સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ફ્રાન્સની લાસ્કોક્સ ગુફા પ્રદર્શની…

હેમંત વાળા
સ્થપતિ સ્નોહેટ્ટા દ્વારા નિર્ધારિત કરાયેલી આશરે 8400 ચોરસ મીટરના વિસ્તારની આ લાસ્કોક્સ ગુફા પ્રદર્શની વર્ષ 2017માં ખુલ્લી મુકાઈ હતી. અહીં પ્રાગૈતિહાસિક લાસ્કો ગુફા ચિત્રો તથા અન્ય નમૂનાઓ રાખવામાં આવ્યા છે. અન્ય મ્યુઝિયમની જેમ આ પણ શૈક્ષણિક હેતુલક્ષી રચના છે.
સ્વાભાવિક રીતે અહીં એક સાથે અનેક વિદ્યાર્થીઓ કે સંશોધકો આવી શકે અને તેથી અહીંનું દરેક સ્થાન જાણે `વિશાળતા’ની પ્રતીતિ કરાવે તે રીતે નિર્ધારિત કરાયું છે. આ પ્રકારના અભિગમને કારણે ક્યાંક આ રચના જરૂરિયાત કરતાં મોટી પણ થઈ ગઈ હોય તેમ જણાય છે. કહેવાય છે કે જ્યાંથી આ પ્રકારના ચિત્રો મળી આવ્યા છે તે પ્રાચીન ગુફાઓને અહીં અર્વાચીન સ્થાપત્યના પરિપ્રેક્ષ્યમાં પુન: સ્થાપિત કરવામાં આવી છે.
ભારતમાં પણ ગુફા' બનાવવાનો આવો એક પ્રયત્ન થયો છે. સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ અમદાવાદમાંઅમદાવાદની ગુફા’ની રચના નિર્ધારિત કરી છે. અમદાવાદની આ ગુફા અને ફ્રાન્સની લાસ્કોક્સની ગુફામાં આભ-જમીનનો ફેર છે.
અમદાવાદમાં મુક્ત આકારો પ્રયોજાયા છે જ્યારે અહીં સીધી રેખાવાળા, લગભગ ભૌમિતિક કહી શકાય તેવાં આકારનો ઉપયોગ કરાયો છે. અમદાવાદની ગુફાનું પ્રમાણમાપ, ખાસ કરીને ઊંચાઈ, `માનવીય’ પ્રમાણમાપ વાળી છે જ્યારે અહીં સ્મારકીય પ્રમાણમાપ જોવાં મળે છે. અમદાવાદની ગુફામાં પ્રકાશનો પ્રવેશ નિયંત્રિત છે જ્યારે અહીં ઘણાં સ્થાન ઉપર વિપુલ માત્રામાં પ્રવેશી શકે છે.
જો ગુફાની મૂળભૂત અનુભૂતિની વાત કરવામાં આવે તો બાલકૃષ્ણ દોશી વધુ સફળ થયા છે. ફ્રાન્સની લાસ્કોક્સ ગુફા પ્રદર્શની વાસ્તવમાં ગુફાના સ્પિરિટને ડિઝાઇનની અંદર વણી લેવામાં નિષ્ફળ ગઈ હોય તેમ જણાય છે.
ટેકનોલોજીના ઉપયોગને કારણે આ પ્રદર્શનીની અનુભૂતિ વધુ રોમાંચક અને અસરકારક બની રહે છે. પરંતુ તે તો ટેકનોલોજીની વાત થઈ. સ્થાપત્યની વાત કરીએ તો એમ કહી શકાય કે અહીં કેટલીક કુદરતી પરિસ્થિતિને જેમની તેમ રાખીને તેની આજુબાજુ જે સ્થાન નિર્ધારણ કરાયું છે તેમાં આધુનિકતાની છાંટ વધુ છે. સ્થાપત્ય અને પ્રદર્શીની માટે રખાયેલ વસ્તુ વચ્ચે એક તીખો વિરોધાભાસ ઉભો થાય છે.
આ વિરોધાભાસ `ગુફા’ની વાસ્તવિકતા વધુ સારી રીતે સમજવા માટે ક્યારેક મદદરૂપ થઈ શકે, પણ દર વખતે આમ ન પણ થાય. પ્રાચીન અવશેષોને સકારાત્મક અને સંવેદનશીલ પ્રતિભાવ આપવાથી વધુ સારું પરિણામ આવી શક્યું હોત. ક્યારેક અહીં એમ પ્રતિત થઈ શકે કે કોઈ નવાં જ સ્થાપત્યની રચનામાં અતિ પ્રાચીન બાબતો ગોઠવી દેવામાં આવી છે, અથવા તો કેટલીક અતિ પ્રાચીન બાબતોની આસપાસ અર્વાચીન સ્થાપત્ય ઊભું કરી દેવાય છે.
અહીં જે વિરોધાભાસ ઊભો થાય છે તેનાથી પ્રાચીન ચીજવસ્તુઓ કદાચ માત્ર જોવાતી' જ હશે, તેની જે તે પરિસ્થિતિની વાસ્તવિકઅનુભૂતિ’ નહીં થતી હોય. આ પ્રદર્શની કુદરતી જંગલ, ટેકરીઓ, નાની ખીણ વચ્ચે બનાવવામાં આવેલી હોવાથી સ્વાભાવિક રીતે તેનું આકર્ષણ જાગે, પરંતુ તેનો યશ સ્થાપત્યની રચનાને ન આપી શકાય.
