મિજાજ મસ્તી: ઇશ્વર આવશે? નાઇલાજ જીવન- લાજવાબ સવાલ

- સંજય છેલ
સેમ્યુઅલ બેકેટ
ટાઇટલ્સ:
ઘણાં નેતા- અભિનેતા હોય છે કેરેક્ટર વિનાનાં. (છેલવાણી)
‘તમે પૃથ્વી પર આવી ગયા છો ને એનો હવે કોઇ ઇલાજ નથી!’
‘ક્યારેક કોશિશ કરો. ક્યારેક અસફળ થશો. ફરી પ્રયત્ન કરો. ફરી અસફળ થાઓ, પણ બહેતર રીતે’…
‘શબ્દો વસ્ત્રો છે, વિચારો એને પહેરે.’
‘આપણે સૌ પાગલ જન્મીએ છીએં, બહુ થોડા પાગલ રહી શકે.’
આવા વિચારોથી જેણે ગઇ સદીને હચમચાવી નાખેલી એ લેખક- કવિ ને નાટ્યકારનો આજે કોઇ જન્મદિવસ નથી. આગળપાછળ મરણતિથિ પણ નથી ને આજે એમને યાદ કરવાનું કોઇ કારણ પણ નથી તો પછી શું કામ એમની વાત કરવાની?
વેઇટ…. વેઇટ. થોભો ને રાહ જુઓ એવું છે કે આજે જ્યારે સમાજમાં, દુનિયામાં, કલાસાહિત્ય જગતમાં ઘણુંબધું બને જ રાખે છે ત્યારે દિલદિમાગ બહેર મારી જાય, ત્યારે જાતજાતનાં અર્થહીન સવાલોની અંતરમાં આંધી ઉઠે, જેને અંગ્રેજીમાં કહીએ તો ‘એબ્સર્ડ’ પ્રશ્નો કે વિચારો ઉઠે કે આ બધું જે ચાલી રહ્યું છે એનો આખિરકાર મતલબ શું છે? રોજબરોજ એના એ સ્પોંન્સર્ડ સમાચારો, કારણ વિનાનાં કાળઝાળ યુદ્ધો, સત્તાભૂખ્યા નેતાઓનાં સૂત્રો, છાપેલા કાટલાં જેવા કવિલેખકો કલાકારોનાં તાલીબાજ તમાશાઓઆ બધું જેણે દાયકાઓ પહેલાં અનુભવીને જીવનની વ્યર્થતા વિશે લખેલું, એ હતો કોણ? જે લેખકના એક નાટકથી આધુનિક ડ્રામાનો મતલબ જ બદલાઇ ગયો પણ જેણે છેક ઇશ્વર માટે પણ કહ્યું કે ‘બધું જ બેમતલબ છે’, તો એવો લેખિંદો હતો કોણ?
વેઇટ … વેઇટ. થોભો ને રાહ જુઓ સ્ટેજ પર બે પાત્ર એક ઝાડ નીચે મળે છે. કારણ વિનાની રમૂજીકરુણ વાતો કરે છે. ખરેખર તો બેઉ એક જ વ્યક્તિનાં ઇતેઝારમાં છે, પણ એ વ્યક્તિનો માત્ર સંદેશ આવે રાખે છે:
‘હું કાલે આવીશ’
-પણ એ વ્યક્તિ છેક સુધી આવતી જ નથી! ‘વેઇટિંગ ફોર ગોદો’ એટલે કોઇ ‘ગોદો’ માટે અનંત પ્રતીક્ષા કરતા બે પાત્રનું નાટક. એ ગોદો કોણ? ‘ગોડ’ કે ‘ઈશ્વર’? એ બેઉનો ટ્રેજીકોમિક બકવાસ એટલે અર્થ વિનાનું આયખું? આવા ઉકેલ વિનાનાં ઉખાણાં રચનાર કલમનો જાદૂગર કોણ?
વેઇટ… વેઇટ. થોભો ને રાહ જુઓ.
ઇન્ટટરવલ:
ના કોઇ વાદા, ના કોઇ ઉમ્મીદ, ના યકીન
મગર હમેં તો તેરા ઇંતેઝાર કરના થા. (ફિરાક ગોરખપુરી)
થયું એવું કે હમણાં એક ગમગીન ઉદાસી સાંજે, બ્રિટિશ કવયિત્રી કેથેલિન રેઈને સંપાદિત કરેલું ‘ટમેનોઝ’ મેગેઝિન, હડફેટે ચઢી ગયું ને રાતોની નીંદ પ્રશ્નોનાં પરસેવામાં પીગળી ગઇ. એ મેગેઝિનમાં સોહૈલ નામના અરેબિક વિદ્વાને 1987માં પેરિસમાં કોઇકની મુલાકાત લીધેલી. વો ઇન્સાન આખિર કૌન?
વેઇટ, વેઇટ… કહું છું.
એ શાનદાર શખ્સિયત એટલે આધુનિક એબ્સર્ડ ‘વેઇટિંગ ફોર ગોદો’ જેવા નાટકનાં લેખક કવિનિબંધકાર: ‘સેમ્યુઅલ બેકેટ’.
