મહાયુતિમાં 9 બેઠક મુદ્દે હજી ખેંચતાણ ચાલુ જ
મુંબઈ: ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને વિપક્ષ તેમ જ સત્તાધારી પક્ષના ઉમેદવારીઓ પોતપોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે હજી સુધી અનેક બેઠકો મુદ્દે સમાધાન સધાયું નથી. મહાયુતિમાં પણ મહારાષ્ટ્રની કુલ નવ બેઠકો માટે ખેંચતાણ ચાલી રહી છે, જેને પગલે આ બેઠકો પર હજી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.
અજીત પવારની એનસીપી, એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે મુંબઈ સહિત મહારાષ્ટ્રની નવ બેઠકો માટેની વાટાઘાટો હજી પણ ચાલી જ રહી છે.
રત્નાગિરી-સિંધુદુર્ગ, સાતારા, ઔરંગાબાદ, નાશિક, પાલઘર, થાણે, દક્ષિણ મુંબઈ, ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ અને ઉત્તર-મધ્ય મુંબઈ આ નવ બેઠકો માટે ત્રણેય પક્ષો સંમત નથી થઇ રહ્યા. આ બેઠકો પર ટિકીટ મેળવવા ઇચ્છુક ઉમેદવારો તેમ જ કાર્યકર્તાઓ બધા જ આ બેઠકોને લઇને અસમંજસમાં હોવાનું દૃશ્ય ઊભું થયું છે. રત્નાગિરી-સિંધુદુર્ગ અને સાતારામાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન હાથ ધરાશે જ્યારે ઔરંગાબાદમાં 13મી મેના રોજ મતદાન યોજવામાં આવશે. બાકી બેઠકો પર 20મી મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન યોજાશે.
આપણ વાંચો: મહાયુતિમાં મનસેનું આગમન: એડવાન્ટેજ એકનાથ શિંદે
મુંબઈમાં ટિકીટ મેળવવા માટે ઇચ્છુક શિવસેનાના અમુક નેતાઓએ તો પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. હજી સુધી આ બેઠક ત્રણેય પક્ષમાંથી કોના ફાળે જાય છે, તે નક્કી નથી થયું એવામાં અમુક ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કરી દેતા ચર્ચાઓ પણ શરૂ થઇ છે.
2019ની ચૂંટણીમાં ઉક્ત બેઠકોમાંથી અવિભાજીત શિવસેના છ બેઠકો જીતી હતી. સૂત્રોએ જણાવ્યા મુજબ આમાંની અમુક બેઠકો પર ભાજપની નજર છે.