ગડકરીના ગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ, જાણો કારણ?
મુંબઈ: નાગપુર લોકસભા મતવિસ્તારમાં મતદાન વખતે શુક્રવારે અમુક મતદાન કેન્દ્રો નજીક રાજકીય પક્ષના બુથ પર ભાજપના નેતા તેમ જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો ફોટો તેમ જ કમળનું ચિહ્ન ધરાવતી વોટિંગ સ્લિપ મતદારોને વહેંચવામાં આવી રહ્યા હોવાના કારણે મોટો હોબાળો થયો હતો.
નારા ખાતે પણ આ જ પ્રકારની સ્લિપ મતદારોને આપવામાં આવી રહ્યા હોવાના કારણે કૉંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ચકમક ઝરી હતી. રોષે ભરાયેલા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ જે બુથ ઉપર આ પ્રકારના મતપત્રો વહેંચવામાં આવ્યા હતા તે બુથ ઉપર મૂકેલા ઇલેક્ટ્રિક ઉપકરણોની તોડફોડ કરી હતી. જેના કારણે તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ થઇ હતી.
આજે નાગપુર લોકસભાની બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું. શહેરના નારા, જરિપટકા, મધ્ય નાગપુર, નાઇક તળાવ પરિસરમાં ભાજપના બુથ પર કાર્યકર્તાઓ મતદારોને ગડકરીના ફોટા ધરાવતા તેમ જ કમળનું ચિહ્ન ધરાવતા મતપત્ર આપી રહ્યા હતા. મતપત્રમાં ‘કહો દિલસે નીતિનજી ફીરસે’ એવું સૂત્ર પણ લખવામાં આવ્યું હતું.
આ બાબતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને કાયદાનું અને ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ગડકરીનો ફોટો અને ભાજપનું ચિહ્ન ધરાવતા ઉપકરણો ત્યાંથી હટાવવાની સૂચના આપી હતી. જેને પગલે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ મતપત્ર આપતું ઉપકરણ જ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ તોડી નાખ્યું હતું. પોલીસે પણ પછીથી આ ઉપકરણ પોતાના તાબામાં લીધુ હતું. આ ઘટના બાદ ભાજપના 300 કાર્યકર્તાઓ સ્થાનિક વિધાનસભ્ય પ્રવીણ દટકેએ પોલીસ સાથે વાતચીત કરી હતી. જેને પગલે પોલીસે ઉપકરણ ભાજપના કાર્યકર્તાઓને પાછું સોંપ્યું હતું અને તે ફરીથી બુથ ઉપર મૂકવામાં આવ્યું હતું.