ગુજરાતમાં ક્ષત્રિય સમુદાયનો ઈશારો, ‘પિક્ચર અભી બાકી હૈ,,,
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના શ્વાસ અદ્ધર-પદ્ધર કરી દેતા ક્ષત્રિય સમાજના આંદોલને મતદાનના દિવસ સુધી જડબેસલાક પકડ રાખી. મંગળવારે મતદાન થયા બાદ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે ‘ગુજરાતમાથી 7 સીટ ભાજપની ઓછી થાય છે અને 4 બેઠકો પર રસાકસી છે’ મતલબ એ કે રસાકસી વાળી બેઠક પરની બે પણ ભાજપ ગુમાવે તો ગુજરાતની 25 બેઠકોમાથી ભાજપને 9 બેઠક ગુમાવવી પડે. ક્ષત્રિય સમજે એલાન કરી જ દીધું છે કે પરિણામો સુધી આ અલ્પ વિરામ છે, આને પૂર્ણ વિરામ માનશો નહીં .
લોકસભામાં રાજકોટ, આણંદ, તો વિધાનસભામાં વાઘોડિયા, લોકસભામાં વડોદરા, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, ભરુચ, જેવા વિસ્તારોમાં મતદાનની થયેલી ટકાવારી ઘણું કહી જાય છે. પરંતુ બંને પાર્ટીના દાવાઓની ખરી હકીકત ‘ભરેલા નાળિયેર’જેવી છે. ભાજપ અને કોંગ્રેસ બંને દાવાઓ કરે છે કે, જીત અમારી જ. ભાજપને તો હજુ પણ 25 બેઠકો જીતી જવાનો વિશ્વાસ છે. કોંગ્રેસને વિશ્વાસ ‘ઓછું વોટિંગ’ અને ક્ષત્રિય આંદોલનનો ભરોસો છે કે આ વખતે 25 તો નહીં જ આવે. કોંગ્રેસ પણ ‘દીવા જેવી ચોખ્ખી’વાત નથી કરી શકતો કે, ઉમેદવારના દમ પર ગુજરાતમાં કોંગ્રેસ આટલી બેઠક મેળવી જશે.
આદિવાસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન ઊંચું થયું છે. વલસાડનું મતદાન તો ગુજરાતમાં સૌથી ઊંચું રહ્યું. વલસાડમાં કોંગ્રેસનાં આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા. તો ભાજપે નવા સવા પણ અભ્યાસુ ઉમેદવાર ધવલ પટેલ પર પસંદગી ઉતારી. અહીં પણ કોળી સમુદાયની ભાજપ પ્રત્યેની નારાજગી મતદાનના બે-ત્રણ દિવસ પહેલા જ સામે આવી.ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજને ઠેસ પહોચે તેવી કરેલી ટિપ્પણીથી સમાજ નારાજ થયો. હવે વલસાડ બેઠકના વોટિંગને લઈને પણ બંને પક્ષના દાવા મજબૂત છે.
આપણ વાંચો: મોદીની કમલમમા બેઠક, ક્ષત્રિયોની આણંદમા સભા
રાજકોટ લોકસભામાં મતદાનની ટકાવારી ઓછી તે જ રીતે પોરબંદરમાં પણ સરેરાશ મતદાન ઓછું થયું છે. કોંગ્રેસ ભલે પોરબંદર સીટ પર જીતનો દાવો કરતી પણ હોય તો વિચારવું પડે. પોરબંદર લોકસભામાં આવતી માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અરવિંદ લાડાણીને માત્ર 46-47 ટકા મતદાનથી આંખે અંધારા આવી ગયા હોય તો નવાઈ નહીં. જો કે માણાવદર પહેલેથી જ કોંગ્રેસનો ગઢ રહ્યો છે.
અગાઉ,કોંગ્રેસ છોડી ભાજપમાં ‘હવાફેર’ કહેતા ‘બીજી હોટેલ’માં જમવા ગયેલા ભાજપ સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પેટા ચૂંટણીમા કોંગ્રેસનાં અરવિંદ લાડાણી સામે ખરાબ રીતે હારી ગયા. હવે, આ બેઠક પર આટલા ઓછા વોટિંગ પછી કદાચ ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હવે જો હારી જાય તો કેટલો મોટો વસવસો રહી જશે ? અહીનું ઓછું મતદાન,સ્થાનિકો કહે છે તેમ ભાજપની લગભગ ફેવરમાં નથી.
હવે 4થી જૂને પરિણામ છે.ત્યાં સુધી ભાજપ-કોંગ્રેસ અને આપ દેશના બાકી ચાર તબક્કાની ચૂંટણી પર નજર રાખી વિશ્લેષ્ણ જ કરશે. દરેક તબક્કામાં ઘટતા જતાં મતદાનથી સતાધારી પક્ષ વધુ ચિંતિત છે.ખાસ કરીને બિહાર-મધ્યપ્રદેશ જેવા રાજ્યો. લોકસભા ચૂંટણીનાં ચાર તબક્કાનું પણ ‘પિક્ચર હજુ બાકી છે’.