વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ કોણ હતા એ વીર ભારતીય સૈનિકો?

જ્વલંત નાયક

ઇતિહાસ ભારતીયોના રસનો વિષય નથી. પરિણામે આપણે ઈતિહાસની અનેક ગર્વીલી ક્ષણોને વિસારે પાડી દીધી છે. સદનસીબે ક્યારેક સમય પોતે જ આવી ક્ષણોને આપણી સમક્ષ લાવી મૂકે છે. ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ખેલાઈ ગયેલા લોહિયાળ સંઘર્ષ વચ્ચે ભારતીય તરીકે ગર્વ થાય એવી એક ઘટના બની ગઈ.

સપ્ટેમ્બર, 2025 દરમિયાન ઇઝરાયલ સરકારે જાહેરાત કરી કે હવેથી હાઈફા શહેરને સ્વતંત્રતા અપાવવા બદલ બ્રિટિશર્સને નહિ પણ તત્કાલીન ભારતીય સેનાના બહાદુર જવાનોને ક્રેડિટ આપવામાં આવશે. આ માટે ઇઝરાયલ દ્વારા `બેટલ ઓફ હાઈફા’ તરીકે પ્રખ્યાત યુધ્ધના ઇતિહાસમાં જરૂરી સુધારો પણ કરવામાં આવ્યો છે.

હમણાં સુધી ઈઝરાયેલી બાળકોને એવો ઇતિહાસ ભણાવાતો હતો કે હાઈફા શહેરની મુક્તિ બ્રિટિશર્સને કારણે શક્ય બની, પણ હવે એવું ભણાવાશે કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઓટોમન સામ્રાજ્યમાંથી હાઈફાને સ્વતંત્ર કરાવવાનું સઘળું શ્રેય ભારતના જાંબાઝ સૈનિકો અને એમના નેતાને ફાળે જાય છે.

-તોએવું તે શું થયેલું હાઈફા શહેરમાં?

વિશ્વયુદ્ધના ઇતિહાસમાં અમુક લડાઈઓનું અદકેં મહત્ત્વ છે. એ પૈકીની એક તે `બેટલ ઓફ હાઈફા’. આ લડાઈમાં ભારતીય નરબંકાઓએ જે બહાદુરી દેખાડી, એના પર આજે ય દુનિયાભર ના યુદ્ધ નિષ્ણાતો ફિદા છે. યુદ્ધમાં આધુનિક હથિયારો વપરાતા થાય એટલે પુરાણાં યુદ્ધ કૌશલ્યો સ્વાભાવિકપણે જ ભૂલાતા જાય.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગઃ એપસ્ટીનનું ભૂત હજી કેટલુંક ધૂણશે? પ્રિન્સ એન્ડ્રુયુ પછી કોનો વારો?

આવા જ બે કૌશલ્ય એટલે અશ્વ પર બેસીને તલવાર-ભાલા જેવાં પરંપરાગત શસ્ત્રો સાથે લડવા ઊતરવું તે, અને તીર-કામઠાનો ઉપયોગ. આ બંને પ્રકારના યુદ્ધ કૌશલ્યો પ્રથમ વિશ્વયુદ્ધમાં છેલ્લી વખત વપરાયા. ભારતમાં તો હજારો વર્ષોથી આ બંને યુદ્ધકૌશલ્યોની બોલબાલા હતી એટલે ભારતભૂમિના હજારો વર્ષના વીરતાના ઇતિહાસને છાજે એ રીતે ભારતીય ઘોડેસવાર રેજિમેન્ટ્સ પ્રથમ વિશ્વયુદ્ધમાં વિવિધ મોરચે ધૂંઆધાર યુદ્ધો લડી. જોધપુર, મૈસુર અને હૈદરાબાદ ની રેજિમેન્ટ્સનો પ્રથમ વિશ્વયુદ્ધના વિવિધ મોરચે ડંકો વાગતો રહ્યો.

હવે વાત આપણા વીર સૈનિકોના ઇઝરાયલ કનેક્શનની. હકીકતે ઇઝરાયેલ નામનો દેશ તો ઠેઠ બીજા વિશ્વયુદ્ધ પછી બન્યો. એ પહેલા એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આ ભૂમિપ્રદેશ પર તૂર્કીના ઓટોમન સામ્રાજ્યે કબજો જમાવેલો. તૂર્કી અને બ્રિટન યુધ્ધમાં સામસામે પક્ષે હતા. અને ભારત દેશ અંગ્રેજી હકૂમતના તાબા હેઠળ હતો એટલે ભારતના બહાદુર સિપાહીઓએ બ્રિટનના પક્ષે રહીને લડવું પડ્યું.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગઃ કઈ રીતે માપવામાં આવે છે લોકશાહીનું સ્તર… ભારતનું સ્થાન ક્યાં?

જે મોરચે જીતવું અશક્ય લાગતું હોય ત્યાં બદમાશ બ્રિટિશર્સ ભારતીય ટુકડીઓને મરવા માટે ધકેલતા એવી અનેક ઘટનાઓ ઇતિહાસને ચોપડે નોંધાયેલી છે. ભારતીય સૈનિકોની એ ટુકડીઓ પાસે પૂરતાં હથિયારો કે સારા કપડાં-જૂતાં સુધ્ધાં નહોતા! ભાલા જેવાં પરંપરાગત હથિયારો વાપરતા ભારતીય સૈનિકોને બંદૂકધારી દુશ્મનો સામે ખડા કરી દેવામાં બ્રિટિશરો જરાસરખો વિચાર નહોતા કરતા. હાઈફા શહેરમાં પણ એવું જ થયું.

