ભાત ભાત કે લોગઃ અમેરિકન સત્તાવાળાને પજવે એક પ્રશ્ન:શહેરોમાં વધી રહ્યા છે.. બેઘર લોકો !

- જ્વલંત નાયક
માણસની મૂળભૂત જરૂરિયાત એટલે રોટી, કપડા ઔર મકાન. અમેરિકાના ગ્લેમરસ શહેરોમાં આ ત્રણેય ચીજની જબરદસ્ત તંગી છે. એ સિવાયની બીજી આનુષંગિક સમસ્યાઓ ય એટલી ઝડપે ફેલાઈ રહી છે કે શહેરના અમુક વિસ્તારો નર્કસમાન બનતા જાય છે. થોડા વર્ષો પછી કેવી પરિસ્થિતિ પેદા થશે એની કલ્પના ય મુશ્કેલ છે. સ્થાનિક સત્તાવાળા જે પ્રયત્ન કરે છે એ હજી અપૂરતા જ છે.
ન્યૂ યોર્કમાં ડ્રગ્સનું સેવન કરનારાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. અંગત જીવનમાં વધી રહેલો તણાવ, સામાજિક સમસ્યાઓ અને પરિવારનો અભાવ વધુને વધુ ડ્રગ એડીક્ટ્સ પેદા કરવામાં નિમિત્ત બને છે. `ધી સ્ટ્રીટ્સ ઓફ ન્યૂયોર્ક એટ નાઈટ…’ ડોક્યુમેન્ટરી નશાની હાલતમાં ઝોમ્બીની જેમ શહેરની સડકો પર ફરતા ઢગલો લોકોની દશા વર્ણવે છે.
પહેલા આ બધું રાતના સમયે દેખાતું, હવે દિવસની પ્રકાશમાં પણ લથડિયા ખાતા કે ફૂટપાથ પર પડી રહેલા લોકો દેખાય છે. સૌથી મોટો પ્રશ્ન છે સેંકડો લોકોનું બેઘર હોવું. રીઅલ એસ્ટેટના ભાવો એટલા ઊંચા છે કે લોકોની વાસ્તવિક કમાણી સાથે એનો મેળ જ ખાય એમ નથી. ઉચ્ચ મધ્યમવર્ગ હવે મધ્યમવર્ગ બની રહ્યો છે અને મધ્યમ વર્ગ લગભગ ગરીબીની રેખા નીચે ધકેલાઈ રહ્યો છે.
શહેરની મધ્યમાં આવેલ બિઝનેસ હબ સમાન વિસ્તાર વિદેશોમાં ડાઉનટાઉન' તરીકે ઓળખાય છે, પણ લોસ એન્જલસ ડાઉનટાઉનનો સેન્ટ્રલ ઈસ્ટ વિસ્તાર હવે
સ્કીડ રો’ (Skid Row) ગરીબોના વિસ્તાર તરીકે કુખ્યાત થઇ ગયો છે. એલએ જેવા ગ્લેમરસ સિટીનું ડાઉનટાઉન હોમલેસ પીપલને કારણે ઓળખાય એ કેવી વિટંબણા! અહીંની ફૂટપાથો પર અનેક સ્થળોએ બેઘર લોકો તાડપત્રી કે તંબુ બાંધીને રહે છે!
ભૂતકાળમાં આપણે ક્યારેય આવા અમેરિકન શહેરોની કલ્પના નથી કરી. આજકાલ આ જ સત્ય છે. અમુક સ્ટ્રીટસમાં તો ફૂટપાથ પર ચાલવાની જગ્યા ન મળે, એ હદે લોકોની ભીડ વસવાટ કરે છે. ઈલેક્ટ્રિસિટી અને પાણીપુરવઠા વિના આ લોકો કઈ રીતે જીવતા હશે? અહેવાલ મુજબ અહીં 2,000 લોકો વચ્ચે માત્ર 9 ટોઇલેટ્સ છે, જેમાં ટોઇલેટ પેપરની હંમેશાં તાણ રહે છે! આ બધું વાંચીને તમને પ્રાથમિક વિચાર એવો આવશે કે આ બધા બેઘર લોકો પૈકી મોટા ભાગના યેન કેન પ્રકારેણ અમેરિકામાં ઘૂસી ગયેલા ઇમિગ્રન્ટ્સ વધુ હશે.ના એ માન્યતા ખોટી છે.
પ્રાપ્ય ડેટા કહે છે કે શહેરમાં 72,000 લોકો બેઘર અવસ્થામાં ફૂટપાથ પર જીવે છે. આ પૈકીના 53.1 ટકા તો મૂળે કેલિફોર્નિયાના જ છે! 27 ટકા લોકો યુએસએના બીજા રાજ્યોમાંથી આવેલા અમેરિક્નસ જ છે. બાકીના અઢાર-વીસ ટકા જ બીજા દેશોમાંથી આવ્યા છે. આ બધામાં ય સૌથી વધુ લોકો 25 થી 54 વર્ષના વયજૂથમાં આવે છે. માણસ જીવનના આ કાળમાં જ સૌથી વધુ પ્રોડક્ટિવ સાબિત થતો હોય છે, ત્યાં આ લોકો લાચાર અવસ્થામાં રખડે છે-સબડે છે!
