વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોકોનામે-માટીના ચાકડે ઘડાયેલી બિલાડીઓનું ગામ…

પ્રતીક્ષા થાનકી

કોઈ પણ શોખને ગંભીરતાથી સર કરીને તેમાં ડૂબી જવાનું તો કોઈ જાપાનીઓ પાસેથી શીખે. એક તો ત્યાં ખાસ વિષયો પર આધારિત મ્યુઝિયમો અને અનુભવો સંઘરી શકાય તેવા એક્સપિરિયન્સથી ભરેલા ક્લાસીસમાં અમે ક્નિત્સુગી ટેક્નિકથી માંડીને માચા બનાવવા સુધીનું બધું શીખી ચૂક્યાં હતાં. તેમાં ક્યારે અમારો પ્લાન પોટ્ટરી ટાઉન તરફ જવાનો થઈ ગયો એ ખબર જ ન પડી. આમ પણ ઓસાકા જતા પહેલાં ક્યોટો આસપાસની એક-બે ટ્રિપ કરવાની પણ ઇચ્છા હતી જ, અને તેમાં પહેલું નામ તો ટોકોનામેનું આવ્યું.

આમ તો પોતાની ખાસિયતોથી જાણીતાં ગામોની ન ભારતમાં કમી છે, ન જર્મનીમાં. દુનિયાના કોઈ પણ દેશમાં ત્યાંનાં થોડાં ગામ તો એવાં હોવાંનાં જ, કયાંકની ક્રોકરી જાણીતી હોય, ક્યાંકના ફટાકડા અને ક્યાંકની ખાસ મીઠાઈ. એવામાં ટોકોનામે સિરામિક આર્ટ અને પોટ્ટરી માટે ખાસ જાણીતું છે, અને એ એટલું જાણીતું છે કે આખા ગામના દરેક સ્ટેચ્યૂને સિરામિકથી જ બનાવવામાં આવ્યાં છે એવું અમને જાણવા મળ્યું.

આજકાલ પોટ્ટરી પણ હોબી તરીકે ઘણી લોકપ્રિય થઈ ગઈ છે. ઘણાં મિત્રો જાતે બનાવેલા કપ અને બૉલ બનાવવામાં પડી ગયાં છે. ખાસ તો આવી હોબી આજકાલ સ્ક્રીન ટાઇમ ઓછો કરવા માટે વધુ લોકપ્રિય બની રહી છે. ફોન એક તરફ મૂકીને હાથેથી કંઈ કામ કરવાનું બહાનું તો મળી જ જાય છે. ફોન અને સોશ્યલ મીડિયાએ આપણો ઘણો સમય ટેક-ઓવર કરી લીધો તે પહેલાં પણ આવી હોબીઝ મનને શાંતિ આપવા અને ધીરજ વધારવા, ક્રિયેટિવિટીને પ્રોત્સાહન આપવા કે પછી બસ એમ જ કરવામાં પણ લોકો કંઈ બાકી નહોતા રાખતા. જોકે ટોકોનામે ગામનાં લોકોએ આ ખાસિયતને પણ જરા વધુપડતી ખાસ બનાવી દીધી છે.

ખાસ તો એટલા માટે કે અહીંની પોટ્ટરી લોકપ્રિય તો છે, પણ ગામ આખામાં ફેલાયેલાં મોટાભાગનાં સિરામિકનાં સ્ટેચ્યૂ, પોટ્ટરીની મોટાભાગે એક જ થીમ છે, બિલાડીઓ. અહીંનો દરેક ખૂણો બિલાડીઓથી ભરેલો છે, એવું જાણ્યા પછી આ ગામમાં જવાનું આકર્ષણ ઓર વધી ગયું હતું.

જાપાનને બિલાડીઓનું કેવું ઘેલું લાગ્યું છે તે તો ટોક્યોની થ્રી-ડી બિલાડી જોઈને જ ખબર પડી ગઈ હતી, પણ આ તો ગામ આખું ચીનાઈ માટીની હાથે ઘડાયેલી બિલાડીઓથી લદાયેલું હતું. મોટાભાગની બિલાડીઓ લકી-કેટના સ્વરૂપમાં હતી. એક વિચાર તો એ પણ આવ્યો કે ખ્યાતનામ જાપાની લેખક મુરાકામી આમ પણ અહીં નજીકમાં જ રહૃાા છે, અને નક્કી જિંદગીમાં ક્યારેક તો અહીં આવ્યા હોવા જોઈએ. તેમની વાર્તાઓ આમ પણ સાચી, ખોટી અને કાલ્પનિક બિલાડીઓથી ભરપૂર રહી છે.

બિલાડીઓ ખરેખર જાપાનનું અનઓફિશિયલ મેસ્કોટ જ કહી શકાય, છતાંય અહીં રસ્તે આંટા મારતી બિલાડીઓ પ્રમાણમાં ઘણી ઓછી નજરે પડતી હતી. ખાસ તો ક્રોએશિયા અને સ્પેનમાં જે સંખ્યામાં બિલાડીઓ દેખાતી હતી, તે જોવા જાઓ તો અહીંની મોટાભાગની બિલાડીઓ કાં તો એનિમેટેડ હતી અથવા પથ્થરમાં કંડારાયેલી. એ જે હોય તે, જાપાનીઝ ઇમેજિનેશન પર બિલાડી જરૂર હાવી છે.

