વાદ પ્રતિવાદ

બેટી બચાવ-બેટી પઢાવ-બેટી વસાવ: ઈસ્લામ્ ઈન્સાનિયતને ઉજાગર કરતો ધર્મ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

આજનું રાષ્ટ્રીય સૂત્ર છે ‘બેટી બચાવ, બેટી પઢાવ.’ દીને ઈસ્લામે આ સૂત્ર આજથી હિજરી સન ૧૪૪૫ વર્ષ પૂર્વે જગતિય રૂપ આપી પ્રત્યેક યુગની માનવ જાતને અર્પણ કર્યું. એટલું જ નહીં તેને વસાવવાનો પણ આગ્રહ સેવ્યો.

  • તેને પ્રમાણિત કરતાં પવિત્ર કુરાન કહે છે-
  • ‘પોતાના સંતાનની નિર્ધનતાના ભયથી હત્યા ન કરો. અમે તેમને આજિવિકા આપીશું અને તમને પણ.’
  • ‘હકીકતમાં તેમની હત્યા અતિ નિંદનીય અપરાધ છે.’ (પ્રકરણ ૧૭, શ્ર્લોક ૩૧)
    દિવ્યગ્રંથ આગળ કહે છે-
  • ‘જીવતી દાટવામાં આવેલી બાળકીને પૂછવામાં આવશે કે કયા અપરાધ માટે તેને મારી નાખવામાં આવી (પ્રકરણ ૮૧, કથન ૮-૯).’
  • આ શ્ર્લોક પરથી ફલિત થાય છે કે શ્ર્લોક ૧૭, આયત ૩૧ બાળા સંદર્ભમાં છે.
  • ઈસ્લામ ધર્મના ઉદય પહેલા અરબસ્તાનમાં અંધાર યુગ હતો અને ત્યાંના વાસીઓ દીકરી જન્મતાજ તેને જીવતી ધરતીને સુપ્રત કરી દેતા. દીકરીના જન્મથી જ કુટુમ્બમાં ગ્લાનિ છવાઈ જતી. ગહન અપરાધની ભાવના અનુભવાતી.
  • મુસ્લિમ પરિવારોમાં દીકરીના આગમનને વરદાન માનવામાં આવે છે.
    પયગંબર હઝરત મહમ્મદ સાહેબ કહે છે કે
  • બે દીકરીઓનું યોગ્ય પાલન-પોષણ કરનાર વ્યક્તિ ચુકાદાદિને તેના સમીપ હશે.
  • એક વખત એક પુરુષ પોતાના પુત્ર અને પુત્રી સાથે આપ હુઝૂરની સભામાં આવ્યો. બેઠક લઈને પુત્રને ચૂંબન કરી પોતાના ખોળામાં બેસાડ્યો અને પુત્રીને વહાલ કર્યા વગર બાજુમાં બેસાડી.
  • આપ રસૂલ ખુદાએ આ જોતા જ આ માણસની પુત્રી પ્રત્યેની વર્તણૂક સખ્ત શબ્દોમાં વખોડતા કહ્યું, પુત્રની જેમ જ પુત્રીને પણ વહાલ કરી ખોળામાં બેસાડવી જોઈતી હતી.
  • ઈસ્લામને સંતાનોમાં ભેદભાવ સ્વીકાર્ય નથી.
  • આ થઈ બેટી બચાવ અને સન્માનની વાત.
  • ઈસ્લામે મહિલા શિક્ષાને અતિ મહત્ત્વ આપ્યું છે. ઈસ્લામના અંતિમ સંદેશવાહક હઝરત મહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ સલ્લામ (આપના પર અને આપના વંશજો પર અલ્લાહની સલામતી રહે) ફરમાવે છે કે-
  • ‘સ્ત્રી અને પુરુષ બંને માટે શિક્ષા આવશ્યક છે તેના વગર બને અધૂરા-અપૂર્ણ છે. પરિણામ સ્વરૂપ આપના પત્ની હઝરત આયેશા તે યુગના ઘણા પુરુષો કરતાં વિશેષ શિક્ષિત હતાં.’
  • ઈસ્લામમાં બંને જાતિઓ સમાન છે અર્થાત બંનેના અધિકાર અને જવાબદારીઓ સમાન છે.
  • જે ધર્મે મહિલાઓના ઉત્કર્ષ અને શક્તિ પ્રદાન કરવા ક્રાંતિકારી નિયમો ઘડ્યા તે મહિલાઓને અજ્ઞાનતાના અંધકારમાં કદીય રાખી શકે ખરી?
  • ઈસ્લામે નહીં આપણે મુસલમાનોએ પવિત્ર કુરાન અને હદીસો (પયગંબર હઝરત મહમ્મદ સાહેબનાં આચરણો-કથનો)ના મનઘડત અને અનુકૂળ અર્થઘટનો કરી આપણી મહિલાઓને નિરક્ષતાના અંધકારમાં ભટકતી કરી છે.(આવતા અંકે પૂરું).
  • આબિદ લાખાણી

ધર્મસંદેશ
હઝરત મહમ્મદ સાહેબે કેટલાક લોકોને ઉદ્ેશીને કહ્યું, ‘બને ત્યાં સુધી આપ સૌ જન્નતના બગીચામાં પહોંચી જાઓ.’

  • લોકોએ પૂછયું કે, ‘યા રસુલુલ્લાહ, જન્નતનો બગીચો ક્યાં છે?’
  • આપે જવાબ આપ્યો કે, ‘જ્યાં અલ્લાહને યાદ કરવામાં આવે છે.’