23 સપ્ટેમ્બર, 1918ના રોજ પંદરમી કેવેલરી બ્રિગેડને બ્રિટિશ અધિકારીએ હુકમ કર્યો:

`જાવ, હાઈફા કબજે કરો!’

પણ કઈ રીતે? એનો કોઈ જવાબ નહોતો. પરિસ્થિતિ એવી કઠિન હતી કે કાચીપોચી સેના લડવાને બદલે પોતાના જ સેનાપતિ સામે બળવો પોકારી બેસે. લગભગ બે હજાર કરતાં વધુ સંખ્યામાં તૂર્ક અને જર્મન સૈનિકો એ વખતે આધુનિક ગણાય એવી મશીનગન્સ અને અન્ય હથિયારોથી સજજ થઈને માઉન્ટ કાર્મેલ તરીકે ઓળખાતી ટેકરીઓ ઉપર તૈયાર બેઠેલા.

બીજી તરફ બ્રિટિ ધ્વજ હેઠળ લડી રહેલા જોધપુર લાન્સર્સના 450 ઘોડેસવાર સૈનિકો માત્ર ભાલા અને તલવાર જેવાં હથિયારો લઈને તળેટીમાં હતા, પણ ભારતીય લાન્સર્સ એટલે કે ભાલા વાપરતા ઘોડેસવારોની ટુકડીમાં નરબંકાઓનો તોટો નહોતો. ટુકડીના કમાન્ડિંગ ઓફિસર હતા મેજર ઠાકુર દલપતસિંહ શેખાવત. માત્ર છવ્વીસ વર્ષના આ યુવાનની નસોમાં લોહીની સાથે ભારોભાર પરાક્રમ દોડતું. એના નેતૃત્વ હેઠળ ભારતીય લાન્સર્સ હાઈફા શહેરની ઉત્તર-પૂર્વ દિશામાં આવેલ કિશોન નદી પાર કરીને માઉન્ટ કાર્મેલની ટેકરીઓ નજીક પહોંચ્યા.

એ વખતે સમય હતો બપોરે 2.00 વાગ્યાનો. બ્રિટિશ કમાન્ડરનો આદેશ હતો: Take Haifa at any cost… મરવું પડે તો મરો, પણ હાઈફા શહેર કબજે કરો. કહેવાય છે કે ટેકરી પર બેઠેલી ઓટોમન સેના પાસે અઢાર જેટલી મશીનગન્સ અને ત્રણ તોપ હતી. દલપતસિંહના સૈનિકો પાસે માત્ર ભાલા જેવા દેશી હથિયાર હતા. પણ એક ચીજ એવી હતી જે દુશ્મન પાસે નહોતી એ હતું શૌર્ય.

દલપતસિંહે યુદ્ધનાદ કર્યો `જોધપુર…. ચાર્જ!’ એ સાથે જ ભારતીય નસોમાં દોડતા લાલઘુમ્મ લોહીમાં અપ્રતિમ શૌર્ય પ્રકટ્યું. નિપુણ ઘોડેસવારોએ તોપોની ખીલ્લી ઉડાવતા હોય એમ ટેકરીઓના ઢાળ ચડવા માંડ્યા. દુશ્મનો પહેલા અચંબિત થયા અને પછી ભયભીત થઇ ઉઠ્યા. હિન્દુસ્તાનીઓનું આ સાહસ તુર્કી સેના માટે કલ્પના બહારનું હતું. પહેલા ઘોડાને અને પછી ખુદને ગોળી વાગવા છતાં દલપતસિંહ શેખાવત પોતાના જવાનોને માર્ગદર્શન આપતા રહ્યા. આખરે છાતી અને માથામાં વાગેલી ગોળીઓએ વીર સેનાપતિનો જીવ લીધો, પણ ત્યાં સુધી હાઈફાનું દુષ્કર લાગતું યુદ્ધ ભારતીય જવાનોએ માનસિક રીતે જીતી લીધું હતું.

એ પછી બાકીનું કામ પૂરૂં કરવા કેપ્ટન ચરણસિંહે નેતૃત્વ સંભાળ્યું. ભારતીય જવાનો પહેલેથી જ ઝનુને ચડેલા, એમાં મેજર દલપતસિંહ શેખાવતના સર્વોચ્ચ બલિદાને એવો રંગ દેખાડ્યો કે આ જવાનો સાક્ષાત કાળ બનીને ત્રાટક્યા. મૈસુર લાન્સર ટુકડી પણ બીજી તરફથી મોરચો સંભાળી રહી હતી. આખરે શૌર્ય અને રણનીતિને પ્રતાપે હાઈફા જીતાયું. સેંકડો દુશ્મન સૈનિકો યુદ્ધકેદી તરીકે પકડાયા અને તોપ સહિતના સંખ્યાબંધ હથિયારો ભારતીય સૈનિકોએ કબજે કર્યા.

જો એ દિવસે મેજર દલપતસિંહ શેખાવતના નેતૃત્વ હેઠળની ભારતીય ટુકડીઓ હાઈફા જીતવામાં નિષ્ફળ રહી હોત તો એ શહેર તુર્કીના કબજામાં જ રહ્યું હોત અને બીજા વિશ્વયુદ્ધ બાદ અસ્તિત્વમાં આવેલા ઇઝરાયલનો નકશો પણ કંઈક જુદો જ હોત. ઇતિહાસનાં પુસ્તકોમાં હાઈફાની મુક્તિ માટે ભારતીય સેનાને શ્રેય આપીને ઇઝરાયલ સરકારે મોડે મોડેથી ય ભારતીય નરબંકાઓનું ઋણ ચૂકવ્યું છે. અને હા, હાઈફાના એ યુદ્ધને વિશ્વના ઇતિહાસમાં ઘોડેસવાર હુમલાની છેલ્લી મોટી ઘટના ગણવામાં આવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button