(ઘણા એનો ઉચ્ચાર સેમ્યુલ બેકે પણ કરે છે)
તો સોહૈલની એ મુલાકાતમાં જીવનનાં અંતકાળમાં બેકેટે કહેલું, ‘જ્યારે મારી રચના લખવાની ખતમ થાય છે ત્યારે હું ખુશ પણ થાઉં છું ને ઉદાસ પણ. એક અજીબ એહસાસ હોય છે. વળી વાચકો એમાંથી એવાં રહસ્યો શોધી કાઢે છે કે જેનાથી હું ખુદ પણ અણજાણ હોઉં છું. શબ્દનું રહસ્ય તો મુજથીયે ગુપ્ત હોય છે , છતાંયે શબ્દ શાશ્વત છે. હું સતત લખું છું કે હજીયે લખતો રહ્યો છું , કારણકે મને શબ્દમાં શ્રદ્ધા છે. શબ્દ મારી ભટકતી નૈયાનું લંગર છે. શબ્દનો અંત આવશે ત્યારે બધાનો જ અંત આવશે.’
1969માં નોબેલ પારિતોષિક વિજેતા સેમ્યુઅલ બેકેટની વાતમાં શબ્દનો મહિમા ભલે દેખાતો લાગે, પણ એનાં પાત્રોને શબ્દો અર્થહીન લાગે છે. બાય ધ વે, વરસો પહેલાં અભિનેતાનિર્માતા રાજ બબ્બર અને લેખિકાનિર્દેશિકા નાદિરા બબ્બરે મુંબઇનાં : ‘ ‘પૃથ્વી થિયેટર’ માં બેકેટનું ‘એેંડ ગેમ’ નાટક ‘આખરી બિસાત’ નામે ભજવેલું, જેમાં ગુજરાત ગૌરવ એવા અભિનેતા પરેશ રાવલની અદ્ભુત ભૂમિકા હતી.
અરેબિક લેખક સોહૈલ કહે છે: ‘બેકેટ જ્યારે લેખન વિશે બોલતા ત્યારે એમનાં આંગળાં એમનાં જ પુસ્તકનાં પાનાંને એ રીતે સ્પર્શતાં હતાં જાણે પોતાના છપાયેલા પુસ્તકના પાને પાને અદૃશ્ય શબ્દોને ફરી આંકી ના રહ્યા હોય!‘ સોહૈલ ઉમેરે છે :
‘સેમ્યુઅલ બેકેટમાં કે એમનાં લેખનમાં નિરાશા છે’
એવું કહેનાર માણસની સમજણ અધૂરી છે. ‘વેઇટિંગ ફોર ગોદો’નાં લેખક એમ કહે છે કે, ‘આપણે ઈશ્વરની માત્ર પ્રતીક્ષા નથી કરવાની એમની પાસે પહોંચવાનું છે. ‘કદાચ, ઈશ્વરમાં અશ્રદ્ધા, માણસમાં શ્રદ્ધા એ જ બેકેટનો વિચાર છે!
બેકેટે, એ મુલાકાતમાં આખરે કહ્યું: ‘કદાચ શબ્દ કોઇ શક્તિ છે , જે મને જીવાડે છે. એ અટકશે ત્યારે બધું જ થંભી જશે. આજની દુનિયામાં ઇમેજીઝ, સિમ્બોઝપ્રતીકો, પ્રતિબિંબો વગેરે ઘણુંઘણું છે, માત્ર સાચાં ને દિલથી બોલાયેલ શબ્દો નથી.’ ‘બેકેટ જેવો શબ્દનો સ્વામી ‘શબ્દો નથી’ એમ કહે તો એ કેવી ટ્રેજેડી છેને?
1989માં જગતનો મંચ છોડી ગયેલા બેકેટ કહેત :
‘યાદો, સતત મરતી રહે છે. એટલે તમને જે બહુ પ્રિય છે એવી ખાસ બાબતો વિશે બહુ વિચારવું નહીં અથવા તો તમારે એ વિશે વિચારવું જોઈએ, કારણ કે જો તમે એમ નહીં કરો તો એ યાદોને તમારા મગજમાંથી શોધવી ધીમે ધીમે મુશ્કેલ થઇ જશે.’
-પણ ચલો, ફરી આપણે 16 વરસની ક્ધયાનાં કહોવાયેલા કાવ્યો, બૈરી પરનાં જોક્સવાળાં કે ‘105 વરસે પણ હસીખુશી જીવવા’નાં ચાસણી ટપકતાં નાટકોની દુનિયામાં પાછાં ફરીએ એ પહેલાં…
છેલ્લે બેકેટનાં ડંખનો ડોઝ:
‘મારી અગણિત ભૂલો જ મારું જીવન. જેમાં દરેક શબ્દ- મૌન પર બિનજરૂરી ડાઘ.’
એંડ-ટાઇટલ્સ:
ઈવ: નાટક જોવા જઇએ?
આદમ: તું ઘરમાં છે તોયે?
આપણ વાંચો: સન્ડે ધારાવાહિક : કટ ઑંફ જિંદગી – પ્રકરણ-21



