સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્યની વિડંબના… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્યની વિડંબના…

હેમંત વાળા

આજના સમયમાં સ્થાપત્યની વિડંબણા રસપ્રદ છે. આજે વિવિધતાની આવશ્યકતા છે તો સાથે સાથે વિવિધતામાં મર્યાદિતતા પણ જરૂરી છે. એક તરફ અતિ-આધુનિક ટેક્નોલોજી પ્રત્યેનો ઝુકાવ વધતો જાય છે તો સાથે સાથે સ્થાનિક સ્તરે પ્રાપ્ય કૌશલ્યના ઉપયોગની વાત થાય છે. એક તરફ આધુનિક સામગ્રી પ્રત્યેનો ઝોક જોવા મળે છે અને સાથે સ્થાનિક સામગ્રીના વપરાશ માટે થતાં પ્રયાસને પણ પ્રોત્સાહન અપાય છે.

આજના સમયે સ્થાપત્યમાં આધુનિકતા મુજબની નવી શૈલી માટે દલીલ કરવામાં આવે છે તો સ્થાપત્યના પરંપરાગત મૂલ્યોની જાળવણી માટે પણ ઈચ્છા શક્તિ જણાય છે. સ્થાપત્ય એક તરફ સ્થાનિક સંસ્કૃતિને જાળવણીની વાત કરે છે તો બીજી તરફ વૈશ્વિક શૈલીની તરફદારી પણ કરે છે. સ્થાપત્યમાં પર્યાવરણ અને કુદરતની વાત જોરશોરથી કરવામાં આવે છે અને સાથે સાથે પ્રત્યેક રચના, દરેક પ્રકારે કૃત્રિમ રીતે નિયંત્રિત કરાય છે.

વાસ્તવમાં આ પ્રકારની સ્થિતિ દરેક ક્ષેત્રમાં છે પરંતુ સ્થાપત્યમાં તે પ્રખરતાથી પ્રતિત થાય છે. ભૂતકાળ સાથેનો સંબંધ છોડવો નથી, ભવિષ્ય તરફ ડગલા માંડવા છે અને વર્તમાનની વાસ્તવિકતા સ્વીકારવી પડે છે. વિડંબણા એ છે કે ક્યાં પ્રકારની પસંદગી, ક્યાં પ્રકારનાં અગ્રતાક્રમ સાથે, ક્યાં કારણોસર કરવામાં આવે.

આજે શહેરમાં એક તરફ કાચ અને સ્ટેઇનલેસ સ્ટીલ તથા એલ્યુમિનિયમનાં પતરા જડાયેલું આધુનિક ફસાડ જોવાં મળશે તો નજીકમાં જ શહેરની ધરોહર ગણાતી ઐતિહાસિક ઇમારતથી પ્રેરિત અન્ય રચના હશે. આજે એક તરફ પ્રયોગાત્મક સ્થાપત્ય હશે તો બીજી તરફ સ્થાપિત ઘરેડ મુજબની ઈમારત જોવાં મળશે.

સ્થાપત્યની રચનામાં ક્યાંક અનુશાસનનો અનુભવ થશે તો ક્યાંક આડેધડવાદ દેખાશે. ક્યારેક મકાનમાં બધી જ બાબતો વ્યવસ્થિત રીતે નિર્ધારિત થઈ ચૂકી હશે તો ક્યારેક અસરકારક ફેરબદલની સંભાવના સ્થાપિત હશે. શહેરમાં ફરતાં ફરતાં ક્યારેય મકાનમાં કોઈ એક સ્પષ્ટ વિચારધારા પ્રતિબિંબિત થયેલી જણાશે તો ક્યારેક વિચારોમાં અંધાધૂંધ મિશ્રણ પણ દેખાશે. કેટલાંક મકાનોમાં અભિવ્યક્તિમાં તીવ્રતા જણાય તો કેટલાંક મકાનો સરળતાથી પોતાની વાત કહી જાય.

સાંપ્રત સ્થાપત્યમાં ક્યારેય પરિસ્થિતિ અનુસારનો ઉકેલ હોય તો ક્યારેક `એલીયન’ સમાન રચના હોય. બહુ જૂજ છતાં પણ સાંપ્રત સ્થાપત્યમાં ક્યારેય સ્થાનિક આબોહવા અને પર્યાવરણ માટેની સંવેદનશીલતા જણાશે તો ક્યારેય આ બાબત સાવ જ નજરઅંદાજ થયેલી લાગશે. આધુનિક સ્થાપત્યના કેટલાંક મકાન શહેરના ફેબ્રિક સાથે સરળતાથી જોડાઈ જશે – એક રૂપ થઈ જશે તો કેટલાક મકાન થીગડાં સમાન જણાશે. વિડંબણા એ છે કે કઈ બાબત ક્યારે યોગ્ય ગણવી.

