હું શરદ પવારનો પુત્ર નથી એટલે મોકો ન મળ્યો
અજિત પવારે મનની વ્યથા લોકો સમક્ષ ઠાલવી
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે એક શિરુર ખાતે એક રેલીને સંબોધતા પોતાને યોગ્ય રાજકીય તક ન મળી હોવાનું કહી પોતાના કાકા તેમ જ એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેેસ-શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર પર નિશાન સાધ્યું હતું. પોતે શરદ પવારના પુત્ર ન હોવાના કારણે યોગ્ય રાજકીય તક ન મળી હોવાનું અજિત પવારે જણાવ્યું હતું.
અજિત પવારે શરદ પવારની રાજકીય મહત્ત્વકાંક્ષીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે 80 વર્ષની ઉંમરે વ્યક્તિએ અન્ય નવા લોકોને તક આપવી જોઇએ. શરદ પવારે ભાજપ સાથે જોડાણની વાટાઘાટો વિશે આપેલા નિવેદન વિશે વાત કરતા અજિત પવારે જણાવ્યું હતું કે સારી વાત છે કે તેમણે એ વાત સ્વીકારી કે વાટાઘાટ થઇ હતી અને પોતે એ વાતના સાક્ષી હતા.
જોકે આટલું બોલ્યા બાદ બાદ અજિત પવારે જે નિવેદન આપ્યું તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે હું પણ 60 વર્ષથી વધુ ઉંમરનો છું અને શું અમને તક મળવી જોઇએ કે નહીં? શું અમે ખોટી રીતે વર્તન કરી રહ્યા છીએ? એટલા માટે અમે ભાવુક થઇએ છીએ. પવાર સાહેબ અમારા દૈવત(ભગવાન સ્વરૂપ) છે અને તેમાં કોઇ શંકા નથી, પરંતુ બધાનો એક સમય હોય છે. 80 વર્ષ વટાવ્યા બાદ નવા લોકોને તક આપવી જોઇએ.
જો હું શરદ પવારનો પુત્ર હોત તો મને તે તક ન મળી હોત? હાં, મને તક મળી જ હોત. જોકે ફક્ત હું તેમનો પુત્ર નથી એટલા માટે મને તક ન મળી. આ ક્યો ન્યાય છે?, એમ કહી અજિત પવારે પોતાના મનની વ્યથા ઠાલવી હતી.