અરાઉન્ડ ધ વર્લ્ડઃ એડો કાસલ-વાત જાપાનીઝ શોગુન્સ, સામુરાઈ ને રાજ પરિવારની…

પ્રતીક્ષા થાનકી
ટોક્યોમાં ઇમ્પિરિયલ પેલેસમાં અમને અપેક્ષા ઐતિહાસિક અનુભવની હતી અને શરૂઆતમાં તો માત્ર ડિસિપ્લિન અને લાઇનોની બહાર જ જાણે નહોતું નીકળી શકાતું. ક્યારેક બ્રોશર વાંચીને, ક્યાંક ફોન પર ફોટા જોવામાં અને ક્યારેક બાકીનાં લોકોને લાઇનમાં ઊભાં રહેલાં જોવામાં સમય વિતાવવો પડ્યો હતો. એવામાં જ્યારે બૂથ પર બેન્ચ પરથી બહાર નીકળ્યા પછી અંગ્રેજી ગાઈડની પાછળ લાઈન લગાવી.
એક રિટાયર્ડ પ્રોફેસર અમારા ભાગે આવેલી. તે એટલું ધીમે ધીમે અને ધીરે ધીરે બોલી રહી હતી કે અમારા સુધી તો માંડ અવાજ પહોંચતો હતો. એટલે તે સમયે તો અમે બસ માહોલ, આર્કિટેક્ચર અને શહેરની વિરોધાભાસી સ્કાયલાઈનનો ત્યાંથી જે વ્યુ આવતો હતો તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
એવામાં ગાઇડની વાતોમાંથી ઊડતા ઊડતા થોડા શબ્દો સંભળાતા હતા. ક્યાંક એડો સમયગાળો, ક્યાંક શોગુન, ક્યાંક અઠારમી સદીની અને ક્યાંક વીસમી સદીની આગની વાતો થયા કરતી હતી. એક વાત નક્કી હતી. આ પેલેસની ઇમારતોમાં કોઈ ને કોઈ કારણસર આગ જરૂર લાગ્યા કરી છે.
જાપાનીઝ શોગુન્સ સાતેક સદીઓ સુધી ત્યાં રાજ કરીને પોતાની ઘેરી છાપ છોડીને ગયા છે. આજે તો ફિલ્મોમાં પણ આ લડવૈયા શાસકો શોગુન્સ કોઈ ને કોઈ રીતે જાપાનીઝ કલ્ચર બતાવતા દેખાઈ જાય છે. તેમાંય જાપાનીઝ માન્ગા અને એક્શન ફિલ્મોમાં તો શોગુન્સ અને સામુરાઈની વાતો થયા જ કરે છે.
હવે સામુરાઈ ખુદ અત્યંત હાઈ ક્લાસ મિલિટરી વોરિયર હોય અને શોગુન્સ તો એ સામુરાઈના પણ લીડર હોય. ઠેર ઠેર સામુરાઈનાં સ્ટેચ્યૂ, તલવારો, સુવિનિયર, ઘણું જોવા મળી જતું હતું. જોકે ક્યાંય પણ, પછી તે ઉએનો પાર્ક હોય કે ચિયોડા સર્કલ, સામુરાઈનાં શિલ્પો આખા શહેરમાં વિખરાયેલાં પડ્યાં છે.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ જાપાનીઝ ઓર્ગેનાઇઝેશનનો ખરો અનુભવ કરાવે છે ટોક્યો ઇમ્પિરિયલ પેલેસ…
જાપાનના કલ્ચરમાં એક રીતે જોવા જાઓ તો હેલો કીટીથી માંડીને, એનિમેટેડ બિલાડીઓ અને સામુરાઈ કલ્ચર, ત્યાંના અનોખા કલ્ચરને દુનિયામાં અલગ અલગ સ્તર પર મેઇનસ્ટ્રીમ થવા મળી ગયું છે. આજે પણ ચાર્મ બ્રેસલેટ્સથી માંડીને નોટબુક્સ પર લાગતાં સ્ટીકરોની પાછળ જાપાનીઝ કલ્ચર છે તે ઘણી વાર ધ્યાનમાં પણ નથી રહેતું. તેમાંય પોપ કલ્ચરમાં આજકાલ જાપાન અને કોરિયાની જ વાતો ચાલે છે.
તે સમયે અમે શોગુન્સ અને સામુરાઈઝના રસ્તા પર જ ચાલી રહૃાાં હતાં. ત્યાં આર્કિટેક્ચરમાં ઘણું મિનિમાલિઝમ હતું. ક્યાંય બનાવવા ખાતર ભપકાદાર આર્કિટેક્ચર નહોતું ઊભું કરી દેવામાં આવ્યું. એડો સામ્રાજ્ય દરમ્યાન અહીં જ લડાઇઓ થયેલી અને આગ પણ લાગેલી. અહીં જ કિમોનો પહેરીને ગીશાઓ આંટા મારતી હતી.
