રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના આ નેતાઓ ગુજરાતમાં ગજાવશે જાહેર સભા

અમદાવાદઃ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ તબક્કામાં કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની બેઠક વાયનાડ પર પણ મતદાન થશે. ત્યારબાદ રાહુલ ગાંધી પ્રચારમાં વધારે સક્રિય થશે, તેમ જણાઈ રહ્યું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકનું મતદાન થશે. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકમાંથી સુરતની એક બેઠક ભારે નાટકીય વણાંકો બાદ બિનહરિફ જાહેર થઈ અને ભાજપના સાંસદ મુકેશ દલાલ બિનહરિફ ચૂંટાયા આથી, હવે અહીં 25 બેઠક પર મતદાન થશે.
કૉંગ્રેસ છેલ્લી બે ટર્મથી તમામ બેઠક હારી જાય છે. ત્યારે હવે ફરી આ વખતે સંઘર્ષ કરી રહી છે ત્યારે કૉંગ્રેસે પ્રચાર માટે આવનારા નેતાઓની યાદી બહાર પાડી છે, જેમાં રાહુલ ગાંધી પણ છે. રાહુલ ગાંધી 29મી તારીખે પાટણ ખાતે પ્રચારાર્થે આવી રહ્યા છે.
આપણ વાંચો: વિરાસત ટેક્સઃ સામ પિત્રોડાની વ્હારે આવી કૉંગ્રેસ, પિત્રોડાએ પણ કરી ટ્વીટ
રાહુલ પહેલા ૨૭ એપ્રિલે રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુર ખાતે જાહેરસભા છે, ૨૮ એપ્રિલે વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંધવી અમદાવાદમાં આવશે. કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા અલકા લાંબા, કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં યુવા મુખ્યમંત્રી રેવંતા રેડીની પણ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ પક્ષનાં મીડિયા ડિપારમેન્ટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ખેરાજી, રાષ્ટ્રીય પ્રવકતા સુપ્રિયા શ્રીનેટ સહિતના પ્રવક્તાઓ જનસભાને સંબોધિત કરશ. યુવા ન્યાયની વાત રજૂ કરવા કોંગ્રેસ પક્ષનાં યુવા નેતા કનૈયાકુમાર, ઇમરાન પ્રતાપગઢી,યુથ કોંગસનાં રાષ્ટ્રીય પ્રમુખ બી વી શ્રીનિવાસ પણ ગુજરાતમાં આવે તેવી સંભાવના હોવાનું કૉંગ્રેસે જણાવ્યું હતું.