, પણ આજે આ વાક્ય અંતિમવારનું છે માટે વાચકની આંખોમાં ભીનાશ તરવરી ઉઠે છે. પત્નીને કદાચ સેંકડો-હજારો વખતડાર્લિંગ’ સંબોધન કર્યું હશે, પણ આ ડાર્લિંગ વહાલી’ છેલ્લી વારનું છે. હવે ક્યારેય મોં-મેળ નથી થવાનો, કદાચ દફન કરવા માટેનું શરીર પણ પત્ની સુધી નહિ પહોંચે. અરે, કાગળની આ ચબરખીય પહોંચશે કે કેમ એ શંકા છે. આમ છતાં પુરુષ મરતાં પહેલાં ઠલવાઈ જવા માગે છે. પુરુષ પત્રમાં આગળ લખે છે કેટનલમાં અમે બધા પ્રાર્થના કરી રહ્યા છીએ, પણ અમને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે… એલન, હું ઈચ્છું છું કે તું સાચી-સારી રીતે જીવે અને મૃત્યુ પછી સ્વર્ગ પામે. આપણા બાળકોને તું બને એટલી સારી રીતે ઉછેરજે. ઓહ… (માં મૃત્યુ નજીક છે ત્યારે) હવે હું તારી સાથે રહેવાની ઈચ્છા તો કઈ રીતે રાખી શકું! મને અને મારા મિત્ર આલ્બર્ટને બાજુબાજુમાં જ દફનાવજો.’

આ પત્ર વાંચતા ખબર પડે છે કે આ માણસ-ખાણિયાને એલન નામની પત્ની છે. મૃત્યુ તરફ ધકેલાઈ રહેલા એ પુરુષ-એ પતિના હૃદયમાં કેવી કેવી ઈચ્છાઓ જાગી હશે? પત્નીને આલિંગન આપવું હશે… એક લાસ્ટ કિસ, અને ફાઈનલ ગુડ બાય કહેવું હશે… મોકળા મને પત્નીના ખભે માથું મૂકીને રડી લેવું હશે? પણ એ બધું હવે ક્યાં શક્ય છે? બસ, આ છેલ્લા શબ્દો કાગળ પર લખીને ગુજરી જવાનું છે. …અને એ પત્રલેખક પિતા બાળકોને ખાસ યાદ કરે છે આ દંપતીને એડી- લીલી-જેમી તથા હોરેસ નામના ચાર સંતાન છે.

આ પુરુષ-આ પિતા દરેક બાળકના નામ સાથે અલગ-અલગ ગુડ બાય’ લખે છે. એક્કેય બાળક આખરી વહાલથી વંચિત ના રહી જાય એની કાળજી બાપે રાખી છે. દરેક બચ્ચાને બાથમાં ભરીને જિંદગી આખીનું વ્હાલ વરસાવી દેવાની ઈચ્છા એક બાપને નહિ થઇ હોય? બાળકોને માથે છેલ્લી વાર હાથ ફેરવી લેવો છે, પણ હવે દૂરથી જ માત્રગુડ બાય’ લખીને સંતોષ માની લેવો પડે છે. બાળકોને ઉદ્દેશીને એ લખે છે, (ચિંતા નહિ કરતા) આપણે બધા સાથે જ છીએ!’ એક ખાણીયા મજૂરે લખેલો આ પત્ર છે. એ વ્યવસ્થિત ફકરાઓ પાડીને લખાયો હોય એવી આશા રખાય જ નહિ તેમ છતાં પોતાની લાગણીઓ ઠાલવી દીધા બાદ પુરુષ છેલ્લો ફકરો અલગથી લખે છે:બે વાગીને પચ્ચીસ મિનિટ થઇ છે… અમારામાંના થોડાક જણ હજી જીવે છે. …ઓહ ગોડ, વન મોર બ્રેથ.’

પત્રલેખક ખાણમાં દટાઈ મૂએલા બીજા લોકોની સાપેક્ષે પોતે વધુ શ્વાસ ભરી શક્યો એ બદલ આભાર માને છે? કે પછી ઈશ્વર પાસે થોડા વધુ શ્વાસની માગણી કરી રહ્યો છે? કશું સ્પષ્ટ થતું નથી. બસ, મોત તરફ ધકેલાઈ રહેલો પુરુષ હૃદયનું સઘળું જોર કામે લગાડીને છેલ્લું વાક્ય લખી નાખે છે:

એલન, રિમેમ્બર મી એઝ લોન્ગ એઝ યુ લીવ!’ મરતો પુરુષ પત્નીને કહે છે કે તું જીવે ત્યાં સુધી મને યાદ રાખજે… માત્ર આઠ શબ્દો છે આ વાક્યમાં અને જેની સાથે જીવનના આઠમા દાયકા સુધી જીવવું હતું એવી પત્ની પ્રત્યેની તમામ લાગણી આ આઠ શબ્દો વચ્ચે ઠાંસી ઠાંસીને ભરી છે. જાણે એ કહે છે: હું લાચાર છું, નથી જ જવું છતાં કસમયે તમને બધાને છોડીને જવું પડે છે! પણ ડાર્લિંગ, તું મને ભૂલી નહિ જાય ને? મૃત્યુ પછી પણ સ્મૃતિઓમાં ટકી રહેવાની કેવી મથામણ! લાચારીની કેવી ચરમસીમા! લગભગ બધાએ બહુ સાદા શબ્દોમાં આખરી સંદેશ લખ્યો છે. પણ આ શબ્દો જ તમને હૃદયમાં ઊંડે સુધી ભોંકાય છે. અન્ય એક ખાણિયાએ પોતાના દીકરાઓને ઉદ્દેશીને બહુ ટૂંકો પત્ર લખે છે:હેનરી અને કોન્ડી, તમારી મા સાથે રહેજો અને ઈશ્વરને ઓળખીને જીવજો. અને મારા દીકરાઓ, ક્યારેય કોલસાની ખાણમાં નોકરી ન કરતા!’

ઇતિહાસ કહે છે કે ફેટરવિલે ટાઉન ખાતે રહેલા લોકો પર ખાણમાં થયેલા આ અકસ્માતને કારણે આભ તૂટી પડ્યું હતું. અકસ્માત બાદ નાનકડા ટાઉનમાં પુખ્ત વયના ત્રણ જ પુરુષો જીવતા બચેલા! સેંકડો સ્ત્રીઓ વિધવા થઇ અને હજારો બાળકો અનાથ થઇ ગયા ….પણ લગભગ સવા સદી વીતી ગયા પછી પણ ખાણની દીવાલો-કાગળની ચબરખીઓ પર ગરબડિયા અક્ષરોમાં કોતરાયેલી લાગણીઓ સૂકાવાનું નામ નથી લેતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button