આવતીકાલથી બે દિવસ વડા પ્રધાન મોદી ગુજરાતમાંઃ છ જનસભા સંબોધશે
ગાંધીનગરઃ દેશની લોકસભા ચૂંટણીનાં ત્રીજા ચરણના મતદાન આડે હવે એક જ સપ્તાહ બાકી રહ્યું છે. ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે ત્યારે, છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં પ્રચાર-પ્રસાર સુસ્ત રહ્યો છે. રાજકીય પાર્ટી અને અપક્ષની સુસ્તી પણ ઉડીને આંખે વળગે છે. તેનું એક કારણ પ્રખર ગરમી પણ હોય શકે. અને બીજું ક્ષત્રિય સુમુદાય જે રીતે મેદાનમાં ઉતર્યો છે તેના કારણે કોંગ્રેસ માટે પ્રચાર અને ભાજપ માટે (વિરોધી) પ્રસાર થઈ રહ્યો છે.
હવે ગુજરાતમાં ભાજપ માટે આ પહેલી વખત સર્જાયેલી સ્થિતિને થાળે પાડવા અથવા તો છેલ્લી ઘડીના સોંગઠ્ઠા ગોઠવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 જેટલી જનસભા સંબોધશે.
પહેલી મે -ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ. વડા પ્રધાનનું આગમન પણ લોકસભા ચૂંટણીનાં પ્રચાર માટે આ જ દિવસે આવવું વધુ સૂચક છે. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત, વારસો અને વૈભવ સાથે વિકાસની યશોગાથાને પોતાના મુખ્યમંત્રી કાળથી વડા પ્રધાન પદના એક દાયકાના સાશનને ગુજરાતની જાનતા સામે મૂલવવાનો અવસર.
આપણ વાંચો: વડા પ્રધાન મોદી પછી પ્રચારમાં અવ્વલ એકનાથ શિંદે
બુધવારે વડા પ્રધાન મોદી રાજસ્થાન બોર્ડરના છેવાડાના બનાસકાંઠાના ડિસાથી પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કરશે, જેમાં રાજસ્થાનના કેટલાક વિસ્તાર, સાબરકાંઠા, પાટણ જેવી બેઠકો નજીક છે. પહેલી મે એ જ બીજી સભા આદિજાતિ વિસ્તારોને આવરી લેતી બેઠક સાબરકાંઠામાં હિમ્મત નગરમાં જનસભા કરશે. ફરી અહીની સભા પાટણ, બનાસકાંઠા અને અમદાવાદ પૂર્વના વિસ્તારોને સાંકળી લેશે.
બીજી મીએ વડા પ્રધાન પોતાના ચૂંટણી પ્રચાર પ્રવાસના બીજા અને અંતિમ દિવસે ચાર જનસભા, સૌરાષ્ટ્રમાં જામનગર , સુરેન્દ્રનગરના, જૂનાગઢ અને આણંદ લોકસભા વિસ્તારોમાં જનસભાને સંબોધશે.
મોદીની સભામાં બંદોબસ્ત જડબેસલાક
ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજની ગતિવિધિઓ ભાજપ વિરોધી વધી જતાં સરકાર અને પોલીસ વિભાગ ચિંતિત છે. લોકસભા બેઠકના જે તે વિસ્તારના ઉમેદવારો કે આની રાષ્ટ્રીય નેતાઓ સામે ક્ષત્રિય સમુદાય વિરોધ નોંધાવી ચૂક્યો છે. વડા પ્રધાનની જનસભાઓ પણ ક્ષત્રિય સમાજનું જ્યાં પ્રભુત્વ છે તેવા વિસ્તારોમાં ગોઠવાઈ હોવાની સામાન્ય સમજ છે. આ વચ્ચે નરેન્દ્ર મોદીની સભામાં સહેજ પણ ચૂક ના રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.
અભય ચુડાસમા, સુભાષ ત્રિવેદી અને રાજકુમાર પાંડિયનને પણ આ જવાબદારીમાં સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું કે, આ એક પ્રક્રિયા છે, જેમાં એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીઓને રાખવામાં આવે છે.