હઝરત અમીરૂલ મોમેનીન જણાવે છે કે, ‘અલ્લાહને બધી જ જગ્યાએ યાદ કરો કારણ કે તે બધી જ જગ્યાએ તમારી પાસે હાજર છે.’

હઝરત રસુલે ખુદા કોઈ જગ્યાએ થોડીકવાર બેઠા હોય તો પણ પચ્ચીસ વખત ઈસ્તીગફાર (ગુનાહની માફી) પઢી લેતા હતા.

આપ હુઝૂરે અનવર જણાવો છો કે, ‘ગાફિલ (ભાન વગરના-બેદરકાર) લોકોની વચ્ચે રહી ખુદાની યાદ કરવાવાળાનું સ્થાન જેહાદ (અલ્લાહના માર્ગમાં કોશિશ કરવાવાળાના સ્થાન જેવું છે. ખુદાતઅલાને યાદ કરનારા જન્નતના હકદાર છે.’

ઈમામ જાફરે સાદિક રદ્યિતઆલા અન્હો જણાવે છે કે, ‘જે મહેફિલ-સભામાં સારા-નરસા બધા જ પ્રકારના લોકો હોય અને કોઈપણ પ્રકારની અલ્લાહની ચર્ચા (યાદ) કર્યા વગર યા પયગંબર હઝરત મહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિવ સલ્લામ પર દુરુદ પઢ્યા વગર ઊભા થઈ જાય-તો કયામત (ન્યાય)ના દિવસે આવી બેઠકો તેમના માટે પસ્તાવાનું કારણ બનશે.’

ઈમામ મોહંમદ બાકિર રદ્યિતઆલા અન્હો જણાવે છે કે, ‘અસલ તૌરેત (ફેરફાર વિનાની) કિતાબમાં લખ્યું છે કે, ‘પયગંબર હઝરત મુસા (અલૈયહિ સલ્લામ) ખુદાવંદે કરીમને વિનંતી કરી, ‘હે પરવરદિગાર, કેટલાક લોકો મારી પાસે આવે છે કે હું તારો દરજ્જાને તેમનાથી ઘણો બુલંદ અને ઊંચો સમજું છું. શું હું તેમની સામે તારા ઉચ્ચ દરજ્જાની ચર્ચા કરું?’

જવાબમાં પરવરદિગારે આલમ (સૃષ્ટિના સર્જક-માલિકે) કહ્યું કે, ‘મારું નામ હરપળે લેવું અને મને યાદ કરવો એ સારું અને સારું જ કામ છે.’ હઝરત ઈમામ જાફરે સાદ્કિ રદ્યિતઆલા અન્હો જણાવે છે કે, ‘જે કોઈ મારો ઝીક્ર (ચર્ચા) મોમીનોની સામે કરે છે હું તેમની ચર્ચા ફરીસ્તાઓ (અલ્લાહના દૂતો-પ્રતિનિધિઓ)ની સામે કરું છું.’

હઝરત ઈમામ મોહંમદ બાકિર રદ્યિતઆલા અન્હો જણાવે છે કે, ‘જે કોઈ કયામતના દિવસે પૂરેપૂરો સવાલ (પુણ્ય) લેવા ઈચ્છતા હોય તેમના માટે જરૂરી છે કે કોઈપણ બેઠકમાંથી ઊઠતી વખતે પહેલા આ મુજબ પઢે,’

‘સુબ્હાન રબ્બેક રબ્બીલ ઈઝઝતે અમ્માયસેકૂન વ સલામુન અલલ મુરસલીન વલહમ્દો-લિલ્લાહે રબ્બીલ આલમીન.’

ભાવાનુવાદ: ‘તારો પરવર દિગાર કે જે ઈજ્જતવાળો પરવરદિગાર છે. કે તેઓ જે કોઈ વર્ણવે છે તેનાથી પાક છે, અને સર્વે રસુલો પર સલામ હો જો અને સર્વ પ્રકારના વખાણ સઘળા દુનિયાવાળાઓના પાલનહાર અલ્લાહ માટે (શોભાસ્પદ) છે. (અલ્લાહો અકબર: અલ્લા મહાન છે)’

બોધ
વ્હાલા શ્રદ્ધાળુ વાચક બિરાદરો! વિદિત છે કે ‘મુખ્બિરે ઈસ્લામ’ની આ કોલમ પંચવાન કરતાં વધુ વરસોથી પ્રગટ થાય છે અને ન માત્ર મુસ્લિમ મોમીનો તે વાંચે છે પણ ભાઈબંધ કોમના જિજ્ઞાસુ વાચકો પણ તેને આવકારે છે. જેનો આ કટારના વયોવૃદ્ધ સંપાદક શુક્રગુજાર છે.

  • ઉપરોક્ત આયતે કરીમા (ઈશ્ર્વરિય શ્ર્લોક, કથન) કોઈપણ સભા-બેઠકમાંથી છૂટા પડતા પહેલાં પઢવાથી ગુનાહોનો કફફારો (પ્રાયશ્ર્ચિત) થઈ જાય છે.
    પરંતુ યાદ રહે! ગુનાહોની ક્ષમાયાચના ત્યારે સ્વીકાર્ય ઠરે છે કે કોઈપણ ગુનાહ ફરી ન કરવાની બાહેંધરીની શરત સાથે.

સાપ્તાહિક સંદેશ
‘અકરેમુ અવલાદેકુમ વહસ્સેનું આદાબહુમ.’
ભાવાનુવાદ: પોતાનાં બાળકો (સંતાનો)ની ઈજ્જત કરો અને તેમને ઉચ્ચ સંસ્કારોની તાલીમ આપો. – હુઝૂરે અનવર (સલ.)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door