ઈન્ડી ગઠબંધનની ઘટકપક્ષોમાં વડાપ્રધાન પદ માટે સંગીત ખુરશી: અમિત શાહ

મધુબની (બિહાર): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ગુરુવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈન્ડી ગઠબંધન દેશમાં સત્તા આવે તો વડા પ્રધાન પદ માટે સંગીત ખુરશી કરવાની યોજના કરી રહી છે.
બિહારના મધુબનીમાં લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર કરતાં તેમણે કહ્યું હતું કે દેશને મજબૂત વડા પ્રધાનની આવશ્યકતા છે, વાર્ષિક ધોરણે બદલાતા વડા પ્રધાનની નહીં.
તેમણે કહ્યું હતું કે તેમની પાસે વડા પ્રધાન પદ માટે ચહેરો જ નથી. દેશે નક્કી કરી નાખ્યું છે કે વડા પ્રધાન પદ માટે મોદીજીને ત્રીજી મુદત આપવી, પરંતુ શું તમે મને કહી શકો છો કે ઈન્ડી ગઠબંધનનો વડા પ્રધાન પદનો ઉમેદવાર કોણ હશે? તેઓ કોઈ કાળે સત્તામાં આવી શકે એમ નથી.. પરંતુ છતાં.. મમતા બેનરજી વડા પ્રઘાન બનશે કે પછી સ્ટાલિન કે પછી લાલુ પ્રસાદ યાદવ? એવો સવાલ તેમણે લોકોને કર્યો હતો.
આ પણ વાંચો: ભીડમાંથી કોઈએ કહ્યા ઓ Amitkaka… Home Minister Amit Shahએ આપ્યું આવું રિએક્શન…
આ લોકોએ એવું નક્કી કર્યું છે કે વડા પ્રધાનની ખુરશી તેમની અંદર ફરતી રાખવી. મારું કહેવું છે કે દેશ ચલાવવો એ કરિયાણાની દુકાન ચલાવવા જેવું નથી. કોરોના જેવી સ્થિતિ ફરી આવી તો શું તેઓ દેશને બચાવી શકશે? શું તેઓ દેશને આતંકવાદીઓથી બચાવી શકશે? ભારતને મજબૂત વડા પ્રધાનની જરૂર છે, વાર્ષિક ધોરણે બદલાતા વડા પ્રધાનની નહીં, એમ અમિત શાહે કહ્યું હતું.
તેમણે એવો દાવો કર્યો હતો કે બિહારના ઉત્તર ભાગમાંથી પહેલાં ગોધણની દાણચોરી થતી હતી, પરંતુ એનડીએ સરકાર ગોહત્યાના વિરોધમાં છે અને તેને કોઈ કાળે થવા દેવામાં આવશે નહીં.
કેન્દ્ર સરકારના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ને પ્રતિબંધિત કરવાના નિર્ણય અંગે બોલતાં શાહે દાવો કર્યો હતો કે દેશને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરાવતી સંસ્થા પર પ્રતિબંધ મૂકવો યોગ્ય હતો. (પીટીઆઈ)