ચૂંટણીમાં ‘મહાયુતિ’ને બહુમતિ મળવાનો વિશ્વાસઃ એકનાથ શિંદે

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ અને હવે 23મી નવેમ્બરના શનિવારે પરિણામો જાહેર કરવામાં આવશે ત્યારે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાયુતિ સરકાર ફરી સત્તામાં આવે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જનતાએ વિકાસ અને કાર્ય જોઇને મતદાન કર્યું હોવાથી મહાયુતિ સરકારને જ બહુમતિ મળશે, એવો વિશ્વાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે મતદાનના દિવસ વ્યક્ત કર્યો હતો. એકનાથ શિંદેએ પોતાના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે અને અન્ય પરિવારજનો સાથે મતદાન કરીને પત્રકારો સાથેની વાતચીતમાં ઉક્ત નિવેદન આપ્યું હતું.
ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે જે મહારાષ્ટ્રને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે અને ભારતની વિશ્વસ્તરે આર્થિક રીતે ‘સુપરપાવર’ તરીકેની છબી ઊભી કરશે. મહાવિકાસ આઘાડીની સરકારે અગાઉ અઢી વર્ષ રાજ્ય પર શાસન કર્યું અને અમે પણ એટલા વર્ષમાં જે કાર્ય કર્યું એ લોકોએ જોયું છે. રાજ્યનો જે વિકાસ થયો છે તેના આધારે જનતાએ મતદાન કર્યું છે, એમ શિંદેએ કહ્યું હતું.
જે વિકાસકાર્યો અટકી પડ્યા હતા તેને અમે ફરી શરૂ કરાવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં લોકોએ અમારા વિકાસકાર્યો જોયા છે. રાજ્યના વિકાસ માટે કોણ કાર્ય કરી રહ્યું છે તે જનતા જોઇ રહી છે. મહિલાઓ, ખેડૂતો, યુવા વર્ગ અને વરિષ્ઠ નાગરિકો માટે સરકાર દ્વારા જે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરાઇ છે તેની જાણ પણ જનતાને છે જ.
તેથી મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં બહુમતિ જરૂરથી મળશે એવો મને વિશ્વાસ છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. ૨૦૧૯માં લોકોએ જોયું કે તેમની અપેક્ષાઓની હત્યા કરીને ખોટી રીતે સરકાર બનાવવામાં આવી હતી. લોકો તે ભૂલશે નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.