પ્રદર્શનીનાં આયોજનમાં યોગ્ય ક્રમબદ્ધતા, ક્યાંક ગુફાની પ્રતીતિ કરાવી શકે તેવી અંદરની અંધારી તેમ જ જગ્યાઓ, પાણીની હાજરીને કારણે અનુભવાતા ભેજને લીધે ગુફાની પ્રતીતિને મળતી દ્રઢતા, વચ્ચે વચ્ચે ઉપર આકાશમાંથી પ્રવેશતા પ્રકાશને કારણે અનુભવાતી શાંતિ, વ્યવસ્થિત રીતે નિર્ધારિત કરાયેલ સામાજિક સંપર્ક માટેનાં સ્થાન,
આવાં સ્થાનને અપાયેલી એક પ્રકારની ભવ્યતા, લગભગ રફ કહી શકાય તેવી કોન્ક્રીટની સપાટીથી ઉદ્ભવતો પથ્થરની રચના જેવો ખ્યાલ, વચ્ચે વચ્ચે ક્યાં ગોઠવવામાં આવેલ સ્થાન પરથી જોવા મળતાં સુંદર કુદરતી દ્રશ્યો તથા લગભગ જમીન સાથે, જમીનની અંદર ગોઠવાઈ જતી રચના – જેવી બાબતોને કારણે આ મકાન લોકોનું ધ્યાન ખેંચે છે.
આ સાથે અહીં કેટલીક વિરોધી બાબતોનો સમન્વય પણ રસપ્રદ છે. અહીં ચઢાણ અને ઉતરાણ બંને માણી શકાય છે. અહીં અંદર અને બહાર વચ્ચેનો ભેદ ઉત્સવીય છે. અહીં પૃથ્વી અને આકાશ વચ્ચેનું સમીકરણ રચનાત્મક છે. અહીં પ્રકૃતિ અને કલા વચ્ચેનું જોડાણ સ્વીકૃત ઉપરાંત રસપ્રદ છે.
અહીં કુદરત નિર્મિત `ગુફા’ અને માનવ નિર્મિત મકાન વચ્ચેનો સમન્વય અર્થપૂર્ણ છે. અહીં આવનજાવનના માર્ગ તેમજ વિરામસ્થાન વચ્ચે જરૂરી સાતત્યતા પણ છે અને વિશેષતા પણ છે. અહીં ક્યાંક શાંતિ અનુભવાય તો ક્યાંક ધક્કો વાગે. તે બધા સાથે અર્વાચીન સ્થાપત્યમાં જેમ થતું આવ્યું છે તેમ, અહીં પણ ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા, સંજોગો, આબોહવા, પર્યાવરણનું સંરક્ષણ તથા ઊર્જાના કરકસરયુક્ત ઉપયોગની વાત કરાઈ છે.
ઉપયોગિતાની વાત કરીએ તો, અહીં દરેક પ્રકારની ગેલેરીને એક ઓળખ આપવામાં આવી છે. એક માળના આ મકાનનાં પ્લાનમાં એવી કોઈ ખાસ વિશેષતા નથી. અહીં લંબચોરસ ઓરડાઓ જરૂરિયાત મુજબ એકબીજાં સાથે ગોઠવી દેવાયાં છે. વચ્ચેના સ્થાનમાં થોડીક મોટાં, કુદરતના ખજાનાને આશ્રય આપતાં, અનૌપચારિક તથા વિરામની ભાવના ઉત્પન્ન કરી શકે તેવાં સ્થાન ગોઠવાયાં છે.
અનુભૂતિની દ્રષ્ટિએ સમગ્ર રચનામાં આ સ્થાન જ પ્રશંસા મેળવે છે. તે ઉપરાંત સમગ્ર મકાનનું જે મુખ્ય એલીવેશન, સન્મુખ દેખાવ છે તેમાં એક પ્રકારની નાટકીયતા સ્થાપિત કરવાનો સફળ પ્રયત્ન કરાયો છે. અહીં જમીન પરથી ઉચકાતો, સમગ્ર મકાનને આવરી લેતો અને પાછો જમીન સાથે જોડાઈ જતો, ઊર્જા-યુક્ત, વાંકોચૂકો એક પટ્ટો બનાવવામાં આવ્યો છે.
આ પટ્ટા પાછળ આખું મકાન જાણે સંતાઈ જાય છે. આ પટ્ટામાં ગોઠવાયેલા પગથિયાં દ્વારા મકાનની છત પર સીધા પહોંચી શકાય છે. પરિણામે છત છત ન રહેતા ઉપસેલી જમીન બની જાય છે. આ મકાન લગભગ જમીનની અંદર દટાયેલું રહે, બહારથી તે પ્રતીત નથી થતું કે અંદર શું છે. પ્રવેશ કર્યાં પછી જ જાણમાં આવે કે મકાન કેટલું વિસ્તૃત અને કેટલું ઊંડું છે. એકંદરે આ એક ઉત્સાહી પ્રયત્ન છે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ જગ્યા: દિવાલ-છત-ફરસ તથા બારીબારણા જેવાં બાંધકામથી-શરીરથી તેને બંધન મળે છે



