ઉત્સવ

જયારે દુર્ગાદાસે પોતાનાથી નાની ઉંમરના રાજાના ચરણસ્પર્શ કર્યા

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૪૩)
વીર દુર્ગાદાસ રાઠોડ નારાજ થઇને ઔરંગઝેબ પાસે જતા રહ્યા એની અસરની મહારાજા અજિતસિંહને તરત ખબર ન પડી. ત્યારબાદ વધુ રાઠોડ આગેવાનો અજિતસિંહથી નાખુશ થયા.
એક દિવસ મહારાજા અજિતસિંહને માહિતી મળી કે મોહકમસિંહ ઇન્દ્રસિંહજોત લશ્કર સાથે જાલોર ભણી ધસી આવી રહ્યો છે. છતાં પોતાની તાકાત પર મુશ્તાક રહીને તેમણે આ બાબત પર ઝાઝું ધ્યાન ન આપ્યું, પરંતુ ખરેખર મોહકમસિંહ એકદમ નજીક આવી ગયો. ત્યારે પોતાના આગેવાન સરદારો સાથે ચર્ચા-મંત્રણા કરી.

આ સૌની સલાહ મુજબ તેઓ જાલોર છોડીને અગવરી નામના ગામે જતા રહ્યાં. અને મોહકમસિંહ આવ્યા બાદ મહારાજાના સરદારો લડયા. ત્રણ દિવસ સુધી લડતા રહ્યા અને પછી લડાઇ છોડીને બચેલા સરદારો મહરાજા અજિતસિંહ પાસે પહોંચી ગયા.

અંતે જાલોર પર મોહકમસિંહએ કબજો જમાવી લીધો. શું દુર્ગાદાસ રાઠોડની હાજરીમાં આવું બની શકયું હોત? ખેર, આ આંચકાજનક ખબર મળતા જ આસપાસના રજવાડા ભેગા થયા. આના રાજાઓ લશ્કર લઇને મહારાજા અજિતસિંહ પાસે પહોંચી
ગયા. ફરી મોટી સંખ્યામાં સૈનિકો મળી જતા મોહકમસિંહને લલકારાયો, પરંતુ સામે વિરાટ સૈન્ય જોઇને મોહકમસિંહ લડયા વગર જાલોર છોડી ગયા, પરંતુ, અજિતસિંહની છાવણીએ તેમનો પીછો કર્યો અને ધમાસણ લડાઇમાં બન્ને પક્ષે મોટી ખુવારી થઇ.

ત્યારબાદ રાઠોડ સરદારોના મતભેદ અને વિચિત્ર આચરણને લીધે મહારાજા અજિતસિંહને મોગલ સેના સામે ખાસ સફળતા ન મળી. આની વચ્ચે ગુજરાતમાં ઔરંગઝેબ નબળો પડતાં મરાઠાઓએ કબજો જમાવી દીધો.

મોગલ સેનામાં આ અંધાધૂંધીનો મહારાજા અજિતસિંહે લાભ લીધો. તેમણે નજીકના ઘણાં મોગલ અમલદારોને ધૂળ ચાટતા કર્યાં.

આ અરાજકતાનો લાભ દુર્ગાદાસ રાઠોડે પણ લીધો. અમદાવાદના સુબેદાર કેદારબખ્તે તેમની વિરુદ્ધ પ્રચંડ સેના મોકલી, તો દુર્ગાદાસ થરાદ થઇને સુરત નજીકના સ્થળે જતા રહ્યા.

અહીં અમુક કોળી આગેવાનોની મદદથી પાટણના નાયબ ફોજદાર શાહકુલીને પડકારીને ખત્મ કર્યો. ત્યારબાદ વીરમગામના મોગલ અમલદાર માસુમઅલીને ધૂળ ચાટતો કરી દીધો. મહારાજા અજિતસિંહની સેના
મારવાડ અને આસપાસના રાજયોમાં ધાંધલધમાલ મચાવતા હતા, ત્યાં સમાચાર આવ્યા કે બાદશાહ ઔરંગઝેબ અવસાન પામ્યો છે.

હા, ઇ.સ. ૧૭૦૭ની ત્રીજી માર્ચે ઔરંગઝેબનો અંત આવ્યો. સેના ત્રણેય પુત્રે દૂર હતા. પણ બાપાની ગાદી અને સંપત્તિ માટે દોડી આવ્યા, ને લડયા. અંતે નવા મોગલ બાદશાહ તરીકે મોસજજમ બહાદુર શાહ તખ્તનશીન થયો.

ઔરંગઝેબ જેવો હતો એવો મોટું મોગલ વટવૃક્ષ હતો. એના પતન કે ગેરહાજરીથી ફરક પડે જ. મહારાજા અજિતસિંહે જોધપુરમાં પગદંડો જમાવી લીધો. આને પગલે દુર્ગાદાસ રાઠોડ પણ જોધપુર જવા નીકળ ગયા.

દુર્ગાદાસ આવી રહ્યાંના વાવડ મળતા જ મહારાજા અજિતસિંહ ખુદ ભાંડેસર તળાવ સુધી એમને આવકારવા પહોંચી ગયા. મહારાજાને આવતા જોઇને દુર્ગાદાસે અશ્ર્વ પરથી ઉતરીને અજિતસિંહના ચરણ સ્પર્શ કર્યાં. અજિતસિંહ ભલે ઉંમરમાં ઘણાં નાના હતા પણ એ મહારાજા હતા. આવી ગજબનાક હતી દુર્ગાદાસની સ્વામી-ભક્તિ. પોતે દુશ્મનથી જેમનો જીવ બચાવેલ એ બાળકનું મહારાજા તરીકે કદ વધતું હતું એનાથી મોટો કર્યો સંતોષ હોઇ શકે દુર્ગાદાસ માટે?(ક્રમશ):

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…