અરાઉન્ડ ધ વર્લ્ડઃ માન્ગા મ્યુઝિયમ-અનોખી ચિત્રવાર્તાઓના સર્જનને સમજવાની મજા…

પ્રતીક્ષા થાનકી
કોને ખબર હતી કે અમને ક્યોટોમાં ફરવાનું ટોક્યો કરતાં વધુ મુશ્કેલ લાગશે. ખાસ તો એટલા માટે કે ટોક્યો માટે અમે પૂરતી તૈયારી કરી હતી. દરેક સ્થળને ટાઇમ કરેલું. કેટલો સમય જિબલી મ્યુઝિયમ અને કેટલો સમય ટીમ લેબ્સમાં, દરેકની ટિકિટો, ટે્રઇનો, ખાણીપીણીનાં સ્થળોનું લિસ્ટ તૈયાર હતું.
આગળના પ્રવાસમાં અમે થોડી ફ્લેક્સિબિલિટી માણીશું એમ માનીને ખાલી હાઇલાઇટનો જ પ્લાન કરેલો. અને બન્યું એવું કે ક્યોટોનો જાણે દરેક વિસ્તાર એકબીજાથી અલગ હોય તેવું લાગતું હતું. દરેકની પોતાની આગવી ખાસિયતો હતી. એટલું જ નહીં, અહીં 1600 જેટલાં તો માત્ર મંદિરો જ છે. એક વાર ફુશિમી શ્રાઇન જોયા પછી અમે એકસરખી લાગતી દરેક શ્રાઇનને સમય આપી શકવાનાં ન હતાં. છતાંય ત્યાંનો માહોલ અને દરેક મંદિર સાથે સંકળાયેલી વાર્તાઓમાં મજા આવતી હતી.
હવે ઐતિહાસિક શ્રાઇન, આર્કિટેક્ચર, પૌરાણિક સંસ્કૃતિની વાર્તાઓ, આ બધું તો જાપાનીઝ શહેરોનાં ટેમ્પલેટ જેવું જ બની ગયું હતું. ક્યોટોમાં તેમાં શ્રાઇન આસપાસના બગીચા અને બામ્બુ ફોરેસ્ટ ઉમેરાયાં હતાં. અહીં ટોક્યો જેવો હાઇ-ટેક ઓવરલોડ ન હતો, પણ અહીં એક ખાસ મજાની જગ્યા હતી જે ટોક્યો પણ મિસ કરી ગયું હતું અને તે છે, નાકાગ્યો વિસ્તારનું ઇન્ટરનેશનલ માન્ગા મ્યુઝિયમ.
માન્ગા એક આર્ટ ફોર્મ તરીકે છેલ્લા એક દશકમાં એટલી વાઇરલ થઈ ગઈ છે કે તે માત્ર ચિત્રવાર્તાઓ મટીને દુનિયાભરનાં ટી-શર્ટ્સ, શોપીસ, એસેસરીઝ, પર્સનલાઇઝ્ડ ટોય્ઝ અને કોસ્ચ્યુમ પાર્ટીઝનાં કેરેક્ટરોમાં નજરે પડવા લાગી છે. માન્ગા વાર્તાઓ પર આધારિત સિરીઝ અને ફિલ્મો પણ હવે મોટી સંખ્યામાં જોવા મળી જાય છે. એવામાં માન્ગાની હિસ્ટ્રી અને તેના સર્જનની પ્રોસેસ વિષે થોડું વધુ જાણવા મળી જાય તો કેવી મજા પડે.
મેં ભૂતકાળમાં માન્ગા વાંચવાની અને તેની વાર્તાઓ પર આધારિત ફિલ્મો જોવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. કદાચ સાચી દિશામાં પ્રયત્ન ન થવાના કારણે તેની વાર્તાઓમાં કદી સ્ટોરીલાઈન અને તેની લોકપ્રિયતાની વાતોથી આગળ વધી શકાયું નથી. મારાં ઘણાં મિત્રો એકદમ પાક્કાં `ઓટાબુ’ એટલે કે માન્ગા ફેન્સ છે.
આ જાપાનીઝ આર્ટ ફોર્મનાં ચાહકોને ખાસ નામ આપવામાં જાપાન જરાય પાછું પડે તેવું નથી. મલ્ટિપેનલ કાર્ટૂન કે કોમિક્સની દુનિયામાં કોઈ નવાઈ નથી, છતાંય જિબલીની માફક માન્ગા પણ પોતાની આગવી ઓળખ બનાવીને બેઠું છે. ઘણાં અંશે તો માન્ગા જિબલી કરતાં વધુ ઇન્ટેન્સ અને પોપ્યુલર માની શકાય.
માન્ગાની મૂળ પ્રેરણા તો વેસ્ટર્ન કોમિક સ્ટ્રિપ પરથી જ આવેલી. આ પ્રકારની વાર્તાઓ જાપાનમાં 1920ના દશકમાં લોકપ્રિય બનેલી. અમને આ બધું માન્ગા મ્યુઝિયમના અનોખા બિલ્ડિગમાં જાણવા મળી રહ્યું હતું. આ ઇમારતમાં સ્કૂલ જેવી ફીલિંગ આવતી હતી. અને થોડી જ વારમાં એ પણ જાણવા મળી ગયું કે માન્ગા મ્યુઝિયમ બનતા પહેલાં અહીં પ્રાઇમરી સ્કૂલ જ હતી.
