MPમાં ઓપરેશન લોટસ, ઈન્દોરમાં કોંગ્રેસના ડમી ઉમેદવારની અરજી હાઈકોર્ટે ફગાવી
ઈન્દોર: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, સૌપ્રથમ સુરતમાં ઉમેદવારનું નામાંકન રદ થયું જ્યારે હવે ઈન્દોરના કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું છે. આ દરમિયાન, હાઈકોર્ટે હવે ઈન્દોરમાં કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર મોતી પટેલની અરજી ફગાવી દીધી છે. મોતી પટેલની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે ટ્રેનની વેઈટિંગ ટિકિટ ટાંકી હતી.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં હોય અને તે કન્ફર્મ ન થાય તો ટિકિટ આપોઆપ કેન્સલ થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈ પણ મુસાફરે જનરલ ટિકિટ લઈને પણ મુસાફરી કરવી જોઈએ જેથી તે દંડ વિના મુસાફરી કરી શકે. આ સાથે જ હાઈકોર્ટે અરજદાર મોતી પટેલને ચૂંટણી પંચમાં જવાનું પણ સૂચન કર્યું હતું.
વાત એમ છે કે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામનું નામાંકન પાછું ખેંચાયા બાદ ડમી ઉમેદવાર મોતી પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. મોતી પટેલે તેમની અરજીમાં જણાવ્યું હતું કે, નિયમો મુજબ જો કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થાય અથવા તે પોતાનું નામ પાછું ખેંચે તો માત્ર ડમી ઉમેદવારને જ અધિકૃત ઉમેદવાર ગણવામાં આવે છે. જો બામે તેમનું નામાંકન પાછું ખેંચ્યું હોય તો તેમને કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો અધિકાર છે. જોકે, કોર્ટે તેમની દલીલ સ્વીકારી ન હતી અને અરજી ફગાવી દીધી હતી.
આપણ વાંચો: ‘ઓપરેશન લોટસ’: પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, પચીસવાળી પાર્ટી જો…
અત્રે ઉલ્લેખનિય છે કે 400 પાર કરવાનો નારો આપનાર ભાજપે દેશમાં એક સીટ બિનહરીફ જીતી છે, બે પર જીત નક્કી માનવામાં આવે છે. કારણ કે મધ્યપ્રદેશની ખજુરાહો સીટ માટે INDIA એલાયન્સ ઉમેદવાર મીરા યાદવનું નામાંકન સહીઓના અભાવે નામંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં, INDIA એલાયન્સે પોતાના ઉમેદવારની ગેરહાજરીને કારણે ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકના ઉમેદવારને સમર્થન આપ્યું છે.
તે જ રીતે ગુજરાતના સુરતમાં કોંગ્રેસના સત્તાવાર અને ડમી બંને ઉમેદવારોના ઉમેદવારી પત્રો નામંજૂર કરવામાં આવ્યા હતા. બસપા સહિત બાકીના અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. જેથી ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. હવે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામે મધ્યપ્રદેશ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના ગૃહ જિલ્લા ઈન્દોરની બેઠક માટે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું છે. આ ઉપરાંત હાઇકોર્ટે ડમી ઉમેદવારની અરજી પણ ફગાવી દીધી છે.
સોમવારે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચવા ઈન્દોર આવ્યા ત્યારે કલેક્ટર ઓફિસમાં બીજેપી ધારાસભ્ય રમેશ મેંડોલા તેમની સાથે જોવા મળ્યા હતા. અને પછી અક્ષય કાંતિ બામ મધ્ય પ્રદેશના સિનિયર નેતા કૈલાશ વિજયવર્ગીય સાથે ભાજપમાં જોડાવા માટે નીકળ્યા હતા. હવે સવાલ એ થાય છે કે કોંગ્રેસના ઉમેદવારે આવું કેમ કર્યું? ઈન્દોરમાં, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી પત્ર સ્વીકાર્યા પછી પાછા ફર્યા, ત્યારે આક્ષેપો થઈ રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારની કોઈ દુ:ખતી રગ દબાવવામાં આવી છે.