આ પરિસ્થિતિમાં સ્થપતિને એક પ્રકારની સ્વતંત્રતા મળે તો સાથે સાથે ક્યાંક પસંદગી નિર્ધારિત કરવી મુશ્કેલ પણ બને. સ્થપતિ માટે પ્રશ્ન એ હોય છે કે કઈ વિચારધારાને ક્યારે મહત્ત્વ આપવું, જે તે પ્રકારનો અગ્રતાક્રમ ક્યારે અમલમાં મૂકવો, ક્યાં પ્રકારના પરિબળને ક્યારે પ્રાધાન્ય આપવું, ક્યાં પ્રખરતાથી કઈ વાતને વળગી રહેવું અને ક્યાં સમાધાન માટે તૈયારી રાખવી, ક્યાં સમાજની ભાવનાને મહત્ત્વ આપવું અને ક્યાં વ્યક્તિગત સમજ અનુસાર રચના નિર્ધારિત કરવી.

અહીં પ્રત્યેક વિરોધાભાસી જણાતી બાબતો કોઈને કોઈ સંદર્ભમાં તો યોગ્ય રહેતી જ હોય છે. જેમ વૈશ્વિકરણ પ્રભાવ જરૂરી ગણાય છે તેમ સ્થાનિક સ્થાપત્ય-શૈલી માટે સન્માન પણ જરૂરી છે. સ્થાપત્યની રચના જેમ વિશ્વ સ્થાપત્યનું પ્રતિનિધિ છે તેમ સ્થાનિક પરિસ્થિતિનું પ્રતિબિંબ પણ છે. વિડંબણા એ રહે કે કયો નિર્ણય શેને આધારે કરવો.

સ્થાપત્યને નિર્ધારિત કરતા પરિબળો સંખ્યામાં વધુ અને પ્રકારમાં જટિલ છે. અહીં ઉપયોગિતાનો પ્રકાર અને તેની માત્રાનું મહત્ત્વ છે. એક જ પ્રકારની ઉપયોગિતામાં પરિસ્થિતિ અને સમય પ્રમાણે બદલાવ પણ આવતો હોય છે. ઉપયોગિતા ઉપરાંત મકાન સાથે એક ચોક્કસ પ્રકારનો ભાવાત્મક સંબંધ પણ હોય. આ સંબંધની વ્યાખ્યા કરવી અને તે મુજબ તેનું નિર્ધારણ કરવું એક પડકાર જનક પ્રક્રિયા છે.

સ્થાપત્યની રચનાના નિર્ધારણમાં પર્યાવરણ અને આબોહવા પણ મહત્ત્વનાં છે. મોસમી પ્રદેશમાં આ પણ બદલાતાં રહે છે. સ્થાપત્યની રચના નિર્ધારિત કરતાં પરિબળોમાં બાંધકામની સામગ્રી અને તેને સંલગ્ન તક્નિકનું ઘણું મહત્ત્વ છે. આ બંને બાબતો અને મકાનના રખરખાવની યોજના પ્રાપ્ય ભંડોળ પર આધાર રાખે.

બની શકે કે પ્રારંભિક રોકાણ અને રખરખાવ પરસ્પર આધારિત હોય. સ્થાપત્યને નિર્ધારિત કરતા પરિબળોમાં `સાંપ્રત પ્રવાહ’નું પણ એક મહત્વ છે. આ બધાં સાથે સ્થાપત્યના નિર્ધારણમાં લાગુ પડતાં સ્થાનિક કાયદાનું પાલન પણ થવું જોઈએ.

કહેવાય છે કે સ્થાપત્યમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાય. જ્યાં જેની આવશ્યકતા હોય ત્યાં તેનું પ્રયોજન સ્વીકૃત બને. કળાના અન્ય ક્ષેત્રની જેમ સ્થાપત્યમાં પણ, કાયમ માટે કોઈ એક પ્રકારની વિચારધારા, કોઈ એક બાબતનું પ્રાધાન્ય કે કોઈ એક પ્રકારનું પરિણામ સ્વીકૃત ન બની શકે. જ્યાં પરંપરા મહત્ત્વની હોય ત્યાં તેને જ મહત્ત્વ મળવું જોઈએ અને જ્યાં આધુનિકતાની આવશ્યકતા હોય ત્યાં તેની સ્વીકૃતિ હોવી જોઈએ.

આ નિર્ણય સ્થપતિની સંવેદનશીલતા, તેની મૂલ્ય-નિષ્ઠા, તેનું વિઝન’, ચોક્કસ પ્રકારનો પડકાર ઝીલવાની તેની ક્ષમતા તથા અન્ય પરિબળોના પ્રભાવની માત્રા પર આધાર રાખે. જ્યાં કાર્યક્ષમતા આવશ્યક હોય ત્યાં દૃશ્ય-અનુભૂતિ સાથે સમાધાન થઈ શકે. જ્યાં સાંસ્કૃતિક ભાવના પોષવાની હોય ત્યાં તે મુજબ સાંસ્કૃતિક પરંપરા સ્થાપિત થયેલી હોવી જોઈએ તો જ્યારે ભવિષ્ય માટેની વાર્તા’ લખવાની હોય તો સ્થાપત્યમાં આધુનિકરણ એટલી જ પ્રખરતાથી પ્રયોજાવું જોઈએ.

બની શકે કે ક્યારેક વિરોધી બાબતો વચ્ચેનો ડિઝાઇન ફિલોસોફી’ પર આધાર રાખે. સ્થાપત્યમાં વિડંબણાને તક તરીકે લેવાની આવશ્યકતા છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ જગ્યા: દિવાલ-છત-ફરસ તથા બારીબારણા જેવાં બાંધકામથી-શરીરથી તેને બંધન મળે છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button