મોટા કોરિડોર અને ઓરડાઓનો સેટઅપ એકદમ સ્કૂલની જ યાદ અપાવતો હતો. કલ્ચર ભલે અલગ હોય, દરેક દેશની શાળાઓમાં એકધારી વાઈબ હોય છે. જોકે આજે ત્યાં માન્ગા મ્યુઝિયમ બની ગયા પછી પણ લોકોને શીખવાનો મોકો તો મળ્યા જ કરે છે. ખાસ તો ત્યાં ચાલતા માન્ગા સ્ટુડિયોમાં તો દર થોડા થોડા મહિને ખ્યાતનામ માન્ગા સર્જકો આવીને ત્યાંના રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સને માન્ગા કઈ રીતે બને છે તેની વર્કશોપ પણ આપે છે. એટલું જ નહીં, મુલાકાતીઓ પણ ત્યાં માન્ગાનો બેક-સ્ટેજ અનુભવ લઈ શકે છે.
ધીમે ધીમે જનરેટિવ એઆઈના કારણે ઘણાં ક્નટેન્ટને બનાવવાનું સાવ સરળ બની જશે, એવામાં ઓરિજનલ સર્જનનું મૂલ્ય વધુ મહત્ત્વનું બનીને રહેશે, એવું એક ખાસ વર્ગ માને છે. ખરેખર દુનિયા ઓરિજનલ સર્જકોને કઈ રીતે ટ્રીટ કરશે એ તો સમય સાથે જ જાણવા મળશે. હાલમાં તો ત્યાં માન્ગા મ્યુઝિયમમાં માન્ગા સર્જકોને સુપરસ્ટાર્સ માનવામાં આવે છે. તેમની સાથે થોડો સમય વિતાવવા માટે, તેમને કામની, પાત્રોની, વાર્તાઓની પ્રેરણા ક્યાંથી મળે છે.
તેઓ કયાં ટૂલ્સ વાપરીને ચિત્રો બનાવે છે, એ બધું ત્યાં વર્કશોપ વિના પણ જાણવા મળી જાય છે. દર શનિ-રવિમાં તો ત્યાં માન્ગા કાઉન્સેલિંગ પણ થાય છે, એટલે તમે જો માન્ગા નવું નવું બનાવતાં શીખ્યા હોવ તો આ જ એક્સપર્ટ સર્જકો પાસે પોતાનું કામ લઈ જઈને તેમની પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકાય. અને કેમ ન હોય, ક્યોટો સાઇકા યુનિવર્સિટીમાં માન્ગાનો આખો ડિપાર્ટમેન્ટ છે. હવે ત્યાંના એક્સપર્ટ અહીં પણ સેવા આપે છે. માન્ગાની દુનિયામાં કારકિર્દી બનાવવા તત્પર લોકોને જાઈને અમારો મ્યુઝિયમ પ્રત્યેનો ઉત્સાહ પણ ઓર વધી ગયેલો.
માન્ગાની લોકપ્રિયતાને એનિમે સાથે સાંકળી શકાય કે નહીં તેવા વધુ એક પ્રશ્નનો જવાબ અમે ત્યાં મેળવ્યો. ખાસ તો એ કે એનિમે એનિમેટેડ કાર્ટૂન છે, જ્યારે માન્ગા કોમિક બુક ફોરમેટની ચિત્રવાર્તાઓ. એટલું જ નહીં, ઓરિજિનલ વિકલી મેગેઝિન ફોરમેટના કારણે મોટા ભાગે માન્ગા આજે પણ બ્લેકએન્ડવ્હાઇટ ફોરમેટમાં જ જોવા મળે છે.
જો કે હવે તો કલર માન્ગા પણ હાજર છે જ. ડ્રેગન બોલ, નાટો, ડિમન સ્લેયર જેવી માન્ગા તો ભારતમાં પણ ઘણી લોકપ્રિય થયેલી. નાટોના પોપ આર્ટ અને મર્ચન્ડાઇઝ તો ભારતમાં પણ દરેક શહેરમાં ઠેકઠેકાણે જોવા મળી જાય છે. માન્ગા શું છેથી ત્યાંથી માંડીને તેને કઈ રીતે બનાવવામાં આવે છે અને તેની 300,000થી વધુ અલગ અલગ ફોરમેટની વાર્તાઓ આ મ્યુઝિયમમાં છે તે જાણ્યા પછી માન્ગાને ફરી એકવાર માણવાની શરૂઆત કરવાની ઇચ્છા થઈ આવી હતી. અંતે તો આ મ્યુઝિયમને એક ભવ્ય માન્ગા લાઇબ્રેરી જ કહી શકાય.
નાકાગ્યો વિસ્તારમાં આ ઉપરાંત એક કાસલ અને ખ્યાતનામ ફૂડ માર્કેટ પણ છે. જોકે માન્ગાનાં ફેન્સ ન હોવા છતાં અમે ત્યાં વાર્તાઓ અને તેના સર્જનની પ્રોસેસમાં તલ્લીન થઈ ગયેલાં. જાપાનમાં હજી સુધી દરેક પ્રવૃત્તિ આગવી અને અનોખી નીવડી હતી. નાકાગ્યોને માંડ અડધો દિવસ ફાળવેલો. હવે બે દિવસ પણ ઓછાં પડે તેવું થઈ ગયું હતું.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ ફુશિમી ઇનારી-સુંદર છતાં રહસ્યમય શ્રાઇન…



