દબાણ હેઠળ ઉમેદવારી ખેંચનારા ગોપાલ શેટ્ટી સંજય ઉપાધ્યાય માટે મુશ્કેલી ઊભી કરશે?
મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને સનસનાટી ફેલાવી હતી, પરંતુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની સમજૂતી બાદ તેમની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે બોરીવલી બેઠક પરથી સંજય ઉપાધ્યાયને ઉમેદવાર બનાવ્યા છે. રવિવારે મોડી રાતે વિનોદ તાવડેએ ગોપાલ શેટ્ટી સાથે બેઠક કરી હતી અને તેમને ઉમેદવારી પાછી ખેંચી લેવા સમજાવ્યા હતા અને પરિણામે તેમણે ઉમેદવારી પાછી ખેંચી હતી, પરંતુ નારાજ ગોપાલ શેટ્ટી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સંજય ઉપાધ્યાયને કેટલું નુકસાન પહોંચાડશે તે જોવાનું રહેશે.
સોમવારે ગોપાલ શેટ્ટીએ ઉમેદવારી પાછી ખેંચવા જતાં પહેલાં પણ જણાવ્યું હતું કે, મારો વાંધો ભાજપની કાર્યશૈલી સામે હતો જ્યાં મારા જેવા પક્ષના કાર્યકરો સાથે ચર્ચા કર્યા વિના નિર્ણયો લેવામાં આવે છે. જોકે, બહાર એવો સંદેશ જાય છે કે મારી સંમતિથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાંચો: ભાજપમાં બળવાખોરોને મનાવવાના પ્રયાસો તેજ, દેવેન્દ્ર ફડણવીસ અને ગોપાલ શેટ્ટીની બેઠકમાં શું થયું?
બોરીવલી વિધાનસભા મતદારસંઘ (ભૂતકાળમાં) માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ત્યારે મારી ક્યારેય સલાહ લેવામાં આવી ન હતી. હું પાર્ટીનો કાર્યકર છું અને મેં હંમેશા નિર્ણય લેવાની ચોક્કસ શૈલી પ્રત્યે મારી ચિંતા વ્યક્ત કરી હતી, એમ તેમણે કહ્યું હતું.
તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેઓ ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે ભારે દબાણ હેઠળ છે. આમ છતાં તેમણે પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: ભાજપના બળવાખોર નેતાઓ ગોપાલ શેટ્ટી, ગીતા જૈન, હસમુખ ગેહલોત અપક્ષ ઉમેદવાર
એટલું જ નહીં બોરીવલી ભાજપના જ આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપાલ શેટ્ટીને સંજય ઉપાધ્યાય સામેનો વિરોધ અકબંધ છે અને તેમને હરાવવા માટે કામ કરી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને લોકસભાની ઉમેદવારી મળ્યા પછી અહીં ભાજપના વિજયના માર્જિનમાં થયેલા ઘટાડા અંગે ગોપાલ શેટ્ટી પર શંકાની સોઈ ઉપસ્થિત કરવામાં આવી હતી અને તેમણે પૂરતો સહયોગ ન કર્યો હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. હવે સંજય ઉપાધ્યાયની સાથે જો ગોપાલ શેટ્ટી અસહયોગ કરે તો તેમને માટે બોરીવલીનો જંગ કપરો બની શકે છે.
અંધેરી પૂર્વ વિધાનસભામાંથી ભાજપના અન્ય બળવાખોર સ્વીકૃતિ શર્માએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.