અરાઉન્ડ ધ વર્લ્ડઃ જાપાનીઝ ઓર્ગેનાઇઝેશનનો ખરો અનુભવ કરાવે છે ટોક્યો ઇમ્પિરિયલ પેલેસ…

પ્રતીક્ષા થાનકી
ટોક્યોમાં વિતાવેલ દરેક ક્ષણમાં કંઇ ને કંઇ ખાસ બન્યું હતું, જોવા મળ્યું હતું, ખાવા મળ્યું હતું. તેમાં થોડી ભીડમાં રસ્તો કાઢવાની ભારતીય આવડત પણ કામ લાગતી હતી.
ખાસ તો લોકપ્રિય વિસ્તારોમાં તો ઘણાં સ્થળોએ લોકો જાણે માથે જ પડતાં હતાં. મોટા ભાગે તે બધું જરા ઓર્ગેનાઇઝ્ડ રીતે બનતું હતું.
શહેરના મધ્યે જાપાનીઝ કલ્ચરના પ્રતીક જેવો એક ભવ્ય છતાંય પ્રમાણમાં જાપાનીઝ નમ્રતાથી ભરેલો હોય તેવો કિલ્લો હતો. એવી ટેકરી પર હતો કે દૂરથી જ દેખાઈ જતો હતો. જોકે આ એવી જગ્યા નથી જ્યાં સારો ફોટો પડાવીને આગળ ચાલો. થોડો પણ શહેર અને તેના ઇતિહાસ અને બેકગ્રાઉન્ડમાં રસ હોય તો આ પેલેસની ગાઈડેડ ટૂર લીધા વિના ટોક્યો છોડવું નહીં.
પેલેસ અને કાસલ બંનેની વાત થઈ રહી છે. આખો ઓલમોસ્ટ બે માઇલ રેડિયસનો વિસ્તાર પેલેસનો ભાગ છે. અંદર એક ટેકરી પર પારંપરિક કિલ્લો ત્યાંનો ખ્યાતનામ એડો કાસલ છે.
પેલેસનું ઇસ્ટ ગાર્ડન પબ્લિક માટે ઓપન જ છે. ત્યાંની આસપાસ એક સર્કયુલર જોગિંગ ટે્રક પણ છે. એક રીતે જોવા જાઓ તો આ પેલેસ ટોક્યોના ખીચોખીચ માહોલ વચ્ચે એક રિલેક્સિગ વાતાવરણ ઊભું કરે છે. એટલું જ નહીં, આ પેલેસમાં જ્યારે ધારો ત્યારે જઈ નથી શકાતું.
ખાસ તો અંદરની ગાઈડેડ ટૂર જરા પ્લાનિંગ માગી લે તેમ છે. ત્યાં જવા માટે પહેલેથી જ ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડે છે, અને ઓનલાઇન રોજની માંડ 300 ટિકિટ છે. એટલે તે મળશે એવી અમે કોઈ અપેક્ષા પણ ન રાખી.
ત્યાં ગાઇડેડ ટૂર શરૂ થતા પહેલાં રજિસ્ટર કરાવીને બીજી 200 જેટલી ટિકિટ ઉપલબ્ધ હોય છે. તેના માટે સવારમાં કિક્યો મોન ગેટની બહાર લાઈન લગાવવી પડે છે. સ્વાભાવિક છે જાપાનમાં કોઈ પણ સારા અનુભવ પહેલાં એક લાઈન જરૂર હોવાની.
ઓન ધ સ્પોટ ટિકિટ સાથે 9 વાગ્યે એન્ટ્રી છે. લાઇન લગાવવાનું લોકો કમ સે કમ 8 વાગ્યે તો ચાલુ કરી જ દેતા હશે. અમે 8 વાગ્યે ત્યાં પહોંચ્યાં ત્યાં સુધીમાં અમારી આગળ ઓલમોસ્ટ 200 લોકો હોય તેવું લાગતું હતું.
હવે નસીબ અજમાવવા માટે ત્યાં લાઇનમાં કલાક વિતાવ્યો. એટલું જ નહીં, અમારા પછી પણ બીજા 50 જેટલાં લોકો આવી ગયાં હતાં. પાછળથી આવનારાં મોટાભાગે ટૂરિસ્ટ હતાં.
અગાઉથી જ લાઈન લગાવી ચૂકેલામાં મોટાભાગનાં જાપાનીઝ ટૂરિસ્ટ્સ હતાં. તે પછીનો એક કલાક રહસ્યથી ભરેલો રહ્યો. જોકે સાડા આઠની આસપાસ ફોર્મ મળવા લાગ્યાં અને તે સમયે ત્યાં હાજર દરેક વ્યક્તિને ફોર્મ આપવામાં આવ્યું.
તેમણે માત્ર 200 લોકોની લિમિટનો આગ્રહ રાખ્યો નહીં, અને જેટલા પણ મુલાકાતીઓ એ ફોર્મ મારફતે રજિસ્ટર કરી શક્યાં તેમને પણ એન્ટ્રી મળી.
