સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ચીનનું સ્વાન લેક બ્રિજ હાઉસ દૃઢ ભૌમિતિક સાદગી

- હેમંત વાળા
ટ્રેસ આર્કિટેક્ચર ઓફિસ દ્વારા સન 2018માં બનાવાય આ 275 ચોરસ મીટર જેટલાં બાંધકામનું સ્વાન લેક બ્રિજ હાઉસ તેની ભૌમિતિક દૃઢતા તથા સાદગી માટે વખણાય છે. આ એક કોફી-શોપ તથા અવલોકન ટાવરવાળી રચના છે. ભલે તેનાં નામમાં હાઉસ હોય પણ તે ઘર નથી. આ એક વિરામ સ્થાન છે જ્યાંથી આજુબાજુનું કુદરતી સૌંદર્ય માણી શકાય. અહીં એક કુદરતી સપાટ અને વિશાળ વેટલેન્ડ છે જેનો દૃશ્ય નજારો અદ્ભુત હોય છે.
કહેવાય છે કે અહીં સાઇબિરીયાથી સ્થળાંતર કરીને પક્ષીઓ દર ઓક્ટોબર મહિનામાં આવતાં હોય છે. આ પક્ષીઓ તથા આજુબાજુની કુદરતી પરિસ્થિતિને માણવા માટેની આ રચના છે. કોફી-શોપ તો માત્ર વધારાની સવલત છે. કોફી-શોપને સમાવવા એક લાંબુ મકાન છે, જેની કાચની દીવાલો મારફતે કે તેના વરંડામાંથી બહાર જોઈ શકાય છે. સાથે સાથે અહીં ઉપરના સ્તરેથી કુદરતના સૌંદર્યને માણવા માટે એક ખાસ અવલોકન ટાવરની રચના પણ કરાઈ છે. આ મકાનનો મુખ્ય હેતુ કુદરત સાથેનું સંધાન છે.
આનું મુખ્ય મકાન, કોફી-શોપ, પહોળાઈ તથા ઊંચાઈમાં ઓછું અને તેની સરખામણીમાં લાંબુ હોવાથી તે પુલ સમાન ભાસે છે. આ મકાન 71 મીટર લાંબુ અને લગભગ તેના દસમાં ભાગનું, અર્થાત 7 મીટર જેટલું પહોળું છે, જે કુદરત સાથે વિનમ્ર વિરોધાભાસ ઊભો કરે છે. આ મકાન સીધી રેખાઓ થકી કોન્ક્રીટ અને કાચમાંથી બનાવ્યું છે જ્યારે અવલોકન ટાવર ગોળાકાર છે અને તેનાં બાંધકામમાં પથ્થર અને લાકડાનો ઉપયોગ પણ કરાયો છે.
અહીં પણ વિરોધાભાસ છે. કોફી-શોપના મકાનની જે અનુભૂતિ છે તેની સરખામણીમાં અવલોકન ટાવરની અનુભૂતિ સાવ ભિન્ન છે. કોફી-શોપ આડું છે તો અવલોકન ટાવર ઊભું. કોફી-શોપ પારદર્શિતા દર્શાવે છે તો અવલોકન ટાવર બંધિયારપણું, કોફી-શોપ લંબીય ભૂમિતિને અનુસરે છે તો અવલોકન ટાવર ગોળાકાર રચના છે. કોફી-શોપ સાથે અન્ય ઉપયોગીતા પણ વણાયેલી છે જ્યારે અવલોકન ટાવરની ઉપયોગીતા બહુ મર્યાદિત છે. એમ પણ કહી શકાય કે કોફી-શોપ બહિર્મુખી છે જ્યારે અવલોકન ટાવર અંતર્મુખી છે.
મારી સમજ પ્રમાણે આ બંને વચ્ચે તંદુરસ્ત સંવાદ નથી સ્થપાતો, આ બંને પોતાની વાત કહેતી વખતે અન્યની વાતની અવગણના કરે છે. એક દૃષ્ટિકોણથી એમ પણ કહી શકાય કે આ બંને આકસ્મિક રીતે સાથે આવી ગયાં છે.
