પીએમ મોદીના ચૂંટણી ભાષણો પોકળ વાતો: પ્રિયંકા
નંદુરબાર (મહારાષ્ટ્ર): કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાષણોને પોકળ વાતો ગણાવી હતી અને તેમના પર લોકોની સેવા કરવા માટે નહીં ફક્ત સત્તા મેળવવાના હેતુથી રાજકારણનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પીએમ મોદીએ આ આદિવાસી બહુમતીવાળા મતવિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કર્યાના એક દિવસ પછી નંદુરબાર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગોવાલ પાડવીને માટે પ્રચાર રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મોદીજી જે બોલે છે તે બધું ‘ખોખલી બાતેં’ (પોકળ વાતો) છે જેનું કોઈ વજન નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી એક આદિવાસીના ઘરે જઈને તેમની સમસ્યાઓ સમજવા માટે ગયા હોય એવી એક તસવીર મને બતાવો. તમારી સંસ્કૃતિ અને પરંપરાનો આદર કરવો એ રાજકીય નેતાઓની ફરજ છે, પરંતુ ભાજપ આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન કરતું નથી.
આદિવાસી સમુદાયના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરવા અથવા અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જ્યારે વાસ્તવમાં આદર આપવાની વાત આવે છે, ત્યારે મોદીજી પીછેહઠ કરે છે, એવો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.
વડા પ્રધાન પર વધુ પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, મોદીજી બાળકની જેમ રડે છે કે તેમનું શોષણ થઈ રહ્યું છે. આ જાહેર જીવન છે… પાકિસ્તાનના બે ટુકડા કરી નાખનારા દુર્ગા જેવી મહિલા ઈન્દિરા ગાંધી પાસેથી શીખો. તેમની બહાદુરી, હિંમત અને નિશ્ર્ચય શક્તિમાંથી માર્ગદર્શન મેળવો, પરંતુ જ્યારે તમે તેમને રાષ્ટ્રવિરોધી જાહેર કરી જ નાખ્યા છે તો પછી તમે તેમની જીંદગીમાંથી માર્ગદર્શન કેવી રીતે મેળવી શકશો? (પીટીઆઈ)