ઓનલાઈન ઓલરેડી રજિસ્ટર કરાવીને આવેલાં શાણાં લોકોની એન્ટ્રી માટે અલગ લાઈન હતી. કોણ જાણે કેટલાં વર્ષો પહેલાં આ લોકો સાઇટ પર પહોંચીને પેલેસમાં આ તારીખે આટલા વાગ્યે પહોંચી જઈશું એ ખાતરી સાથે જિંદગી જીવતાં હોય છે.
સ્પોન્ટેનિયસ રહેવામાં પણ જાપાનમાં થોડું પ્લાનિંગ તો કરવું જ પડે. એવામાં ઘણી ગડમથલ અને ફોર્મની ફોર્માલિટી પછી જ્યારે અંદર જવા મળ્યું ત્યારે અમને એક ટોકન આપવામાં આવ્યું. હવે અમે આખો દિવસ અંદર પેલેસ અને તેના ગાર્ડનમાં વિતાવી શકીએ, પણ એકવાર આ ટોકન પાછું આપીએ પછી ફરી અંદર આવવા ન મળે.
અમને તો એમ કે એક વાર અંદર પ્રવેશીએ એટલે ગાઇડ અમને મળીને પોતાનું કામ ચાલુ કરી દેશે, પણ જાપાન એમ કંઇ ઓર્ગેનાઇઝ કરવાનો કોઈ મોકો છોડે નહીં. અમને બધાંને એક લાઈનમાં એક મોટા ઓડિટોરિયમમાં લઈ જવામાં આવ્યાં.
ત્યાં આ પેલેસ વિષે પ્રાથમિક માહિતી આપતી એક ફિલ્મ અંગ્રેજીમાં અને જાપાનીઝમાં બતાવવામાં આવી રહી હતી. બધાંને કઈ ભાષામાં ગાઇડેડ ટૂર લેવી છે એ રીતે વિભાગોમાં બેન્ચ પર બેસાડવામાં આવ્યાં. કોઈ સ્કૂલ કે કોલેજના ઓરિયેન્ટેશન જેવો માહોલ બની ગયો હતો.
એક વાર પેલેસની બુકલેટ હાથમાં આવી પછી તેના વિષે શક્ય એટલું બધું જાણી લેવાની ઉત્સુકતા પણ આવી ગઈ. સવારમાં ઘણાં વહેલાં ઊઠીને આ ગાઇડેડ ટૂર ચૂકી ન જવાય તેના માટે જે ઝપાટો કરવો પડ્યો હતો તે પછી આ બેન્ચ પર બેસીને જ કોઈ સારી કોલેજમાં એડમિશન મળી ગયું હોય તેવું એચિવમેન્ટ ફીલ થતું હતું.
અમને ઓડિયો ગાઇડ ડિવાઇસ આપવામાં આવ્યાં અને સાથે એક રિટાયર્ડ પ્રોફેસર જેવાં લાગતાં જાપાનીઝ માજી અમારાં લાઈવ ગાઈડ બનીને સાથે આવવાનાં હતાં. અમે હવે એડો સમયનાં લડવૈયાઓ, મેઇજી રેસ્ટોરેશન, જાપાનીઝ આર્કિટેકચર, લાવર ગાર્ડન્સ, અને ટોક્યોના ભૂતકાળની વાર્તાઓ માટે સજ્જ હતાં.
બધું એકદમ ક્લોકવર્કની માફક ચાલી રહ્યું હતું. ત્યાં ગાર્ડનમાં કયા મહિનામાં ક્યાં ફૂલો જોવા મળશે તેની અલગ ગાઈડ મોજૂદ હતી. તે સમયે અમારે પ્લમ અને ચેરી બ્લોસમ્સ પર ધ્યાન આપવાનું હતું.
હજી માર્ચમાં ખરી બ્લોસમ સિઝન શરૂ ન હતી થઈ, પણ રંગીન બડ્સ દેખાવાં લાગ્યા હતાં. હવે આ પેલેસમાં કઈ ઇમારત ક્યારે બંધાઈ, કયા બ્રિજનો શું ઉપયોગ થયો, કયા મ્યુઝિયમમાં શું રહસ્ય જાણવા મળશે તે બધું અમારી સામે ખૂલવાનું હતું.
શરૂઆત ક્યોકો ગાયેન પાર્કથી થઈ અને થોડી જ પળોમાં અમે ભૂલી ગયાં કે અમે ધમધમતા ટોક્યો શહેરની બરાબર વચ્ચે હતાં. 550 વર્ષ પહેલાંના આ કિલ્લાના દરેક ખૂણાને જોવામાં એક દિવસ તો ક્યાં જતો રહે ખબર પણ ન પડે. ગાઈડેડ ટૂર માત્ર 75 મિનિટની હતી, પણ તે પૂરી થયાં પછી અમે ખરું એક્સપ્લોરેશન શરૂ કર્યું.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ દર બે મિનિટે ત્રણ હજાર લોકોને રસ્તો પાર કરાવતું શિબૂયા સ્ક્રેમ્બલ ક્રોસિંગ…