કુદરત સાથેનું રસપ્રદ જોડાણ, કોઈપણ પ્રકારની જટિલતાના અભાવે ઉદ્ભવતી શાંતિની અનુભૂતિ, સમગ્ર રચનામાં સ્થાપિત થતી સાદગી, લાંબા આકારને કારણે જરૂરી બનતું અને યોગ્ય રીતે નિર્ધારિત કરાયેલું સ્થાન વિભાજન, ચોક્કસ ઋતુમાં મુલાકાતે આવતા પક્ષીઓને ખલેલ ન પહોંચે તે પ્રકારની સ્થાપત્યકિય વ્યવસ્થા, મકાનની રચનાના પ્રકાર વડે જમીન અને પાણી વચ્ચે ઉદ્ભવતું સર્જનાત્મક સમીકરણ, પ્રકૃતિનાં વિવિધ પરિબળોને અનુરૂપ રચના, લગભગ 16 મીટર જેટલા ઊંચા અવલોકન ટાવરની રચનામાં બાંધકામની પરંપરાગત સામગ્રીને વિગતિકરણ દ્વારા અપાયેલ મહત્ત્વ, એક નવાં જ પ્રકારની આશ્ચર્યજનક પણ સ્વીકૃત અનુભૂતિની સંભાવના, પેનોરેમિક કહી શકાય તેવી સંલગ્નતાની શક્યતા-આ અને આવી બાબતો આ મકાનને આગવું બનાવે છે.
અહીં કોફી-શોપમાં બંને તરફ અલગ-અલગ વાતાવરણ સાથે અલગ-અલગ રીતે સંપર્ક સાધી શકે તેવા અર્ધ ખુલ્લાં કોરિડોર – આંતરિક માર્ગ છે, જેમાંનો પૂર્વ તરફનો કોરિડોર અંતર્મુખી અને શાંત છે જ્યારે પશ્ચિમ તરફનો વેટલેન્ડ તરફનો કોરિડોર બહિર્મુખ, વધુ મોકળાશ વાળો અને ખુલ્લો છે.
આ બંને કોરિડોર આ બંને જુદી જુદી પરિસ્થિતિને સફળતાથી સંબોધે છે. આ કોફી-શોપમાં દક્ષિણ છેડે કાફે છે જ્યારે ઉત્તર તરફ સંરચનાકીય સવલતો જેવી કે શૌચાલય રખાઈ છે. આ બંનેની વચમાં ચોક જેવી ખુલ્લી જગ્યામાં છત પર જવા માટે સીધી નિસરણી રાખવામાં આવી છે.
સ્વાન લેક બ્રિજ હાઉસ એક આકર્ષક મકાન છે જેની સરળતા અને ત્યાં અનુભવાતી શાંતિ માટે નોંધપાત્ર બને છે. એક રીતે જોતાં આ બ્રિજ છે તો અન્ય દૃષ્ટિકોણથી તે મકાન છે. અર્થાત અહીં બ્રિજમાં મકાન છે અને મકાન બ્રિજ સમાન છે. બ્રિજ અને મકાનનું આ રસપ્રદ એકીકરણ છે. ભૌમિતિક દ્રષ્ટિએ વિચારીએ તો આ કુદરત સાથેના વિરોધાભાસ સમાન છે પરંતુ તેની માત્ર લંબાઈ વધુ હોવાથી દૃશ્ય-અનુભૂતિ માટે તે અવરોધ ઊભું કરતું નથી અને તે સ્વીકૃત બની જાય છે.
આ મકાનનું માળખું એવું છે કે તેની ઉપયોગીતામાં વિવિધતા પણ આવી શકે. એમ કહી શકાય કે આ મકાન થકી પર્યાવરણને સૌથી ઓછી હાનિ પહોંચી હશે. કોઈપણ નવું બાંધકામ કુદરતી પરિસ્થિતિમાં ખલેલ રૂપ હોય જ, પણ આ ખલેલની માત્રા જેટલી ઓછી તેટલું સાં – ઈચ્છનીય. ક્યારેક એવું લાગે છે કે આ મકાનની ભૌમિતિક દૃઢતાને કારણે પણ કુદરતની કિમત વધી જતી હશે.
સ્થાપત્યમાં જ્યારે ભૂમિતિનો ઉપયોગ થાય ત્યારે તેની અભિવ્યક્તિમાં સ્પષ્ટતા આવે, એક પ્રકારની ચોકસાઈ સ્થાપિત થાય, રચના નીર્ધારણમાં લેવાયેલાં વિવિધ નિર્ણયોની ભૂમિકા સમજમાં આવે, એક પ્રકારની સંવાદિતતા સ્થાપિત થાય અને મકાનના વિવિધ ભાગ વચ્ચેનું સમીકરણ સરળતાથી સ્વીકૃત બને. આ બધાં જ ફાયદા આ મકાનને મળેલાં છે. તે ઉપરાંત અહીં ભૂમિતિ સાર્થક પણ રહી છે.
આપણ વાંચો: મસ્તરામની મસ્તીઃ થાય તે કરી લ્યો, સારા ફોટો નહીં પાડીએ…!