લોકસભાની છઠ્ઠા ચરણની 58 બેઠકો પર પ્રચારના પડઘમ શાંત
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાનમાં જઈ રહેલી છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર ગુરુવારે સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત પડ્યા હતા. આ બેઠકોમાં દેશની રાજધાની દિલ્હીની સાત બેઠકોનો પણ સમાવેશ થાય છે.
દેશની રાજધાની ઉપરાંત શનિવારે જ્યાં મતદાન થવાનું છે તેમાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને પશ્ર્ચિમ બંગાળની આઠ-આઠ, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ અને કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને 543માંથી 428 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે અને ચોથી જૂને મતગણતરી કરવામાં આવશે.
છઠ્ઠા તબક્કાના મહત્ત્વના ઉમેદવારોમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન (સંબલપુર-ઓડિશા), દિલ્હીમાંથી ભાજપના મનોજ તિવારી અને કૉંગ્રેસના ક્ધહૈયાકુમાર, ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ભાજપના મેનકા ગાંધી, જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠકથી મહેબુબા મુફતી, પશ્ર્ચિમ બંગાળની તમલુકમાંથી ભાજપના અભિજીત ગંગોપાધ્યાય, હરિયાણામાં ભાજપના મનોહરલાલ ખટ્ટર, નવીન જિંદાલ, રાવ ઈન્દ્રજિત સિંહનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી 27.78 ટકા મતદાન
ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે અને સ્ટાર કેમ્પેનર દ્વારા કરવામાં આવેલા નિવેદનોની ચૂંટણી પંચ દ્વારા નોંધ લેવામાં આવી છે. બુધવારે ભાજપના નેતાઓને ધાર્મિક અને કોમવાદી બાબતો પર ભાષણો ન આપવા માટે તાકીદ કરી છે. વિપક્ષને સશસ્ત્ર દળોના સામાજિક-આર્થિક સંરચના પર બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રચારના છેલ્લા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા અને પંજાબમાં રેલીઓ કરી હતી. તેમણે ઈન્ડી ગઠબંધન પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ગાયે હજી દૂધ નથી આપ્યું ત્યાં વિપક્ષમાં ઘી અંગે લડાઈ ચાલુ થઈ ગઈ છે.
કૉંગ્રેસના પ્રચારની ધુરા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સચિન પાઈલટ દ્વારા સંભાળવામાં આવી હતી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો. બીએસપીના માયાવતીએ એવો દાવો કર્યો હતો કે ભાજપ અને કૉંગ્રેસ બંને દલિત વિરોધી છે. તેમના ઈરાદા અને વિચારો અનામત વિરોધી છે.
અમિત શાહે એવો દાવો કર્યો હતો કે ભાજપે 310થી વધુ બેઠકો જીતી લીધી છે. તેમણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને ભારતમાં ભેળવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. (પીટીઆઈ)