ભાત ભાત કે લોગઃ ભૂત વગરનું ભૂતિયું જહાજ…બેલીકોટનની પ્રજાને ગજબનું બીવડાવે છે…!

જ્વલંત નાયક
ભૂતિયા જહાજોની કથાનો તો અલગ જ ચાહક વર્ગ છે. દરિયાઈ સાહિત્યના ઇતિહાસમાં ઘણા એવા કિસ્સા જાણવા મળશે, જ્યાં વેપાર અર્થે સમુદ્ર ખેડવા નીકળેલા જહાજીઓને ખરેખર મધદરિયે કોઈક ભૂતિયા જહાજના દર્શન થઇ ગયા હોય.
ટેક્નિકલ વ્યાખ્યા મુજબ ભૂતિયા જહાજ એટલે એવું વહાણ, જેના પર કોઈ માનવી હાજર ન હોય. કોઈક દુર્ઘટના કે રોગચાળાને કારણે તમામ ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામે, પણ જહાજ બચી જાય તો આવું એકલુંઅટૂલું જહાજ દરિયાનાં પાણીમાં તરતું રહે છે.
અમુક વાર સુધારી ન શકાય એવી ટેક્નિકલ ક્ષતિ પેદા થવાથી પણ ક્રૂ મેમ્બર્સ પોતાનું જહાજ છોડીને અન્ય રીતે કિનારે પહોંચી જાય છે. કાળક્રમે વાતાવરણની અસરને કારણે આવા જહાજનો ઢાંચો ખવાતો જાય અને અંતે જળસમાધિ લઇ લે. પહેલાંના જમાનામાં અનેક જહાજો આ રીતે ભૂતિયા અવસ્થામાં વર્ષો સુધી ભટકતા રહેતા.
વાતાવરણની અસર અને સાફસફાઈના અભાવે આવાં જહાજો ખંડેર જેવા બની જતા. અડધી રાત્રે વરસતા વરસાદ વચ્ચે આવું કોઈ ભેંકાર જહાજ કોઈક પ્રવાસીની નજરે ચડે તો સમુદ્રી સાહિત્યમાં એકાદ ભૂતકથાનો ઉમેરો થવા સિવાય બીજું શું થઇ શકે?
પરંતુ સાંપ્રત સમયમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમને કારણે દરિયો ખેડતા દરેક જહાજને સામે દેખાતા બીજા જહાજ વિષે માહિતી હોય જ એટલે હવે `ભૂતિયા જહાજ’ની કથાઓ બનતી અટકી ગઈ છે. જોકે, જહાજોને મધદરિયે ત્યજી દેવાની પ્રથા આજે ય ચાલુ જ છે.
પ્રશ્ન એ થાય કે મોંઘાદાટ જહાજોને દરિયાના પાણીમાં ત્યજી દેતા કેમનો’ક જીવ ચાલે? આટઆટલી ટેકનોલોજી મોજૂદ હોય, તેમ છતાં બગડેલા જહાજને કિનારા સુધી તાણી ન શકાય? અરે, દાયકાઓ અગાઉ ડૂબેલા જહાજના અવશેષો પણ ટેકનોલોજીની મદદથી બહાર કાઢી જ શકાય કેમ કે અહીં કારણ જરા જુદું છે.
`ટાઈટેનિક’નો કાટમાળ આજની તારીખે ય દરિયાના પેટાળમાં એ જ જગ્યાએ પડ્યો છે, જ્યાં એ દંતકથાસમા જહાજે જળસમાધિ લીધેલી. આ કાટમાળને કિનારે તાણી લાવવા પાછળ જેટલો જંગી ખર્ચ થાય, એટલો કિમતી એ કાટમાળ નથી. બસ, આ જ કારણોસર ડૂબેલા કે મોટી ટેક્નિકલ ક્ષતિનો ભોગ બનેલા અનેક જહાજોને આજેય મધદરિયે ત્યજી દેવામાં આવે છે.
આધુનિક સમયનું ભૂતિયું જહાજ: `એમવી અલ્ટા’ નામનું જહાજ ઓક્ટોબર, 2018માં આ જ રીતે મધદરિયે ખોટકાયું. ઠેઠ 1976થી સેવા આપી રહેલું આ વેપારી જહાજ પોતાની ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) વારંવાર ચાલુ-બંધ કરતું હતું. કોઈ જહાજ આવી ભૂલ કરે નહિં, સિવાય કે એ દાણચોરીમાં સંડોવાયેલું હોય અને મરીન ફોર્સિસની નજરમાં આવવા ન માગતું હોય.
