લોકસભા ચૂંટણીઃ વંચિત બહુજન આઘાડીના ઉમેદવારને ફડણવીસને મળવાનું ભારે પડ્યું…

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની મોસમ શરૂ થઇ હોવાથી નેતાઓના એક પક્ષમાંથી બીજા પક્ષમાં પ્રવેશવાનો તેમ જ પોતાની માટે વધુ સારી તક શોધવાનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. જોકે ફક્ત હરિફ નેતાના મળવાના કારણે એક ઉમેદવારની ઉમેદવારી રદ થઇ ગઇ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વંચિત બહુજન આઘાડીના એક ઉમેદવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરતા તેમની ઉમેદવારી રદ કરવામાં આવી છે.
ફડણવીસને મળનારા ઉમેદવારની ઉમેદવારી રદ કરવાનો ફેંસલો વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે લીધો છે. ઉલ્લેખનીય છે કે પ્રકાશ આંબેડકર વિપક્ષના ગઠબંધન મહાવિકાસ આઘાડીને છોડીને એકલેહાથે ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે અનેક બેઠકો ઉપર પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી છે.
એની એક બેઠક શિરુર પર પ્રકાશ આંબેડકરે મંગલદાસ બાંદલને ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે, ઇંદ્રાપુર ખાતે બાંદલે ફડણવીસની મુલાકાત લીધી હતી, જેને પગલે તેમની ઉમેદવારી રદ કરવામાં આવી છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ ટિકિટ નહીં મળતા ભાજપના નેતા ભાવુક થયા, આપ્યું આ નિવેદન
શુક્રવારે ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની સાથે બારામતી બેઠકના ઉમેદવાર તેમ જ અજિત પવારના પત્ની સુનેત્રા પવારના પ્રચાર માટે એક રેલીમાં ગયા હતા. રેલી બાદદ તેમણે ઉદ્યોગપતિ તેમ જ પાર્ટીના કાર્યકર્તા દશરથ માનેના નિવાસસ્થાને તેમની મુલાકાત લીધી હતી. અહીં જ તેમને મળવા માટે બાંદલ પહોંચ્યા હતા, જ્યારબાદ તેમની ઉમેદવારી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બાંદલને પણ પોતાની ઉમેદવારી રદ થવાની માહિતી આપવામાં આવી નહોતી. તેમને પોતાની ઉમેદવારી રદ થઇ હોવાની વાત સોશિયલ મીડિયા પરથી મળી હોવાનું તેમણે કહ્યું હતું.
તેમણે આ વિશે વાત કરતા કહ્યું હતું કે પાર્ટીના કોઇપણ વરિષ્ઠ નેતાએ મને આ નિર્ણય વિશે વ્યક્તિગત રીતે જાણ કરી નથી. મોનાઇ સમૂહના પ્રમુખ દશરથ માને સાથએ મારા કૌટુંબિક સંબંધ છે. અમે પહેલા જિલ્લા પરિષદના સદસ્યોના રૂપમાં પણ કામ કરી ચૂક્યા છીએ.