પુણેમાં પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારા સામે પોલીસ કાર્યવાહીની ચીમકી
પુણે: પુણે લોકસભા મતદારસંઘમાં સોમવારે મતદાન થવાનું હોવાથી મતદાન કેન્દ્ર આસપાસના પરિસરમાં પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યો છે. પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી જૉઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ પવારે આપી હતી.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં પુણેમાં સોમવારે મદાન થશે. પુણે લોકસભા મતદારસંઘમાં 2,018 મતદાન કેન્દ્રો છે. શિરુર લોકસભા મતદારસંઘમાંના કેટલાક વિસ્તારનો સમાવેશ પુણે પોલીસ કમિશનરેટમાં થાય છે. પુણે પોલીસ દ્વારા પુણે અને શિરુર મતદારસંઘમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મતદાન કેન્દ્ર પરિસરમાં પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યો છે. મતદાન કેન્દ્રથી સો મીટર પરિસરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. એ સિવાય આ પરિસરમાં તસવીરો પાડવાની પણ મનાઈ કરવામાં આવી છે. જ્વલનશીલ વસ્તુ, શસ્ત્રો લઈ જવાની પણ મનાઈ ફરમાવાઈ છે.
મતદાન કેન્દ્ર પરિસરમાં પ્રતિબંધાત્મક આદેશ ઉમેદવારો સહિત તેમના પ્રતિનિધિ અને મતદારોને લાગુ પડશે. આદેશનો ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એવું પવારે જણાવ્યું હતું.