કારણ ગમે તે હોય પણ ગ્રીસથી હૈતી સુધીની-પ્રમાણમાં ખાસ્સી લાંબી ગણાતી મુસાફરીએ નીકળેલું એમવી અલ્ટા’ એટલાન્ટિક મહાસાગરમાં ખોટકાયું. અમેરિકન કોસ્ટગાર્ડે તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા. એ વખતે જહાજ બર્મુડાના કિનારાથી 2,200 કિલોમીટર દૂર મધદરિયે હતું.
ઠેઠ આટલે દૂરથી ખખડધજ જહાજને કિનારા સુધી ખેંચી લાવવામાં કોઈને રસ નહોતો એટલેએમવી અલ્ટા’ને દરિયા વચ્ચે રેઢું મૂકી દેવાયું. બધાને એમ હતું કે દરિયાનાં મોજા પર સવાર થઈને જહાજ થોડા અઠવાડિયાઓમાં પોતાની મેળે જ એકાદ કિનારે પહોંચી જશે અથવા ડૂબી જશે.
જોકે, ખરું કૌતુક હવે થયું. સપ્ટેમ્બર, 2019માં બર્મુડા નજીકથી પસાર થયેલા એચએમએસ પ્રોટેક્ટર' નામના જહાજના ખલાસીઓએ જોયું કે
એમવી અલ્ટા’ હજી એ જ સ્થળે ઝોલા ખાય છે, જ્યાં એને ત્યજી દેવાયેલું. આ ઘટના જરા વિસ્મય પમાડે એવી હતી.
અગિયાર મહિના વીતવા છતાં જહાજ વેગીલા દરિયાઈ મોજાઓ સાથે તણાયું નહોતું! એક વાયકા એવી ય છે કે આ મહિનાઓ દરમિયાન કેટલાક ચાંચિયાઓ એને ગુયાનાના કાંઠે તાણી ગયેલા. આ વાત જો સાચી હોય તો ચાંચિયાઓ આ જહાજને પાછું મૂળ સ્થાને શા માટે મૂકી ગયા? હકીકતમાં જહાજની AIS સિસ્ટમમાં લોચા હતા એટલે ક્રૂ મેમ્બર્સે જહાજનો ત્યાગ કર્યા પછી તો સિસ્ટમ સદંતર બંધ જ હતી માટે જહાજ ક્યાં ગયું અને એની સાથે શું શું થયું એ વિશે કોઈ માહિતી મેળવવી અશક્ય છે.
સતત અઢાર મહિના સુધી એમવી અલ્ટા’ દરિયાના મોજાઓ પર તરતું રહ્યું. આખરે 16 ફેબ્રુઆરી, 2020ના દિવસે એ જહાજ સમુદ્રી મુસાફરીથી કંટાળ્યું હોય એમ જાતે જ આયર્લેન્ડના દરિયાકાંઠે વસેલા બેલીકોટન નામના ગામે જઈ પહોંચ્યું. કોઈ કેપ્ટન કે ક્રૂ વગરએમવી અલ્ટા’ જે રીતે દોઢ વર્ષ સુધી દરિયામાં એકલુંઅટૂલું ભટકતું રહ્યું, એ જોતા આધુનિક સમયના એક `ભૂતિયા જહાજ’ તરીકે એની કુખ્યાતિ આખી દુનિયામાં ફેલાઈ ગઈ.
ભૂત વગરનું ભૂતિયું જહાજ પણ ડરાવી રહ્યું છે. અહીં જુદી સમસ્યા પેદા થઇ. આયર્લેન્ડની સરકારે અંદાજ કાઢ્યો એ મુજબ જહાજને દરિયા કિનારેથી ઊંચકીને બહાર કાઢવામાં એક કરોડ યુરો (આશરે સો કરોડ રૂપિયા) જેવડો તોતિંગ ખર્ચ થાય એમ હતો. જહાજ પર એ વખતે 62 બેરલ્સ ભરીને ઓઈલ હતું. આટલું ઓઈલ વત્તા જહાજના ભંગારની કિમત ગણો તો ય આખા ઓપરેશનનો ખર્ચ ભારે પડે.