ટોકોનામેના ટ્રેન સ્ટેશન પર ઊતરીને પહેલાં તો ટૂરિસ્ટ ઇન્ફોથી પોટ્ટરી પાથ-વેનો નક્શો સાથે લઈ લીધો. અહીં ઘણી બિલાડીઓ હતી, પણ બધાં સ્ટેચ્યૂ અને સિરામિક ઇન્સ્ટોલેશન માત્ર બિલાડીનાં હતાં તે વાત તો માત્ર અફવા જ નીકળી. ખબર નહીં ઇન્ટરનેટને આવી અતિશયોક્તિમાં શું મજા આવે છે. એટલે જ ક્યાંક જવું કે નહીં તેનો અંદાજ જરૂર ઇન્ટરનેટ પરથી મળી શકે છે, પણ કોઈ સ્થળ પરની તમારી ખરી ઇમ્પ્રેશન તો ત્યાં જઈને તમારે જાતે જ બનાવવી પડે. અને અહીંથી ચાકડા પર અલગ અલગ પ્રકારની માટીમાંથી આખી ભૂલભૂલૈયા જેવો રસ્તો બનાવવામાં આવ્યો હતો. ધારી હતી એટલી નહોતી, પણ બિલાડીઓ અહીં હતી તો ખરી જ.

જાપાનનાં લોકોને મ્યુઝિયમ એટલાં ગમે છે કે પોટ્ટરી, ટેરાકોટાનો ઇતિહાસ, રિજનની ખાસિયતો ક્યારે શરૂ થઈ તે વાત કહેતું મ્યુઝિયમ અહીં ન હોય તેવું કઈ રીતે બની શકે. અમે ત્યાં પહોંચીને જાણી લીધું કે અહીં તો છેક સાતમી સદીથી આ પોટ્ટરીની પ્રવૃત્તિ ચાલુ છે અને માટી સાથે ચાકડો માંડીને અહીં સદીઓથી લોકો એ કામમાં વ્યસ્ત રહૃાાં છે. થોડું કલાની રૂચિ સંતોષવા માટે તો ક્યારેક જરૂરિયાતનાં વાસણો બનાવવા માટે અહીં ચાકડો તો ચાલતો જ રહૃાો છે.

આખાય જાપાનમાં કુલ છ ગામ પૌરાણિક રીતે પોટ્ટરીની કલા માટે ખ્યાતનામ છે. તેમાંનું એક ટોકોનામે પણ છે જ. આ છ ગામનું ઝુંડ `કિલન્સ’ તરીકે ઓળખાય છે. અમે બાકીની કોઈ જગ્યાએ જઈ શકવાનાં નહોતાં, પણ કોઈ સમયે ઘરમાં આ છ ગામની કલાનો એક નમૂનો કોઈ બૉલ કે કપ સ્વરૂપે રાખવામાં આવે તો મજા તો જરૂર પડે. જ્યારે આવી રીતે વાસણો ભેગાં કરવાની ઇચ્છા થઈ આવે ત્યારે હવે ઉંમર ખરેખર વધી રહી હોય તેવું લાગે. ટોકોનામેની ઘડાઈનું નામ છે આઇચી.

અહીં મ્યુઝિયમ ઉપરાંત એક કુંભારની વર્કશોપ તો જોવી જ રહી. પારંપરિક વર્કશોપ જોઈને પણ અચાનક પોટ્ટરી શરૂ કરવાની ઇચ્છા થઈ આવે. જોકે આ બધું જોવામાં જેટલું સરળ લાગતું હોય છે એટલું સરળ હોતું નથી. તેના માટે પણ ખાસ ધીરજ, સૂઝ અને ટેલેન્ટ, બધું જોઈએ. ત્યાં એક કાફેમાં ગયાં ત્યાં પણ બેઠકથી માંડીને ટેબલ, અને ઓફકોર્સ વાસણો પણ ટેરાકોટાનાં, ગામમાં જાતે જ બનાવેલાં હતાં.

પોટ્ટરી વર્કશોપ અને કાફે જ જાણે શહેરનું મેઇન એટ્રેક્શન હતું. હવે આવ્યાં જ હતાં તો એક કલાકનો પોટ્ટરી ક્લાસ પણ લઈ જ લીધો. પછી અહીંનો ઇન્સ્ટાગ્રામ ફેમસ સ્વીટ પોટેટો આઇસક્રીમ ખાવાનું કામ પણ અમે પાર પાડી જ દીધું. સ્વાભાવિક છે આઇસક્રીમ પણ અહીં માટીની સીટ પર બેસીને જ ખાવાનો હતો. ટોકોનામેમાં એક ડે ટ્રિપમાં યાદો ઘડવાનું પણ ઘણું સરળ હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button