મોર્નિંગ મ્યૂસિંગ: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસનું પતન કેમ… ઈબ્ન ખલદૂનનું ઈતિહાસ-ચક્ર શું સૂચવે છે?

- રાજ ગોસ્વામી
ઈબ્ન ખલદૂન નામના મધ્યકાલીન આરબ ઈતિહાસકાર અને વિદ્વાને 14મી સદીમાં ‘મુકદ્દિમા’ નામનો એક નોંધપાત્ર ગ્રંથ લખ્યો હતો. તેમાં તેમણે આરબ વિશ્વના તેમના અભ્યાસ પરથી, શક્તિ અને વંશવાદનાં ચક્રોનું ઊંડું વિશ્ર્લેષણ કર્યું હતું. તેમણે નિરીક્ષણ કર્યું હતું કે વંશની પ્રતિષ્ઠા, શક્તિ અને સામૂહિક એકતા (ખલદૂને તેના માટે ‘અસાબીય્યાહ’ નામનો શબ્દ આપ્યો હતો) ચાર પેઢી સુધી ટકી રહે છે, તે પછી તેનો પ્રભાવ કે વિશ્વસનીયતા ઘટવા લાગે છે.
ખલદૂનનો તર્ક – દલીલ એવી છે કે શરૂઆતમાં જે સમૂહમાં ગહન એકતા, ત્યાગ અને સંઘર્ષની ભાવના હોય છે (પ્રથમ પેઢી), સમય સાથે તેનો વૈભવ અને આરામ વધે છે, પરંતુ અસાબીય્યાહ ઘટે છે. અને લગભગ ચોથી પેઢી સુધી તેમાં એવો ઘટાડો થાય છે કે સત્તાનું માળખું વિખરાવા લાગે છે. પછી નવા શાસક અથવા રાજકીય ચક્રનો ઉદય થાય છે.
આ વાતને પરિવારના સંદર્ભમાં જોઈએ તો, એક પિતા તેના સંઘર્ષ અને સમજદારીથી કીર્તિની સ્થાપના કરે છે. તેના પછીની પેઢી એટલે કે સંતાનો, પિતા સાથે નિજી સંપર્કમાં હોય છે અને તેમને પિતાના સંઘર્ષ અને સફળતામાંથી સીધું શીખવાનું મળે છે, પણ એ પિતા કરતાં એક ડગલું નીચે છે, કારણ કે એ સંઘર્ષ કે સફળતા ઉછીની છે, ખુદની નહીં. જેમ એક પુસ્તકમાંથી ડહાપણ શીખવા તો મળે પણ તે ઉછીનું હોય છે, અનુભવનું નહીં. બીજી પેઢી જો કે સફળતાપૂર્વક એ ઉછીની કીર્તિના જોરે તરી જાય છે, પણ તેનાં સંતાનો, એટલે જે ત્રીજી પેઢી પાસે કેવળ અનુકરણ અને પરંપરા જ હોય છે. પહેલી પેઢી (પિતા) સાથે તેનો પ્રત્યક્ષ સંપર્ક નથી, કેવળ વાતો સાંભળી છે. એટલે તે માન્યતાઓના આધારે એ કીર્તિને જાણે છે અને જીવે છે. બીજી પેઢીથી તે ઔર એક ડગલું નીચે છે. તે એક અંધશ્રદ્ધાળુ ભક્ત છે અને એ ‘ગુરુ’ની વાતોને અનુસરે છે, જેમણે ‘ભગવાન’ જોયેલા છે. ચોથી પેઢી તો આગલી પેઢીથી બધી રીતે ઊતરતી છે. તેને સન્માન તો મળે છે, પણ એ સન્માન ક્યાંથી જન્મ્યું છે કે ક્યા કારણથી મળે છે તેની તેને ખબર નથી. એને લાગે છે કે એ તો એને વારસામાં મળ્યું છે. તે પોતાને એ પરંપરા અથવા કીર્તિનો હકદાર માને છે અને એવું પણ માને છે કે એ આદર્શોને આગળ લઇ જવાની તેની ‘દૈવી’ ફરજ છે.