આખરે જહાજના મૂળ માલિકને શોધવાની કવાયત ચાલી. અચરજની વાત એ છે કે પાંચેક દાયકા જૂના આ જહાજની માલિકી સ્પષ્ટ નહોતી. અમુક રિપોર્ટ્સ એને પનામાનું જહાજ ગણતા તો વળી અમુક રિપોર્ટ્સ એને તાન્ઝાનિયાનું શિપ ગણતા હતા. સ્વાભાવિક રીતે જ પનામા કે તાન્ઝાનિયાને આ મોંઘાદાટ ભંગારની જવાબદારી લેવામાં લગીર રસ નહોતો.
આખરે હેલિકોપ્ટર્સની મદદ વડે પેલા ઓઈલ બેરલ્સ એરલિફ્ટ કરી લેવાયા, પણ `એમવી અલ્ટા’નો ભંગાર આ રીતે આયર્લેન્ડના દરિયાકિનારે પડ્યો રહે અને ત્યાંની જળસૃષ્ટિમાં પ્રદૂષણ ફેલાવીને એનો નાશ કરે, એવી કલ્પના જ આયર્લેન્ડની સરકારને ધ્રુજાવતી હતી.
બીજી તરફ ખર્ચનો આંકડો જોઈને સરકારી અધિકારીઓ ધોળેદહાડે ભૂત જોયું હોય એમ છળી મરતા. આમને આમ લગભગ બે વર્ષ સુધી આ ભૂતિયા જહાજ આયર્લેન્ડના સત્તાધીશોને અને કાંઠાવિસ્તારમાં વસતા લોકોને બીવડાવતું રહ્યું.
આખરે કુદરતે જ રસ્તો કાઢ્યો. 2022માં ઉપરાછાપરી દરિયાઈ તોફાનો આવ્યા અને એ ભૂતિયા ગણાતા જહાજના બે ટુકડા થઇ ગયા. એ પછી 2023માં પ્રદૂષણને લગતો સરકારી રિપોર્ટ પબ્લિશ થયો.
રિપોર્ટમાં કહેવાયું કે `એમવી અલ્ટા’ બે ટુકડામાં વહેંચાઈ જવાથી હવે એનો ભંગાર જ બચ્યો છે, જે જળસૃષ્ટિને એક હદથી વધુ નુકસાન પહોંચાડી શકે એમ નથી માટે લોકોએ એ જહાજની ચિંતા કરવી નહિ. થોડા વર્ષોમાં આમેય આ ભંગાર ક્ષય પામીને દરિયાને પેટાળે પહોંચી જશે.
સરકારની વાત સાચી હતી, પણ `ભૂતિયું જહાજ’ એમ કનડવાનું છોડે? જેમ જેમ જહાજની ખ્યાતિ ફેલાતી ગઈ તેમ તેમ દૂર દૂરથી લોકોના ધાડેધાડા બેલીકોટન ગામે ઠલવાવા માંડ્યા. બ્લોગર્સ અને બીજા ઇન્ફ્લુએન્સર્સ પણ અહીં આવી આવીને કાળો કેર વર્તાવવા માંડ્યા હશે. ભૂતિયું જહાજ જોવા આવનારા લોકો ગામની સીમમાંથી પસાર થતા ત્યારે બેજવાબદારીપૂર્વક વર્તીને ઊભા પાકનો નાશ કરતા! વળી ભારે ધસારાને કારણે સ્થાનિક પ્રજાની શાંતિ ય હણાઈ ગઈ.
શરૂઆતમાં સ્થાનિક પ્રજાને એવું લાગેલું કે નસીબજોગે તણાઈને આપણા ગામમાં આવેલું ભૂતિયું જહાજ પ્રવાસીઓને આકર્ષીને આપણને ફદિયા રળી આપશે, પણ હાલમાં આ પ્રજા ઈશ્વરને પ્રાર્થના કરી રહી છે કે ભૂતિયા જહાજનો જલ્દી નાશ કરે અને ગામને શ્રાપમાંથી મુક્તિ અપાવે !
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ: ઈશ્વરમાં નથી માનતા એવા લોકોય ભૂતમાં માને છે!