સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ઓટલો-આવાસનું એક સામાજિક અંગ

હેમંત વાળા
સ્થાપત્યની દ્રષ્ટિએ આવાસની રચનામાં ઓટલો એ એટલી અગત્યની ઘટના નથી, પણ સામાજિક પરિપ્રેક્ષ્યમાં તે એક અનોખી હાજરી છે. ઓટલા થકી આવાસને જાણે એક ચહેરો મળે છે.
આવાસનો રસ્તા તરફનો, પોળ તરફનો ખુલ્લો ભાગ એટલે ઓટલો. તેની અને પોળ વચ્ચે કોઈ આડાશ ન હોય, અર્થાત ઓટલાની જે બાજુ પોળ તરફ હોય ત્યાં દીવાલ ન હોય. એ સિવાયની ઓટલાની એક બાજુ, ઘર તરફની દીવાલમાં ઘરનું પ્રવેશદ્વાર હોય, અને સાથે ત્યાં બારીઓ પણ હોઈ શકે. બાકીની બે બાજુની પરિસ્થિતિ સંજોગો પ્રમાણે નક્કી થાય.
પરંપરાગત પોળના આવાસનો ઓટલો એટલે એક વિશેષ પ્રકારની સામાજિક ઘટના. આ ઓટલો સામાન્ય રીતે ત્રણ ફૂટ જેટલી ઊંચાઈનો બનાવાતો. આનાથી સમગ્ર આવાસનું તળ ઊંચું રહે અને પોળ પર અવરજવર હોવા છતાં કંઈક ગોપનીયતા જળવાઈ રહે. આ ઓટલાની પહોળાઈ એક વ્યક્તિને બેસવા માટે જરૂરી માપ પ્રમાણે નિર્ધારિત થતી, જે સામાન્યત: અઢીથી ત્રણ ફૂટ જેટલી રહે. તેની લંબાઈ આવાસના પહોળાઈ જેટલી કે તેનાથી ઓછી પણ હોઈ શકે. ઓટલો પહોળો હોય તો આવાસની માળખાગત રચના અનુસાર તેની ધારે થાંભલા પણ હોઈ શકે.
વળી આવાસના પ્રવેશ માટેનાં પગથિયાં પણ ઓટલાની અંદર જ સમાવી લેવાયાં હોય. સામાન્ય રીતે આવાસનો ઉપરના માળનો ભાગ પોળ તરફ નીકળેલો-ઝૂલતો હોવાથી તે ઓટલાની બહારની ધારથી પણ આગળ નીકળે અને ઓટલાને વધારે સમય માટે સીધાં સૂર્ય પ્રકાશનાં કિરણો સામે રક્ષણ મળે. પોળમાં પવનની આવનજાવન `ટનલ ઈફેક્ટ’ પ્રમાણે રહેતી હોવાથી આ ઓટલા પર પવન ઇચ્છનીય માત્રામાં મળી રહે. આવાસનો ઉપરનો માળ બહાર નીકળતો હોવાથી ઓટલાને વરસાદથી પણ રક્ષણ મળે. આ બધાં કારણોસર ઓટલો લગભગ બારેમાસ, આખો દિવસ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય.
ઓટલો એ આવાસનું મહત્ત્વનું સામાજિક અંગ છે. આવાસમાં રહેનાર વ્યક્તિઓનો આજુબાજુના રહેવાસીઓ-પાડોશીઓ સાથેનો સંબંધ આ ઓટલાથી જ નીખરે. અહીં જ નવરાશના સમયે લોકો ભેગાં થઈ અર્થસભર કે અર્થહીન વાતો કરે. `ચાર મળે ચોટલા..’ કહેવત પણ ઓટલાને આધારિત જ છે. અહીં બેઠાં બેઠાં પોળની અવરજવર-ચહલપહલ વિશે માહિતગાર રહી શકાય. અહીંથી જ પોળમાં રમતાં બાળકો પર નજર રાખી શકાય. રાત્રે વાળું પછીના સમયગાળામાં આ ઓટલાનું સામાજિક મહત્ત્વ સૌથી વધી જાય.
આ સમયે આબોહવા પણ સૌથી વધુ અનુકૂળ હોય અને પોળના રહેવાસીઓ પાસે ફાજલ સમય પણ પૂરતો હોય.પરંપરાગત ગરમ સૂકી આબોહવાવાળા વિસ્તારમાં પોળ સાંકડી રહેતી અને તેથી ઓટલાની પહોળાઈ પણ ઓછી રહેતી. તો ઉદવાડા જેવી ગરમ ભેજવાળી આબોહવાવાળા આવાસનો ઓટલો વિસ્તૃત બનાવાતો. ચરમ આબોહવાવાળા વિસ્તારમાં આવાસની ચારે તરફ, ક્યારે છત આચ્છાદિત, ઓટલો બનાવાતો.
