સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ખેતરમાં આવેલો લાંબો ઘનાકાર સાયપ્રસનો આવાસ

હેમંત વાળા
આવાસને ક્યારેક રહેવા માટેનું મશીન કહેવામાં આવે છે તો ક્યારેય તેને આત્માના સ્થાન તરીકે દર્શાવાય છે. આવાસને ક્યારેક વ્યક્તિગત અભિવ્યક્તિના માધ્યમ તરીકે લેવામાં આવે છે તો ક્યારેક માત્ર તેની ઉપયોગીતા ધ્યાનમાં રખાય છે. અમુક સ્થપતિ આવાસને સંજોગોનાં પરિણામ તરીકે જણાવે છે તો અન્ય કેટલાક આવાસને રચનાત્મકતાની કસોટી તરીકે દર્શાવે છે.
ક્યાંક આવાસને સૌથી બહારનું પહેરણ કહેવાય છે તો ક્યાંક તેને અંતરની અભિવ્યક્તિનું માધ્યમ જણાવાય છે. સાયપ્રસનો આ આવાસ સ્થપતિની સંજોગોને પ્રતિભાવ આપવાની ચોક્કસ પ્રકારની માન્યતાને કારણે ઉદ્ભવેલા પરિણામ સમાન છે. સ્થાપત્યમાં આવાસની રચના સાથે સાથે સૌથી વધુ પ્રયોગો થયા છે. આ એક એવો જ પ્રયોગ છે જેમાં આવાસને ચોક્કસ રીતે નિયંત્રિત કરવામાં આવ્યો છે. અહીં આવાસ માટે એક સ્પષ્ટ નિવેદન કરવામાં આવ્યું છે, અને તે એમ જણાવે છે કે આવાસ અને તેના સ્થાન વચ્ચેના સમીકરણમાં સ્થપતિનો અભિગમ સૌથી વધુ મહત્ત્વનો ગણાય.
વર્ષ 2020માં સ્થપતિ એરાક્લિસ પાપાક્રિસ્ટોઉ દ્વારા નિર્ધારિત કરાયેલ આશરે 470 ચોરસમીટર જેટલા ક્ષેત્રફળવાળા સાયપ્રસના નિકોસિયાના આ આવાસમાં ઢાળવાળા પેસેજથી સીધા ઉપરના સ્તરે – માળે પ્રવેશ મળે છે. આ સ્તર પર લગભગ મકાનની અડધી લંબાઈ જેટલો દીવાનખંડ તથા ભોજન કક્ષ છે. તેની પ્રવેશ તરફની દિશામાં ત્રણ શયનકક્ષ ગોઠવાયા છે જ્યારે તેની સામેના ખૂણે રસોઈ તથા અન્ય સવલતો ગોઠવવામાં આવી છે.
અહીંથી વર્તુળાકાર નિસરણી દ્વારા નીચે જવાથી મહેમાન માટેનો કક્ષ તથા અન્ય સવલતો સાથે કાર્ય તેમજ હોબી માટેનું સ્થાન બનાવાયું છે. આ સ્તર પર બહારના વિસ્તારમાં એક નાનો પણ લાંબો પાણીનો હોજ પણ છે. મકાનમાં ઉપયોગીતાની ગોઠવણ જરૂરિયાત પ્રમાણે તો છે જ પણ સાથે સાથે મકાનનો આકાર પણ તેમાં પોતાની ભૂમિકા ભજવે છે.
આ સમગ્ર આવાસની દક્ષિણ તરફની દીવાલ પર ઊભાં વિશાળ સરકતાં પાટિયા રખાયાં છે જેને જરૂરિયાત પ્રમાણે ખોલ-બંધ કરી શકાય છે. આની અંદરની બાજુ સળંગ કાચની દીવાલ અને બારીઓ છે. ક્યારેક અહીં પ્રકાશ જ પ્રકાશ રહે તો ક્યારેક, જ્યારે જ્યારે પાટિયાં વડે જગ્યા બંધ કરી દેવામાં આવે ત્યારે પ્રકાશ-વિહીનતાની અનુભૂતિ થાય. આ એક પ્રકારે નાટકીય બદલાવ રહેતો હશે.
ખેતરની વચમાં બનાવાયેલ આ એક લાંબો ઘનાકાર છે. આ ઘનાકારની સપાટીમાં જરૂરિયાત પ્રમાણે બારી-બારણાં માટે `સુરક્ષિત’ કાણાં બનાવાયાં છે. આ આવાસની આંતરિક ઊંચાઈ વધુ રાખવામાં આવી હોય તેમ જણાય છે અને સાથે સાથે આવાસની લંબાઈને કારણે આવી અનુભૂતિ દ્રઢ પ્રતીત થઈ શકે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : બદલાવને કારણે જે સ્થાપત્ય શૈલી સાંપ્રત સમયમાં અસ્તિત્વમાં આવી તે આધુનિકતા.