અહીં બીજો પ્રશ્ન એ થાય કે જો મોટા ભાગના લોકો અમેરિકન્સ જ હોય તો એ લોકો સરકારી શેલ્ટર હોમ્સમાં રહેવા શા માટે નથી જતા? તકલીફ એ છે કે શેલ્ટર હોમ્સ તો પહેલેથી જ હાઉસ ફૂલ થઇ ગયા છે. વળી ફૂટપાથ વાસીઓ પાસે પોતાના કોઈ ડોક્યુમેન્ટ્સ નથી હોતા. કેટલાક નસીબદાર લોકોને શેલ્ટર હોમમાં જગ્યા મળી જાય તો ય એમણે જેલના કેદીની માફક વસવાટ કરવો પડે છે. એમાં વળી સામાન ચોરી થઇ જવાની ઘટના તો સાવ સામાન્ય ગણાય!
ન્યાય ખાતર કહેવું જોઈએ કે સ્થાનિક સરકારે આ પ્રશ્નના ઉકેલ માટે અબજો ડોલર્સ ખર્ચી નાખ્યા છે, તેમ છતાં આ સમસ્યાનો સંપૂર્ણ હલ મળી શક્યો નથી. હા, છેલ્લા બે વર્ષથી હોમલેસ પીપલની સંખ્યામાં થોડો ઘટાડો જરૂર થયો છે. કોરોનાકાળ વખતે બેકારીને કારણે ઘરવિહોણા લોકોની સંખ્યામાં ઉછાળો આવેલો. એ સમયે લોકો પાસે વિવિધ બિલ્સ અને હોમ રેન્ટ ભરવા માટે નાણા જ નહોતા, એટલે માથે છાપ ક્યાંથી પરવડે! જો ફરી કોઈક મોટી મંદી આવશે તો ઘરવિહોણા લોકોની સમસ્યા લોસ એન્જલસ સામે ફરી મોં ફાડીને ઊભી રહેશે એ નક્કી છે.
ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા ઇન્ટરનેશનલ મહત્ત્વ ધરાવતા મેગા સિટીઝ જ નહિ, પણ એરિઝોનાના ફિનીક્સ સિટીમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો માથાનો દુખાવો બની ચૂક્યા છે. કેટલાક લોકો આજકાલ ફિનીક્સને સિટી ઓફ ટેન્ટ્સ' અને
સિટી ઓફ ઘોસ્ટ્સ’ની ઉપમા આપી રહ્યા છે.
લેટેસ્ટ સર્વેના આંકડાઓ મુજબ અહીં નોકરીઓ અને નાણાના અભાવે આશરે દસેક હજાર લોકો બેઘર અવસ્થામાં જીવી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષોમાં આ સમસ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. મોટા ભાગના બેઘર લોકો `ધ ઝોન’ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહે છે. અહીં વારંવાર ઝગડા, હિંસા, અનૈતિક પ્રવૃત્તિઓ વગેરેની ફરિયાદ ચાલુ જ રહે છે.
અમેરિકન શહેરોની બેઘરપણાની સમસ્યાએ બીજી કેટલીક જટિલ સમસ્યાઓને જન્મ આપ્યો છે. એમાં ડ્રગ્સ અને વેશ્યાવૃત્તિ મુખ્ય છે. પેટનો ખાડો ભરવા અને નશાની લત સંતોષવા આ ફૂટપાથિયા લોકો આસાનીથી ડ્રગ પેડલર બનવા તૈયાર થઇ જાય છે. સ્ત્રીઓ માટે તો દેહવ્યાપારનો વિકલ્પ હાથવગો હોવાનો જ.
પરિણામે આ વિસ્તારમાં જેન્યુઈન રીતે ચાલતી બીજી આર્થિક પ્રવૃત્તિઓને અસર થઇ રહી છે. અહીંની દુકાનોમાં વારંવાર ચોરી-લૂંટફાટ થતા જ રહે છે. સવાર પડતાની સાથે જ દુનિયા આખીની ચિંતા કરતા ને ચોતરફ, ટૅરિફની ફેંકાફેંક કરતા ટ્રમ્પબાબુને ય અમેરિકન શહેરોમાં વિકરાળ બની રહેલી ઘરવિહોણા લોકોની સમસ્યા વિશે જાણ હશે જ ને?
આપણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડઃ લેક કાવાગુચિકો-ફુજીના વ્યૂ વિના પણ મજેદાર…