Eknath શિંદે કરતાં Devendra Fadanvis અવ્વલઃ શું છે મામલો, જાણો?

મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)નો મતદાનનો છેલ્લો તબક્કો હવે બાકી છે અને ત્યાર બાદ ચોથી જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે. નેતાઓએ પણ ચૂંટણી દરમિયાન દેશ અને રાજ્યભરમાં અનેક રેલીઓ કરી હતી અને પોતાના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો.
જોકે હવે ક્યા નેતાએ કેટલી રેલીઓ યોજી તેના આંકડા સામે આવ્યા છે અને તેમાં ટોચના સ્થાને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) છે. ફડણવીસે અન્ય નેતાઓની સરખામણીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 116 રેલીઓમાં ભાગ લીધો હોવાનું આંકડાઓ પરથી જણાયું છે.
મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો માટે પાંચ તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું અને સૌપ્રથમ મતદાન 19મી એપ્રિલના રોજ વિદર્ભમાં યોજાયું હતું. જ્યારે 20મી મેના રોજ પાંચમા અને છેલ્લા તબક્કાનું મતદાન મહારાષ્ટ્રની લોકસભા બેઠકો માટે યોજાયું હતું.
ફડણવીસ બાદ સૌથી વધુ રેલી શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના નેતા જયંત પાટીલે યોજી હતી. જયંત પાટીલે ચૂંટણી દરમિયાન 100 રેલીઓમાં ભાગ લીધો હતો. જ્યારે આ બાબતે ત્રીજું સ્થાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું આવે છે. શિંદેએ રાજ્યભરમાં 81 જાહેર રેલીઓ યોજી હતી. ઉમેદવારોના પ્રચાર માટે રેલીઓમાં હાજર રેલીઓ યોજવા ઉપરાંત શિંદે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ત્યારે પણ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાર અને શરદ પવારે 60 રેલીઓ મહારાષ્ટ્રમાં યોજી હતી. જ્યારે અજિત પવારે પોતાની સૌથી વધુ તાકાત શરદ પવારના ગઢ બારામતીમાં બહેન સુપ્રિયા સુળેને હરાવવા માટે અને પોતાના પત્ની સુનેત્રા પવારને જીતાડવા માટે લગાવી હોવાનું આંકડાઓ પરથી જણાય છે. ઉદ્ધવ ઠાકરેએ પણ મહાવિકાસ આઘાડીના ઉમેદવારો માટે શરદ પવાર અને કૉંગ્રેસના ટોચના નેતાઓ સાથે પ્રચાર રેલીઓમાં ભાગ લીધો હતો