લોકસભા ચૂંટણીઃ ઉત્તર-મધ્ય મુંબઈની સીટ પરથી ભાજપ જાણીતા વકીલને ટિકિટ આપી શકે

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકસભા ચૂંટણીમાં ઉત્તર-મધ્ય મુંબઈ સીટ પર વરિષ્ઠ વકીલ ઉજવલ નિકમને ઉમેદવાર બનાવી શકે છે, એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. દેશમાં 543માંથી 400 લોકસભાની સીટ જીતવાનો લક્ષ્યાંક રાખીને ભાજપ નવા ચહેરાને ઉમેદવાર બનાવવાની વાત પર વિચાર કરી રહ્યું છે, એવી માહિતી એક અહેવાલમાં જણાવવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના મુંબઈની છ સીટ પર દરેક રાજકીય પક્ષોની નજર છે. જોકે ભાજપે છેલ્લી બે ચૂંટણીમાં ઉત્તર-મધ્ય મુંબઈની સીટ પર પૂનમ મહાજનને ઉમેદવાર બનાવ્યા હતા, પણ આ બેઠક પર ભાજપનું જોર ઓછું થયું હતું, જેથી ઉત્તર મધ્ય મુંબઈની બેઠક પર ફરી એક વખત પોતાના પક્ષને મજબૂત બનાવવા માટે ભાજપ ઉજવલ નિકમને ઉમેદવારી પદ આપી શકે છે.
ઉજવલ નિકમ મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલા અને 20૦6ના ખેરલાંજી હત્યાકાંડ જેવા અનેક મોટા કેસ લડનાર એક જાણીતા વરિષ્ઠ વકીલ છે. મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારોની સુનાવણીમાં તેમણે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ કામ કર્યું હતું અને હુમલાના આરોપી આતંકવાદી અજમલ કસાબને દોષી સાબિત કરવા માટે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી.
1993ના બોમ્બે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં પણ ઉજવલ નિકમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કામને કારણે હુમલા પાછળના મુખ્ય આરોપીઓ પૈકીના એક યાકુબ મેમન સહિત અનેક મુખ્ય આરોપીઓને અદાલતે દોષી જાહેર કર્યા હતા.