ખલદૂનના અસાબીય્યાહની આ કહાની ભારતની કૉંગ્રેસ પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધીની કહાનીમાં ફિટ બેસે છે.
કૉંગ્રેસ પાર્ટીનો વંશ ચોથી પેઢીમાં આવીને ખતમ થવા આવ્યો છે. જનતાએ પણ ચોથા હાથમાંથી આવેલી કીર્તિ માટે સન્માન ગુમાવ્યું છે, અને તેની પાસેથી તે નેતૃત્વને લઈ લઈને બીજા નેતા કે વંશજને સોપ્યું છે ખલદૂનની ભાષામાં.
અહીંથી ભાજપ નામના નવા વંશ ચક્રનો ઉદય થયો છે.
કૉંગ્રેસ પાર્ટી, જે સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલાંના વૈચારિક મંથનમાંથી ઊભરી હતી, આજે તેના અસ્તિત્વ સામે એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે અને ચોથી પેઢીના રૂપમાં રાહુલ ગાંધી તેના આ પતનમાં કેન્દ્રીય ભૂમિકામાં છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી અને તે સ્વાતંત્ર્ય ચળવળમાં સૌથી આગળ રહી. આઝાદીના પછી પણ નહેરુ-ગાંધી પરિવારનો પાર્ટીમાં ઘણો ઊંડો પ્રભાવ રહ્યો. જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને પછી સોનિયા ગાંધી સુધી બધા તેના ભાગ રહ્યા, પરંતુ ઇબ્ન ખલદૂનની દ્રષ્ટિએ જોઈએ તો આ વંશવાદ પ્રથમ પેઢીથી બીજી પેઢી સુધીની યાત્રા જેવી છે: એક નવી શક્તિ, મોટી આશા, સામૂહિક ઊર્જા… પરંતુ સમયની સાથે, વૈભવ, આરામ અને શક્તિનું કેન્દ્રીકરણ વધ્યું- અને અસાબીય્યાહ ધીરે-ધીરે નબળું થતું ગયું.
જવાહરલાલ નહેરુની પહેલી પેઢી પાસે સ્વતંત્રતા યુગ, સંઘર્ષ અને આદર્શવાદની તાકાત હતી. ઇન્દિરાની બીજી પેઢી પાસે ઉચ્ચ સત્તા અને રાજકીય દ્રઢતાની મજબૂતાઈ હતી. રાજીવ-સોનિયાની ત્રીજી પેઢી પાસે વૈશ્વિક ઓળખ, સંસદીય રાજનીતિ અને સત્તાનો વૈભવ હતો. આ બધો અસાબીય્યાહ રાહુલ અને પ્રિયંકાની ચોથી પેઢીમાં આવીને ખતમ થઇ ગયો છે. રાહુલ ગાંધી એ ‘ચોથી પેઢી’ના પ્રતીક બન્યા છે, જેના સમય દરમ્યાન પક્ષનું સામૂહિક બંધુત્વ કમજોર થયું છે અને સત્તા સંતુલન, સંગઠનાત્મક મજબૂતી અને જનસંવાદમાં ઘટાડો થયો છે.
કૉંગ્રેસે વર્ષોનાં વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તે માર ખાઈ-ખાઈને તગડા બનેલા મહોમ્મદ અલી જેવી હતી, પણ આજે પાર્ટીની અંદર કોઈ મજબૂત ‘લડાયક ભાવના’ નથી રહી. 2014થી લગાતાર કૉંગ્રેસની લોકચાહના લોકપ્રિયતાનો ગ્રાફ ઘટી રહ્યો છે.