અગાઉ જણાવ્યા પ્રમાણે, આ આવાસની એક વિશેષતા એ છે કે અહીં પ્રવેશદ્વાર સુધી પહોંચવા માટે ઢાળવાળા માર્ગ પર આવાસની લગભગ અડધોઅડધ લંબાઈ પસાર કરવી પડે છે. આ પ્રકારની `તપસ્યા’ પછી આ પ્રવેશદ્વારનું અનોખું મહત્ત્વ અનુભવાય છે. આ પ્રવેશદ્વાર જાણે વિશ્વ અને આવાસ વચ્ચે સેતુ તરીકે કાર્ય કરે છે, જે આજુબાજુની પરિસ્થિતિ સાથે અંતર પણ સ્થાપિત કરે છે અને જોડાણ પણ કરે છે.
કોન્ક્રીટ, કાચ અને આરસપહાણની સપાટીઓનો સર્જનાત્મક ઉપયોગ, સરળ અને સીધી રેખાઓ દ્વારા વ્યક્ત થતી સ્પષ્ટતા, લઘુતમવાદનું એક આધુનિક સંસ્કરણ, સ્થાપત્યની પરિકલ્પનાની દ્રઢ અભિવ્યક્તિ, આવાસની રચનાને એક પ્રદર્શન ગેલેરીની સમજ સાથે જોડવાનો અનોખો પ્રયાસ, સ્થાન-આયોજનમાં ભૌમિતિક બાબતોનું સ્થપાયેલું સ્વીકૃત પ્રભુત્વ, કુદરતી પ્રકાશ અને જરૂરી ગોપનીયતાનો રસપ્રદ સમન્વય, સ્થાપત્યની પ્રત્યેક બાબતનાં વિગતીકરણમાં પ્રતીત થતો કલાત્મક અભિગમ,
ક્યાંક ઔપચારિકતા તો ક્યાંક અનૌપચારિકતાને અપાયેલું તર્કબદ્ધ મહત્ત્વ, એક તરફ વૈભવ તો બીજી તરફ સાદગીની થતી અનુભૂતિ, સમગ્ર રચનામાં સ્થાપિત થતો સંરચનાકીય દ્રઢતાનો ભાવ, ઉપયોગકર્તાની ભૌતિક તેમજ માનસિક જરૂરિયાતોને અપાયેલ સકારાત્મક પ્રતિભાવ, લઘુતમતાના સ્વીકાર પછી પણ અનુભવાતી વિપુલતા, પ્રમાણમાં બંધિયાર હોવા છતાં પણ પ્રતીત થતી મોકળાશ-ખેતરની વચ્ચે સ્થાપિત કરવામાં આવેલો અનોખો `એકશૈલ્ય’ પ્રકારનો આ ઉલ્લેખનીય સ્થાપત્યકીય નમૂનો છે.
લંબાઈને કારણે ઊભું થતું વર્ચસ્વ કદાચ ખેતરને માન્ય ન પણ હોય. નીચેના સ્તરે જે પાણીનો હોજ રખાયો છે તેનો સંપર્ક એટલો બધો સકારાત્મક નથી. સાદગી છે પરંતુ તે ક્યાંક વધુ પડતી જણાય છે. પ્રમાણમાપની દ્રષ્ટિએ આ રહેણાક કરતાં સંસ્થાકીય મકાન હોય તેમ વધુ જણાય છે. કુદરત સાથેનો સંપર્ક પણ ક્યાંક ઘણો મર્યાદિત રહેશે.
ખેતરમાં હોવા છતાં ખેતરમાં હોવાની એટલી મજા કદાચ અહીં નહીં આવે. સપાટીઓ સીધી છે પરંતુ ખૂણા એક વિશેષ પ્રકારની નાટકીયતા ઊભી કરે છે. સરળતા અને નાટકીયતા વચ્ચેનો સંવાદ રસપ્રદ છે, પરંતુ ક્યાંક તેની માત્રા અસંતુલિત હોય તેમ જણાય છે. આવાસ જમીન પરથી ઊંચકાયેલું હોય તેમ પ્રતીત થાય છે પરિણામે જમીન તેમ જ ખેતર સાથેનો તેનો સંપર્ક લગભગ નહીંવત છે.
ઉપરના માળ અને નીચેના માળ વચ્ચેનું સમીકરણ પણ કદાચ પ્રશ્નો ઊભા કરી શકે. તે બધાં સાથે પણ આ આવાસ ચોક્કસ રસપ્રદ છે અને એક `ક્નવીનસિંગ’ વિચારના પડઘા સમાન છે. આ આવાસ ચોક્કસ તેનાં માલિકને ગૌરવની અનુભૂતિ કરાવતું હશે. સાંપ્રત સમયે જ્યાં બિનજરૂરી ગ્લેમરને મહત્ત્વ અપાય છે ત્યાં સ્થાપત્યનો આ નમૂનો ચોક્કસ કોઈ સકારાત્મક પ્રેરણા આપી શકે તેમ છે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ :કાચની દીવાલવાળું ક્વીન્સલેન્ડનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર – ઓસ્ટે્રલિયા