દુકાળમાં અધિકમાસ: એક તો ગરમી અને તેમાં અવ્યવસ્થા
જુઓ અવ્યવસ્થાના કારણે કઇ રીતે હેરાન થયા મુંબઈના મતદારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગરમીથી બેહાલ થઇને રૂમાલથી પરસેવા લૂંછતા મતદાન કરવા માટે લાઇનમાં ઊભેલા મતદારો, મતદાન કેન્દ્રોથી બહાર રસ્તા સુધી લાઇન લગાવીને કલાકો સુધી તડકામાં ઊભા રહેલા મતદારો, પરસેવે રેબઝેબ થઇને પંખાની વ્યવસ્થા ન હોવાથી હેરાન થતા મતદારો અને તરસ્યાં થાય તો પીવાના પાણી વિના મતદાનની ફરજ બજાવવા મક્કમ થઇ કતારમાં ઊભા રહેલા મતદારો. આ દૃશ્ય હતું મંગળવારે ધોમધખતા તાપમાં પોતાની દેશ તરફ નાગરિક તરીકેની ફરજ બજાવવા માટે ઘરની બહાર પડેલા મુંબઈગરાઓની પારાવાર હાલાંકીનું.
પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મુંબઈમાં મતદાન યોજવામાં આવ્યું ત્યારે મતદાન કેન્દ્રોમાં પંખા અને પીવાના પાણી જેવી મૂળભૂત વ્યવસ્થા પણ ન હોવાના કારણે મુંબઈગરાઓએ ભારે હાલાંકી ભોેગવવાનો વારો આવ્યો હતો. મોટાભાગના કેન્દ્રોમાં દિવ્યાંગ તેમ જ વૃદ્ધો માટે વ્હિલચેરની અને તેમને વ્લિહચેરમાં મદદ કરનારાઓની વ્યવસ્થા હતી. જોકે અમુક કેન્દ્રોમાં તેની વ્યવસ્થા ન હોવાનું પણ જણાયું હતું.
આ પણ વાંચો: Loksabha election 2024ઃ આ કારણે વડા પ્રધાન મારી સાથે ચર્ચામાં ઉતરતા નથી, રાહુલે આપ્યું કારણ
જ્યારે કેન્દ્રોમાં સેંકડોની સંખ્યામાં આવનારા મતદારો માટે બે છેડે ફક્ત બે ટેબલ ફેનની વ્યવસ્થા જ જોવા મળી હતી. આ સિવાય અમુક કેન્દ્રોમાં પીવાના પાણીનું પણ ફક્ત એક ગેલન મૂકવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું અને તેમાં પણ ગ્લાસ તો ગાયબ જ હતા. આ પ્રકારની અવ્યવસ્થા જોવા મળી હતી. બોરીવલીના અમુક કેન્દ્રોમાં ઇવીએમ મશીનમાં ખામી સર્જાઇ હતી અને તેના કારણે મતદારોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી.
તો મલાડ, કાંદિવલી અને દહીંસરમાં પણ એક કે બીજા કારણોસર અત્યંત ધીમી ગતિએ મતદાન થયું હતું. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા મતદારો ગરમી અને ઉકળાટથી તો કંટાળ્યા જ હતા, પરંતુ સાથે સાથે અવ્યવસ્થાના કારણે તેમની હાલત વધુ કફોડી થઇ હતી. માગાઠાણે ખાતે મત કેન્દ્રમાં અગવડતા અને અવ્યવસ્થાને જોઇને ઉત્તર મુંબઈના સાંસદ પિયુષ ગોયલ પણ તાડુક્યા હતા અને ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે એક મત કેન્દ્ર પર લગભગ 2,000 મતદારો મત આપવાનો અંદાજ હતો. જોકે, ચૂંટણી પંચ દ્વારા આ સંખ્યાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ન કરવામાં આવી હોવાની ટીકા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઘણા મતદારોએ પોતાનો મત આપવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. ઘણા લોકોએ દોઢ કલાક સુધી રાહ જોયા બાદ મતદાન કર્યું હતું. જોકે સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.