ગાઈડનો સાવ હળવો અવાજ તો અમારા માટે કોઈ ચિત્ર ઊભું કરી શકવાનો ન હતા, પણ તે સમયે અમારા માટે ત્યાંનો માહોલ જ વાર્તાઓની કલ્પના કરી લેવા માટે પૂરતો હતો. પેલેસ તો અહીં કોઈ ને કોઈ સ્વરૂપમાં લાંબા સમયથી છે, પણ પેલેસના કમ્પાઉન્ડની સૌથી જાણીતી ઇમારત તો એડો કાસલની છે.
એડો સમયગાળામાં એ કિલ્લાનું મેઇજી રેસ્ટોરેશન 1868માં ટોકુગાવા શોગુનેટ એટલે કે ટોકુગાવા રાજઘરાનાએ કરાવ્યું હતું. એક ખડક પર બંધાયેેલા કિલ્લા પરથી વાદળ વિનાના દિવસે તો છેક ફુજી સુધી વ્યુ આવતો હોવો જોઇએ. આજે થોડું દૂર જઈને જીન્ઝા વિસ્તારની હાઇરાઇઝ વચ્ચે ટેકરી પરનો આ એડો કાસલ પણ કોઈ વાર્તા જ કહી રહૃાો હોય તેવું લાગતું હતું.
કિલ્લાનાં છજાં પર ડે્રગનનો શેપ, ત્યાંનો અનોખો સફેદ રંગ, આસપાસના રેસિડેન્સિયલ પેલેસ, બધું જ જાણે હમણાં જ કિગ બહાર આવશે એવું ફિલ કરાવતો હતો. અને ખરેખર વર્ષમાં બે-ત્રણ વાર કિગ પણ ત્યાં આંટો મારીને મુલાકાતીઓને મળવા નીકળે જ છે. આજે જ્યાં પેલેસ ગાર્ડન છે, એક સમયે એ કોટ વિસ્તારમાં જ આખું ગામ વસતું હતું.
હાલનાં કિગ નારુહિતો અત્યારે આ જ પેલેસમાં તેમનાં પત્ની માસાકો અને એકની એક દીકરી આઇકો સાથે રહે છે. નારુહિતો જાપાનના 126મા રાજા છે. આમ તો તેઓ પ્રતીકાત્મક રાજા જ છે, પણ સ્વાભાવિક છે તેમનું આ પારંપરિક દેશમાં ઘણું મહત્ત્વ છે. તે દિવસે અમને તો રાજા જોવા મળવાના ન હતા, અને આમ કોઈ પ્રતીકાત્મક રાજા પાછળ અમે એમ જ જાપાનમાં હતો તેવો મર્યાદિત સમય વેડફવા વધુ એક લાઇનમાં ઊભાં ન રહી જાત.
વળી અહીં એ જાણવા મળ્યું કે પ્રિન્સેસ આઇકાને ભવિષ્યમાં રાજ કરવા નહીં મળે. રાજાના એક મેલ કઝીનના દીકરાને વારસદાર બનાવવામાં આવ્યો છે. એ જાણીને તો ત્યાંનો રાજ પરિવાર જરા વધુ પડતો જુનવાણી લાગવા માંડ્યો. જોકે રાજ પરિવાર હોવાનો આખો કોન્સેપ્ટ જ ઐતિહાસિક છે, તો પછી તેમાં પેટ્રિઆર્કીને પકડી રાખવામાં આવી છે એ વાત પર નવાઈ લાગવી પણ ન જોઈએ.
એડો શબ્દ અવારનવાર કિલ્લા, ટાવર અને શોગુનની હિસ્ટ્રીમાં આવ્યા કરતો હતો અને આજે એડો એટલે ટોક્યો. આ પેલેસની બધી મજેદાર વાર્તાઓ જાણે એડો સમયગાળાની જ છે, જે ટાકુગાવા શોગુનેટે એડોને સ્ટેબલ અને સફળ બનાવ્યું હતું તેમની હાજરી આજે પણ કિલ્લામાં વર્તાય છે.
ટાકુગાવા લેયાસુને એક સમયે આ જ કિલ્લામાં બંદી બનાવવામાં આવ્યો હતો. તે પછી એ જ કિલ્લાનો રાજા બની ગયો હતો. પોતાની કૂટનિતિથી જાપાનભરના છૂટાછવાયા કબીલાઓને એક દેશનું સ્વરૂપ આપવાની ક્રેડિટ પણ તેને આપવામાં આવે છે. આ જ શોગુન જાપાનનું કેપિટલ ક્યોટોથી અહીં એડો એટલે કે ટોક્યોમાં લઈને આવી ગયો હતો.
આ પેલેસથી નીકળીને અમે ક્યોટો જતી બૂલેટ ટે્રન તરફ જ જવાનાં હતાં. હવે તે પહેલાં કાસલ ગાર્ડન અને તેના દરેક દરવાજા, બ્રિજ અને કોટ વિસ્તારના અવશેષો સાથે સ્પ્રિગનાં ફૂલોનો વિસ્તાર પણ જોવાનો બાકી હતો. હવે વસંતમાં ટોક્યો કાસલનાં ફૂલોને ન્યાય તો આપવો જ રહૃાો.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : જિન્ઝામાં શીખવા મળી ક્નિત્સુગી, તૂટેલી ચીજોને જોડવાની કલા…