મોદી જીવતા છે ત્યાં સુધી દલિતો, આદિવાસીઓનું આરક્ષણ કોઈ છીનવી નહીં શકે: વડા પ્રધાન

મહેન્દ્રગઢ (હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એવો દાવો કર્યો હતો કે ઈન્ડી ગઠબંધન આગામી પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાન બનાવવાની વાતો કરી રહી છે અને કહ્યું હતું કે હજી તો ગાઈએ દૂધ આપ્યું નથી ત્યાં ઘી માટે લડાઈ ચાલુ થઈ ગઈ છે.
છઠ્ઠા તબક્કાના પ્રચારનો અંત આવ્યાના કલાકો પહેલાં હરિયાણાના મહેન્દ્રગઢમાં પ્રચાર રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી દલિતો અને આદિવાસીઓનું આરક્ષણ કોઈ છીનવી શકશે નહીં.
આ ચૂંટણીમાં તમારે ફક્ત દેશનો વડા પ્રધાન ચૂંટી નથી કાઢવાનો દેશનું ભાવિ નક્કી કરવાનું છે.
એક તરફ તમારા જૂના-જાણીતા અને ચકાસેલા સેવક મોદી છે, બીજી તરફ કોઈને ખબર નથી, એવા શબ્દોમાં ઈન્ડી ગઠબંધનની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે વિપક્ષ ગઠબંધનના ઘટક પક્ષો કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ અને દ્રાવિડ મુન્નેત્ર કઝગમ અત્યંત કોમવાદી, જાતીવાદી અને વંશવાદી પક્ષો છે. જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે આ જ પક્ષો તેમની સાથે હતા અને તેમણે રામ મંદિર બંધાવા દીધું નહોતું.
હરિયાણાની 10 બેઠકો પર પચીસ મેના રોજ મતદાન થવાનું છે.
1990ના દાયકાના મધ્યમાં ભાજપ વતી હરિયાણામાં કામ કર્યાના દિવસો યાદ કરતાં તેમણે કહ્યું હતું કે હરિયાણાએ મારા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. મારા તો તમારી સાથે ઘણા ઊંડા સંબંધો છે.
મારી ગેરેન્ટી છે કે હરિયાણાના વિકાસને રોકવા દઈશું નહીં. છેલ્લા 10 વર્ષમાં અમે કૉંગ્રેસના પાપોને ધોઈ નાખવા માટે ભારે મહેનત કરી છે.
વડા પ્રધાને ઈન્ડી ગઠબંધનની ટીકા કરતાં કહ્યું હતું કે અત્યારથી જ તેઓ પરાજય માટે કોને જવાબદાર ઠેરવવા એની તૈયારીઓ કરી રહ્યા છે. (પીટીઆઈ)