લોકસભા ચૂંટણી 2024: કંગના રણૌત પછી વધુ એક અભિનેત્રીનું નામ ચર્ચામાં
શિંદે સેના તરફથી મુંબઈમાં ઉમેદવારી મળવાની શક્યતા
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપે જાણીતી અભિનેત્રી કંગના રણૌતને ઉમેદવારી આપ્યા બાદ હવે મુંબઈમાંથી શિંદે સેના એક જાણીતી મરાઠી અભિનેત્રીને ઉમેદવારી આપવાનું વિચારી રહી છે. જોકે, હજી સુધી આ અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
અહીં ઉલ્લેખનીય છે કે અત્યારે મુંબઈની છ લોકસભામાંથી ભાજપના ત્રણ, શિંદે સેનાના એક અને ઠાકરે સેનાના બે નેતા છે. વાયવ્ય મુંબઈની બેઠક પર ઠાકરે સેનાના ગજાનન કિર્તીકરના સ્થાને તેમના પુત્ર અમોલ કિર્તીકરને ઉમેદવારી આપવાનું વિચારી રહી છે, ત્યારે આ બેઠક પરથી તગડો ઉમેદવાર આપીને બેઠક કબજે કરવાની મંશા શિંદે સેના ધરાવી રહી છે.
આપણ વાંચો: શિવાજી પાર્કમાં રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ દેખાતા શિંદે વિફર્યા, આપ્યું આ નિવેદન
આ બેઠક પર ચૂંટણી લડવા માટે શિંદે સેના જાણીતા ફિલ્મ અભિનેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ગોવિંદા સાથે વાટાઘાટો કરી રહી છે, પરંતુ ગોવિંદા આની પહેલાં ઉત્તર મુંબઈ બેઠક પરથી કૉંગ્રેસ તરફથી લડ્યા હતા એટલે તેઓ વાયવ્ય મુંબઈમાં કેટલો પ્રભાવ દાખવી શકશે તેના પર શંકાનું વાતાવરણ છે. બીજું ગોવિંદાએ હજી સુધી પોતાની સહમતિ પણ દર્શાવી નથી એટલે શિંદે સેના અન્ય વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે.
એક અંગ્રેજી દૈનિકમાં કરવામાં આવેલા દાવા મુજબ શિંદે સેનાએ એક મરાઠી અભિનેત્રીને વાયવ્ય મુંબઈથી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે, જેમણે હિન્દી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યું છે અને ખાસ્સી લોકપ્રિય છે. હવે આ સ્થિતિમાં વાયવ્ય મુંબઈની બેઠક જીતવામાં શિંદે સેના સફળ થાય છે કે નહીં તે તો આગામી સમય જ દર્શાવશે.
મુંબઈમાં ગોવિંદાના રૂપમાં જ્યારે પહેલી વખત સેલિબ્રિટી કેન્ડિડેટ મળ્યો ત્યારે તેને વિજય મળ્યો હતો, પરંતુ ઉર્મિલા માતોંડકર સેલિબ્રિટી તરીકે વિજય હાંસલ કરી શકી નહોતી. આમ હવે વાયવ્ય મુંબઈમાં કેવો જંગ ખેલાય છે તે જોવાનું રહેશે.