નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મોદી સરકારે દેશમાંથી આતંકવાદ ખતમ કરી નાખ્યો, નક્સલવાદ પણ ખતમ થવાને આરે: અમિત શાહ

રાયપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના કાર્યકાળમાં દેશમાંથી આતંકવાદને ખતમ કરી નાખવામાં આવ્યો છે અને નક્સલવાદ પણ ખતમ થવાને આરે પહોંચી ગયો છે.

છત્તીસગઢના કાંકેરમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં અમિત શાહે નક્સલવાદીઓને શરણે આવવાની હાકલ કરતાં એવી ચેતવણી ઉચ્ચારી હતી કે અન્યથા આગામી બે વર્ષમાં તેમને મૂળ સહિત ઉખેડી નાખવામાં આવશે.

તેમણે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને એવો સવાલ કર્યો હતો કે તેમનો પરિવાર ચાર પેઢીથી સત્તામાં હતો, તેમણે છત્તીસગઢના ગરીબ લોકો માટે શું કર્યું હતું?

કૉંગ્રેસ કહે છે કે લઘુમતી કોમનો દેશના સંસાધનો પર પહેલો અધિકાર છે, પરંતુ અમે (ભાજપ) કહીએ છીએ કે ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાતવર્ગના લોકોનો દેશના સંસાધનો પર પહેલો અધિકાર છે, એમ શાહે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓએ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી નહોતી, ફક્ત પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે. કેન્દ્રીય પ્રધાને મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમની પાસે 10 વર્ષના કામનો હિસાબ છે અને આગામી 25 વર્ષ માટેની યોજનાઓ છે.

નરેન્દ્ર મોદીજીએ દેશમાંથી આતંકવાદ ખતમ કરી નાખ્યો છે જ્યારે નક્સલવાદ ખતમ થવાને આરે છે. મહાદેવ એપ બ્રાન્ડ ભૂપેશ બાઘેલ સરકારે નક્સલવાદીઓ સામે કોઈ પગલાં ભર્યા નથી, એમ પણ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: ગુજરાતમાં લોકસભાનાં 328 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા, અમિત શાહ સામે 29 ઉમેદવારો લડશે ચૂંટણી

તેઓ રાજ્યની અગાઉની કૉંગ્રેસ સરકારના શાસનકાળનો ઉલ્લેખ કરી રહ્યા હતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં સંડોવણીનો ઉલ્લેખ કરતા હતા.

છત્તીસગઢમાં ભાજપની સરકાર આવ્યા બાદ વિષ્ણુ દેવ સાઈને મુખ્ય પ્રધાન અને વિજય શર્માને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ચાર મહિનામાં 90 નક્સલવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. 123 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને 250 નક્સલવાદીઓએ શરણાગતી સ્વીકારી લીધી છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે એવો દાવો કર્યો હતો કે મોદીના કાર્યકાળમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ સહિત આખા દેશમાંથી નક્સલવાદને ખતમ કરવામાં આવ્યો છે. મોદીને ત્રીજી ટર્મ માટે ચૂંટી કાઢો તો છત્તીસગઢમાંથી પણ બે વર્ષમાં નક્સલવાદને ખતમ કરી નાખવામાં આવશે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button