‘ભલે અજિત પવારની જીત, NCP મારી જ છે’, જાણો શરદ પવારે રાજકીય સંન્યાસ પર શું કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિની ભવ્ય જીત થઈ હતી, મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ થઈ ગયા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપીના કંગાળ પ્રદર્શન બાદ પાર્ટીના વડા શરદ પવાર રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે તેવી અટકળો વહેતી થઈ હતી. પરંતુ આ અંગે ખુદ શરદ પવારે જવાબ આપ્યો છે.
પવારે કહ્યું, અમે વર્ષોથી જાહેર જીવનમાં છીએ પરંતુ અમને ક્યારેય આવો અનુભવ થયો નથી. પરંતુ હવે અમે આ અંગે વિચારીશું, સમજીશું કે શું થયું અને નવા જોશ સાથે લોકોની સમક્ષ આવીશું.તેમણે કહ્યું, મેં ચૂંટણી પ્રચાર દરમિયાન વિવિધ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. પછી તે અમારી પાર્ટી હોય, શિવસેના (યુબીટી) હોય કે કોંગ્રેસ, તમામ સામૂહિક રીતે કામ કર્યું હતું. પરંતુ પરિણામ અમારી તરફેણમાં ન આવ્યું, ક્યાંય કોઈ કચાશ નહોતી.
આપણ વાંચો: અજિત પવાર આ બાબતે કાકા શરદ પવાર પર ભારે પડ્યા, NCP પર દાવો મજબુત કર્યો
શરદ પવારે કહ્યું, હું અને મારા સાથીદારો નક્કી કરશે કે મારે નિવૃત્તિ લેવી જોઈએ કે નહીં. અન્ય લોકો આવું કેમ કહી રહ્યા છે? તેમણે એમ પણ કહ્યું કે લાડલી બેહન યોજના દ્વારા મહિલાઓને અમુક રકમ આપવામાં આવી હતી, અમે એક અભિયાન ચલાવ્યું હતું કે જો અમે સત્તામાં નહીં રહીએ તો આ પૈસા રોકી દેવામાં આવશે, કદાચ તેથી જ મહિલાઓએ મહાયુતિને મત આપ્યો હતો. પૌત્ર યુગેન્દ્ર પવારને બારામતીથી ચૂંટણી લડવા દેવા અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અજિત પવારની સામે યુગેન્દ્ર પવારને ટિકિટ આપવી એ ખોટો નિર્ણય નહોતો. પરિવારમાંથી કોઈએ ચૂંટણી લડવાની તો હતી જ.
શરદ પવારે ભત્રીજા અજિત પવારનેવિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા પર કહ્યું, મહારાષ્ટ્રની ચૂંટણીમાં અજિત પવારને વધુ બેઠકો મળી તે સ્વીકારવામાં કોઈ સંકોચ નથી. પરંતુ, બધા જાણે છે કે NCPના સ્થાપક કોણ છે. શરદ પવારે કહ્યું કે અજિત પવાર અને યુગેન્દ્ર પવાર વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં.
આપણ વાંચો: Election Result: રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારની પાર્ટીને કેટલી સીટ મળી?