બિહાર તેનું તાજું ઉદાહરણ છે. તેના એક સમયના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીની સમીક્ષા કરતાં લખ્યું છે કે પાર્ટીમાં હવે નિર્ણયો સુરક્ષા ગાર્ડ અથવા પીએ દ્વારા લેવામાં આવે છે, ન કે લોકશાહી પ્રક્રિયાથી.
રાહુલ ગાંધીના નેતૃત્વને ‘વંશવાદ’ની ટીકાનો પણ સતત સામનો કરવો પડ્યો છે. પાર્ટીમાં અન્ય મુખ્ય અને યુવાન નેતાઓનો વિકાસ ઓછો રહ્યો છે, કારણ કે પાર્ટીમાં દરેક બાબતોમાં ગાંધી પરિવારનું પ્રભુત્વ બરકરાર રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો કૉંગ્રેસ પાર્ટી એટલી વજનદાર હતી કે હવે તેને જ તેનો ભાર લાગવા માંડ્યો છે.
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ જેવી પ્રવૃત્તિઓ સાચા અર્થમાં જનસંપર્કની પહેલ હતી, પરંતુ તેની અસર પાર્ટીની સ્થાયી પુનર્રચના પર મર્યાદિત રહી. ઇબ્ન ખલદૂનના અનુસાર, જ્યારે વૈભવ વધે છે અને સંઘર્ષની ભાવના ઘટે છે, ત્યારે શક્તિનો સાચો આધાર ધ્વસ્ત થઇ જાય છે. આવી જ કંઇક સ્થિતિ કૉંગ્રેસ સાથે થઇ રહી છે. એ દ્રષ્ટિએ કૉંગ્રેસની સ્થિતિ જોવામાં આવે તો એવું કહેવું કદાચ અતિશયોક્તિ નથી કે પાર્ટી સંગઠનાત્મક ચક્રના અંત તરફ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી જનતા અને મતદાતાઓ પરની પકડ ગુમાવી રહી છે, વરિષ્ઠ નેતાઓમાં નારાજગી અને વિદ્રોહ વધી રહ્યા છે, આર્થિક સંસાધનો સંકુચિત થઇ રહ્યાં છે અને સંગઠનાત્મક પુનરુત્થાનની રણનીતિમાં તે નિષ્ફળ જઈ રહી છે.
ઇબ્ન ખલદૂનનું ચિંતન કહે છે કે સત્તાનો ક્ષય સ્વાભાવિક છે, પરંતુ તેનું પુનરુત્થાન પણ શક્ય છે- તેના માટે નવી પેઢીઓ, નવી વિચારધારાઓ અને નવી અસાબીય્યાહની રચના કરવી પડે. ગાંધી પરિવારે બહારના નવા, યુવા અને સક્ષમ નેતાઓને આગળ કરવા પડે. નેતૃત્વમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓ મજબૂત કરવી પડે, પાર્ટીને સ્થાનિક સ્તરે લોકો સાથે જોડવી પડે, ચૂંટણીના અર્થતંત્રને પુન:સ્થાપિત કરવું પડે અને એક સ્પષ્ટ, આધુનિક તેમજ પ્રગતિશીલ વિચારધારા પ્રસ્તુત કરીને યુવા અને મધ્યમ વર્ગને સાથે જોડવો પડે. કૉંગ્રેસનું હાલનું પતન અનિવાર્ય અંત નથી. જો કૉંગ્રેસ પુનરુત્થાનની નીતિ અપનાવે- નવી અસાબીય્યાહ, નવું નેતૃત્વ અને સંસ્થાકીય સુધારા અપનાવે- તો તે ઇતિહાસના આ ચક્રને નવી રીતે ફેરવી શકે છે. નહીં તો, ઇબ્ન ખલદૂનની આગાહી અનુસાર, કૉંગ્રેસ તેની ચાર પેઢીઓનાં વારસામાં પતનનો સામનો કરી શકે છે.
આપણ વાંચો: કવર સ્ટોરી: આતંકનો એક નવો ચહેરો…



