લોકસભા ચૂંટણી 2024: સાથી પક્ષોના દાવા છતાં કૉંગ્રેસ એ બેઠકો પર ઉમેદવાર આપશે જ
શિવેસના દ્વારા જાહેર કરવામાં આવેલી મુંબઈની બેઠકો અને એનસીપી દ્વારા દાવો કરવામાં આવેલી ભિવંડીની બેઠકનો સમાવેશ: મૈત્રીપુર્ણ લડતનો વિકલ્પ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને પડકાર આપવા સજ્જ થઈ રહી હતી ત્યારે જ રાજ્યમાં બેઠકોની વહેંચણીને લઈને સહભાગી પક્ષો વચ્ચે સમસ્યા નિર્માણ થશે એવી આગાહી મુંબઈ સમાચારે ઘણા વખત પહેલાં કરી હતી.
બેઠકોની વહેંચણીની ચર્ચા પૂર્ણ થયા પહેલાં જ શિવસેનાએ પોતાના તરફથી 17 ઉમેદવારોની એક યાદી જાહેર કરી નાખી અને તેમાં કૉંગ્રેસને અપેક્ષિત કેટલાક મતદારસંઘો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, બીજી તરફ એનસીપીએ પણ લોકસભાની ભિવંડી બેઠક પર પોતાનો દાવો માંડ્યો છે.
આમ કૉંગ્રેસને અપેક્ષિત પાંચ બેઠકો પર સાથી પક્ષો હક્કદાવો જમાવી બેઠા છે, ત્યારે આવી સ્થિતિમાં ગઠબંધન તોડીને બધી જ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાનો વિકલ્પ અપનાવવાને બદલે કૉંગ્રેસે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો સાથે પાંચ બેઠકો પર મૈત્રીપુર્ણ લડત આપવાનો વિકલ્પ અપનાવીને આઘાડીને તૂટતી બચાવી છે. જોકે, તેમનો આ વિકલ્પ સાથી પક્ષોને પસંદ પડે છે કે નહીં તે જોવાનું રહેશે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં I.N.D.I.A. ગઠબંધનને આ પાર્ટી આપી શકે છે પહેલો ઝટકો?
શિવસેના દ્વારા સાંગલી, વાયવ્ય મુંબઈ, ઈશાન મુંબઈ અને દક્ષિણ-મધ્ય મુંબઈ એમ ચાર બેઠકો પર એકપક્ષી રીતે ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે અને એનસીપીએ ભિવંડીની બેઠક પર દાવો કર્યો છે.
મળતી માહિતી અનુસાર દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે થયેલી ઓનલાઈન બેઠકમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, બાળાસાહેબ થોરાત, નસીમ ખાન જેવા નેતાઓએ પાંચ બેઠક પર સાથી પક્ષો દ્વારા કરાયેલા ‘અતિક્રમણ’ અંગે નારાજી વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મોવડી મંડળ દ્વારા આ બેઠકો સાથી પક્ષોને ફાળવવામાં આવી હોય તો પણ આ બેઠક પર મૈત્રીપુર્ણ લડત માટેનો વિકલ્પ ખુલ્લો રાખવો, કેમ કે મહારાષ્ટ્ર કૉંગ્રેસ આ પાંચેય બેઠક પર ઉમેદવાર આપવા માગે છે, એવી માહિતી નસીમ ખાને બેઠક બાદ આપી હતી.
આપણ વાંચો: Loksabha Election: મહારાષ્ટ્રમાં MVA ગઠબંધનમાં બેઠક વહેંચણીનો નિર્ણય અદ્ધરતાલે?
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલના પૌત્ર વિશાલ પાટીલને સાંગલી, દક્ષિણ-મધ્ય મુંબઈથી વર્ષા ગાયકવાડ, વાયવ્ય મુંબઈથી નસીમ ખાન અથવા અભિનેતા રાજ બબ્બરને ઉમેદવારી આપવાની તૈયારીઓ કરી નાખવામાં આવી હતી.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના ઘટકપક્ષોને વિશ્ર્વાસમાં લીધા વગર ઉમેદવારોની જાહેરાત કરીને ઉદ્ધવ ઠાકરેએ વિશ્ર્વાસભંગ કર્યો છે અને મહાવિકાસ આઘાડી તૂટે નહીં એવી ઈચ્છા કૉંગ્રેસની છે, પરંતુ એનો અર્થ એવો થતો નથી કે તેઓ સાથી પક્ષો સામે નમતું જોખશે. આથી જ આ પાંચ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવામાં જ આવશે.