ઓટલો જેમ સામાજિક મહત્ત્વ ધરાવે છે એમ તે કેટલીક વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટેનું મહત્ત્વનું સ્થાન છે. સવારમાં દાંતણ કરવું, છાપુ વાંચવું, સૂપડું ઝાપટવું, કપડાં સૂકવવા, બાળકો દ્વારા લેશન પતાવવું કે બેઠાડુ રમત રમવી, બહાર બેઠાં બેઠાં વિશેષ પ્રકારની હોબી વિકસાવવી, આવાસની અંદરની તેમજ બહારની પ્રવૃત્તિ વચ્ચેનો સંબંધ નિયંત્રિત કરવો, આબોહવાનાં અનુકૂળ પરિબળોને માણવા, અને તે બધા સાથે આવાસની અંદર નજર રાખવી. આ અને આવી અનેક વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે ઓટલો પસંદગીનું સ્થાન બની રહે. તે ઉપરાંત અમુક વ્યક્તિઓ દ્વારા રાત્રે સૂવા માટે ઓટલાની ખાસ પસંદગી થતી હોય છે.
એક રીતે જોતાં ઓટલો એ આવાસનો પોળ તરફ વિસ્તરતો ભાગ છે તો અન્ય દ્રષ્ટિકોણ પ્રમાણે તે પોળનો આવાસ સાથે સંપર્ક સાધતો, સ્થાપતો હિસ્સો છે. આમ તે આવાસનો ભાગ પણ ગણાય અને પોળનો ભાગ પણ. વાસ્તવમાં ઓટલો એ અંતરાળ છે. તે એક સંક્રામક હિસ્સો છે જે પોળને આવાસથી જોડે છે. તે આવાસની કેટલીક બાબતોને બહાર આવવા દે છે તો સાથે સાથે શહેરની વ્યાપકતા અને સામૂહિકતાને આવાસના દ્વાર સુધી લઈ આવે છે. આવાસ અને પોળ પરસ્પર એકબીજા સાથે ઓટલા થતી સંકળાય છે.
પોળ અને આવાસ વચ્ચેના સંવાદમાં ઓટલો એ મધ્યસ્થ છે. જેવો ઓટલો એવો આ સંવાદ. વિસ્તૃત તેમજ રક્ષિત ઓટલો આ સંવાદ વધુ દ્રઢ પણ બનાવી શકે. ઓટલા વિનાની પોળ પોળ ન રહેતાં માત્ર આવનજાવન માટેની તકનીકી ગોઠવણ બની રહે. ઓટલા થકી જ પોળને જીવંતતા મળે. ઓટલો એ પોળનો આત્મા છે. ઓટલો એ પોળની સામાજિકતાને ઝીલતો ધબકાર છે. ઓટલા પરનું જીવન આવાસનું જીવન ન રહેતા પોળનું જીવન બની રહે. ઓટલાનો ફાળો આવી સામાજિકતામાં પસંદગીલક્ષી તો રહે જ.
ઓટલો એ આવાસની સીમા નક્કી કરતું અંગ છે. સમય પસાર કરવાં માટે ખાસ મદદગાર થતો ઓટલો આજના સમયમાં ક્યાંક લુપ્ત થતો જાય છે. કાયદા પ્રમાણે આવાસના આગળના ભાગમાં રાખવી પડતી બાંધકામ મુક્ત જગ્યા, સામાજિક સંબંધોનું બદલાયેલું સમીકરણ, ગોપનીયતાની બદલાતી વ્યાખ્યા, સ્વકેન્દ્રીત થતી જીવનશૈલી, અતિશય વ્યસ્તતાને કારણે લગભગ લુપ્ત થઈ ગયેલો ફાજલ સમય, સમય પસાર કરવા માટે મળી ગયેલાં કેટલાંક ઉપકરણો તથા વ્યક્તિનો બદલાઈ ગયેલો અગ્રતાક્રમ, આ પરિસ્થિતિને કારણે ઓટલો લગભગ અસાંદર્ભિક બની રહ્યો છે.
આમ પણ ગોપનીયતા અને સામાજિકતા વચ્ચેનું નાજુક સંતુલન પણ ખોરવાતું જાય છે. હવે તો બારણાં પણ સામસામે નથી રખાતાં. આ અભિગમ જેમ જેમ દ્રઢ થતો ગયો તેમ તેમ ઓટલો અપ્રસ્તુત બનતો ગયો. સામાજિક ઓટલાના સ્થાને હવે કૌટુંબિક વરંડો મહત્ત્વનો બનતો જાય છે. એક સમયની સામાજિક જીવંતતાના પ્રતીક સમો ઓટલો ક્યાંક ઇતિહાસમાં ખોવાય તો નહીં જાય ને. આવાસની એક સમયની આ સમૃદ્ધ સામાજિક ઘટના ક્યાંક માત્ર `ડોક્યુમેન્ટરી’નો ભાગ તો નહીં બની રહે ને.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…



