રાજકોટનાં પુષ્કરધામ રોડ પર ક્ષત્રિય સમાજના ધરણા, રૂપાલાનો સ્નેહમિલન સમારંભ રદ
રાજકોટ: રાજકોટની લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનાં ક્ષત્રિય સમાજ સામેના બફાટ બાદ સમગ્ર રાજ્યમાં ભાજપ વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણીનું મતદાન નજીક છે ત્યારે રાજ્યમાં ક્ષત્રિયોએ ભાજપ સામે શરૂ કરેલા વિરોધ પ્રદર્શનના કારણે પાર્ટીની હાલત કફોડી બની છે. ભાજપના નેતાઓ ડેમેજ કન્ટ્રોલના તમામ પ્રયાસો કરી રહ્યા છે પણ તે નિષ્ફળ જઈ રહ્યા છે.
આજે બપોરે રાજકોટનાં પુષ્કરધામ મેઇન રોડ ઉપર આવેલી પ્રદ્યુમન હાઇટસ રેસીડેન્સીમાં યોજાયેલ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાના સ્નેહમિલન સમારંભનો ક્ષત્રીયોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા ‘રૂપાલા હાય હાય’ તેમજ ‘જય ભવાની’નાં નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે ક્ષત્રિય સમાજનો વિરોધ હોવાને કારણે રૂપાલાએ આ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.
આપણ વાંચો: ભચાઉમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
પુષ્કરધામ મેઇન રોડ ઉપર જગ્યાએ રૂપાલા આવવાના હોવાની માહિતી પરથી 150થી વધુ ક્ષત્રીય યુવાનો ઉમટી પડયા હતા અને ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવ્યા હતા અને હાજર પોલીસ અધિકારીને મંજુરી વગર કાર્યક્રમ યોજાયો હોવાની શાંતિપુર્વક રજુઆત કરી હતી. પુષ્કરધામ રોડ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ક્ષત્રીયો વસવાટ કરતા હોવાથી ગણતરીની મિનીટોમાં ક્ષત્રીયો એકઠા થઇ ગયા હતા અને રૂપાલાએ કરેલી ક્ષત્રીય બહેન-બેટી વિષેની અભદ્ર ટીપ્પણીને લઇ ચાલતા ઉગ્ર વિરોધમાં નારા લગાવી સુર પુરાવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન અંગે સંકલન સમિતિના દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ)નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પુષ્કરધામ રેસીડેન્સીના બેન્કવેટ હોલમાં રૂપાલા માટે સ્નેહમિલન અને ભોજન સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની મંજુરી લીધી ન હોવાથી આચારસંહિતાનો ભંગ થાય છે. આ મામલે ચૂંટણી પંચ સમક્ષ રજુઆત કરીશું. સ્થળ પર લાંબો સમય સુધી ક્ષત્રીયોએ વિરોધ પ્રદર્શીત ચાલુ રાખ્યો હતો. જો કે બપોરે સવા બે વાગ્યા સુધી પુરૂષોતમ રૂપાલા સ્થળ પર આવ્યા ન હોવાનું જાણવા મળે છે.