સીએએ અંગે જુઠાણાં ફેલાવીને કૉંગ્રેસ અને સપાએ રમખાણો કરાવ્યા: નરેન્દ્ર મોદી
તૃણમુલ કૉંગ્રેસને ઉમેદવારી આપીને ભદોહીને રાજકીય પ્રયોગશાળા બનાવવાનો આક્ષેપ
આઝમગઢ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષ કૉંગ્રેસ અને સપા (સમાજવાદી પાર્ટી) પર સિટિઝનશીપ (અમેન્ડમેન્ટ) એક્ટ (સીએએ) અંગે જુઠાણાં ફેલાવવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ કાયદો હવે કાયમ રહેશે.
તમારે જે કરવું હોય તે કરી લો, પરંતુ તમે ક્યારેય સીએએ રદ કરી શકશો નહીં, એમ મોદીએ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં એક પ્રચાર રેલીમાં જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે આ કાયદા હેઠળ પહેલી વખત 14 લોકોને નાગરિકત્વનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું તેના બીજા દિવસે તેઓ બોલી રહ્યા હતા.
સીએએ હેઠળ શરણાર્થીઓને નાગરિકત્વ આપવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે આ બધા લોકો હિંદુ,શિખ, જૈન અને બૌદ્ધો છે. આ દેશમાં તેઓ લાંબા સમયથી શરણાર્થી તરીકે રહે છે અને તેઓ ધર્મને આધારે દેશના કરવામાં આવેલા ભાગલાના પીડિતો છે.
કૉંંગ્રેસ પર આ શરણાર્થીઓની અવગણના કરવાનો આક્ષેપ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે કૉંગ્રેસ અને સપાએ સીએએના નામે જુઠાણાં ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશ અને આખા દેશને રમખાણો તરફ ધકેલી દીધા હતા.
વડા પ્રધાને કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધન એવો દાવો કરી રહી છે કે તેઓ સત્તામાં આવશે તો સીએએ રદ કરશે, કોઈ આવું કરી શકશે નહીં. તમે જુઠા છો. તમે દેશને કોમી આગમાં ધકેલી દીધી હતી, એમ તેમણે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું.
કલમ 370ની નાબુદી બાદ કાશ્મીરમાં લોકોએ પહેલી વખત મતદાન કર્યું હતું અને લોકોએ લોકશાહીના ઉત્સવમાં સહભાગી થવામાં ગર્વ અનુભવ્યો હતો એમ જણાવતાં વડા પ્રધાને ઉમેર્યું હતું કે પહેલાં કાશ્મીરમાં ચૂંટણીઓ થાય ત્યારે દેખાવો થતા હતા, લોકોને જાનમાલના નુકસાનની ધમકીઓ આતંકવાદીઓ દ્વારા આપવામાં આવતી હતી. આ વખતે શ્રીનગરમાં અગાઉના બધા જ વિક્રમો તૂટી ગયા છે.
આ પણ વાંચો: PM Narendra Modi કરશે મુંબઈમાં Road Show, એક જ મંચ પર આવશે Thackeray અને Modi…
તેમણે એમ પણ કહ્યું હતું કે એક દાયકામાં આઝમગઢની ઓળખ બદલાઈ ગઈ છે. પહેલાં દેશમાં ગમે ત્યાં બોમ્બ ધડાકા થાય ત્યારે આઝમગઢનું નામ આવતું હતું, કેમ કે રાજકીય લાભ ખાટવા માટે આતંકવાદીઓને માફી આપવામાં આવતી હતી. સ્લીપર સેલને આશ્રય આપવામાં આવતો હતો. આ બધાને કારણે દેશમાં આતંકવાદ વધ્યો હતો. આ લોકોનો અભિગમ હજી પણ એવો જ છે એમ જણાવતાં તેમણે એસપીના શહેજાદાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસ અને એસપી અલગ અલગ રાજકીય પાર્ટીઓ હોવા છતાં તેમની એક જ દુકાન છે જેમાં તુષ્ટિકરણ, જુઠાણાં, પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો વેપાર છે.
દેશને પાંચસો વર્ષ બાદ રામ મંદિર મળ્યું છે, આખો દેશ ખુશ છે. આખી દુનિયાના ભારતીયો આનંદિત છે, પરંતુ આ પરિવારવાદીઓ તેની ટીકા કરી રહ્યા છે એમ પણ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાને ઉત્તર પ્રદેશના ભદોહીમાં કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ તૃણમુલની પદ્ધતિનું મુસ્લિમોનું તુષ્ટિકરણ, દલિતો અને મહિલાઓ પર અત્યાચારનું રાજકારણ ઉત્તર પ્રદેશમાં અજમાવવા માગે છે. ભદોહીમાં ઈન્ડી ગઠબંધન દ્વારા ટીએમસીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે એસપી અને કૉંગ્રેસ માટે ડિપોઝિટ બચાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે અને તેથી જ તેઓ ભદોહીમાં રાજકીય પ્રયોગ કરી રહ્યા છે. (પીટીઆઈ)