નવાબ મલિકની ઉમેદવારીથી મહાયુતિમાં અસર નહીં: પ્રફુલ પટેલ
મુંબઈ: એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું છે કે, આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે નવાબ મલિકને તેમની પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી કરવાથી રાજ્યમાં અન્યત્ર મહાયુતિની સંભાવનાઓને કોઈ અસર થશે નહીં.
મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની નજીકના લોકો સાથે સંબંધ હોવાનો પણ આરોપ ધરાવતા મલિક મુંબઈની માનખુર્દ-શિવાજીનગર બેઠક પરથી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સત્તાવાર ઉમેદવાર છે.
ગોંદિયામાં પત્રકારો સાથે વાત કરતા પટેલે કહ્યું હતું કે, મલિક સામેના આરોપો કાયદાની અદાલતમાં સાબિત થયા નથી.
તે અમારા લાંબા સમયથી સાથીદાર છે. જો ભાજપ કે શિવસેના તેમની ઉમેદવારીને ટેકો આપવા માગતા ન હોય અથવા જો તેઓ તેમની સામે તેમના ઉમેદવારને ઊભા કરવા માગતા હોય, તો તેઓ તેમ કરી શકે છે. અમે ખાતરી કરીશું કે મહાયુતિની સંભાવનાઓને રાજ્યમાં અન્યત્ર કોઈ અસર ન થાય, એમ રાજ્યસભાના સભ્યે જણાવ્યું હતું.
અગાઉની મહા વિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર દરમિયાન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની કેબિનેટમાં નવાબ મલિક પ્રધાન હતા.
આપણ વાંચો: નવાબ મલિકને અજિત પવારે બનાવ્યા ઉમેદવાર તો ફડણવીસ નારાજ…
તેમણે 2021 માં ક્રુઝ શિપ પર ડ્રગ્સ રાખવાના આરોપમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર નિશાન સાધ્યું હતું.
એન્ટી-ડ્રગ એજન્સીએ પૂરતા પુરાવાના અભાવે આર્યન ખાન અને અન્ય પાંચ સામે ડ્રગ્સના આરોપો પડતા મૂક્યા હતા.
દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ અને ટાઈગર મેમણ સહિત તેના સહયોગીઓ વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા પ્રથમ નોંધાયેલા કેસમાં 2022માં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મલિકને તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા.
ગયા વર્ષે જુલાઈમાં એનસીપીના વિભાજન પછી અજિત પવારની આગેવાની હેઠળના જૂથે સાથી ભાજપ તરફથી વાંધો હોવા છતાં વિધાનસભ્યને તેમના જૂથમાં સામેલ કર્યા હતા.
એનસીપીએ અણુશક્તિ નગર મતવિસ્તારમાંથી નવાબ મલિકની પુત્રી સના મલિકને પણ ટિકિટ આપી છે.
ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તે નવાબ મલિક માટે પ્રચાર કરશે નહીં, પરંતુ તેની પુત્રીની ઉમેદવારી સામે તેમને કોઈ વાંધો નથી.