સર્જકના સથવારે: મારગડે જાતાં મોહી શું સખી સજ્જન! | મુંબઈ સમાચાર
ઉત્સવ

સર્જકના સથવારે: મારગડે જાતાં મોહી શું સખી સજ્જન!

  • રમેશ પુરોહિત

આ વાત છે વસંત-ઋતુના પ્રાદુર્ભાવની. એવામાં પ્રિયતમના વિયોગમાં ઝૂરતી નવોઢાનું તનમન એને ઝંખે છે, એમાંથી દ્વિઅર્થી ભાવમાંથી આખરે તો જન્મે છે સાહિત્ય: આ સાહિત્યના ભાવસભર અર્થોમાં જીવનની સંવેદનાઓ છે- વસંતના પ્રાગટયે સમજાતી હોય છે! લેખકે નવોઢા અને સખી દ્વારા કેવા સુંદર અર્થ પ્રગટાવ્યા ને સમજાવ્યા છે તે આગળ પર પામી શકાશે. આ માનવમનમાં જન્મેલી પ્રકૃતિનું ગીત સુંદર છે, સુમધુર છે.

પ્રકૃતિ સોળે શણગાર સજીને બેઠી છે. સર્વ વસ્તુ રમણીય લાગે છે. વન-ઉપવનમાં ફૂલોની જવાની ખીલી છે. મોસમની છડીદાર મલય પવન મંદ મંદ ફૂંકાઈ રહ્યો છે. ધરતીની અને ફૂલોની ખુશ્બુથી મઘમઘાટ થયેલું વિશ્ર્વ વસંતના વિજયને વધાવી રહ્યું છે.

રંગની રેલમછેલ હોય એવા વસંતવજિયતા સમયે જેનો પિયુ પરદેશ ગયો છે એક નવી નવેલી નવોઢા તન-મનથી પિયુ પિયુ ઝંખતી બેઠી છે; એવામાં એની પ્રિય સખી આવે છે અને પૂછે છે કે:

ઈન્દ્ર વાહન રવિ સુત
પવન પુત્ર ભંડાર;
તિને ભેલે કયોં ભયે
કહે સખી કૌન વિચાર

સખીએ ગૂઢ પ્રશ્ન પૂછ્યો છે; અર્થ આ પ્રમાણે છે:- “ઈન્દ્રનું વાહન હાથી. હાથીને સંસ્કૃતમાં હસ્તી કહેવાય છે, હસ્તીનો બીજો અર્થ હથેળી થાય છે. રવિસુત એટલે કર્ણ, કર્ણનો અર્થ કામ પણ થાય છે. પવન દ્વારા ભંડાર એટલે ગાલ. પવનપુત્ર હનુમાન પણ થાય.

હવે આ હથેળી, કાન અને ગાલ ત્રણે અવયવો ભેળાં કેમ થઈ ગયા છે? ટૂંકમાં હે સખી, તું આમ ગાલે હાથ દઈને કેમ બેઠી છો? કોના વિચારમાં છે? ચતુર સુજાણ હોવા છતાં પ્રિયતમના ખ્યાલમાં મગ્ન બનેલી નવોઢા જવાબ આપતી નથી એટલે સખીને ટીખળ સૂઝે છે! પ્રશ્ન એવો પૂછે છે કે આ સાંભળીને નવોઢા એને પોતાના સ્વામીના અર્થમાં લે છે જ્યારે તેની સખી બીજો અર્થ બતાવીને તેની ઠેકડી ઉડાવે છે. સખી કહે છે:-

મારગડેથી જાતાં મોહી,
જીવમાં હરખી જીવન જોઈ;
એ પછી એ ના ગઈ અગાડી,
શું સખી સજ્જન? ના સખી-વાડી

મારગમાં જાતા મોહી પડી અને જીવન જોઈને મન હરખાઈ પડ્યું અને હું એની પાસે દોડી ગઈ. આટલું બોલી એટલે નવોઢાથી પૂછાઈ ગયું કે ‘તું સજ્જનની વાત કરે છે? ત્યારે એની ચાલાક સખી કહે છે કે રસ્તે જતાં વાડી- બાગ જોયો અને મોહી પડી કારણ કે બધાં વૃક્ષો જીવનવાળાં અને લીલાછમ હતાં અને તેથી હું અહીં આવતા પહેલાં બાગમાં જઈને બેઠી હતી.

માટે હું તો વાડીની એટલે કે બાગની વાત કરું છું. નવોઢાએ મન મનાવ્યું હશે ત્યાં જ સખીએ બીજો કોયડો રજૂ કર્યો. નવોઢા તો પ્રિયતમના રટણમાં રમમાણ હતી:-

આવી સ્કંધ પર મુજ પડે
મુજ મસ્તક શોભા એની વડે;
તેલથી મર્દન તન કરું બેશ

શું સખી સજ્જન? ના સખી કેશ.

સ્વામીના અર્થમાં સ્કંધ એટલે જે ખભ્ભા પર માથું ટેકવે તે. પતિ એટલે જેનાથી માથાની શોભા વધે. આ પતિને હું આ ઋતુમાં તેલથી મર્દન કરું છું. જ્યારે કેશ એટલે વેણી- ચોટલાના અર્થમાં વાળ ખભ્ભા પર પડે છે.

માથાની શોભા વાળથી વધે છે. એવા એ વાળમાં તેલનું મર્દન કરવામાં આવે છે. આમાં પણ પરાભવ. હશે કરવા દે એને મજાક એમ માનીને નવોઢા ફરી પાછી વિચારમાં ગાયબ! ફરી પાછો સખીનો કોયડો:-
પાકાઈ છે તો તનમાં પૂરી
પણ પરગજ્જુ કાયા છે શૂરી;
શોભા સભાતણી સુખદાન,

શું સખી સજ્જન? ના સખી પાન.

પતિના સંદર્ભમાં અર્થ કરીએ તો સ્વામી પાકો છે. શુરવીર અને પરગજું છે. સભાની શોભારૂપ અને સુખદાન એટલે સુખનો આપનાર છે.

જ્યારે પાનના અર્થમાં જોઈએ તો એના એજ શબ્દો કેવો બંધબેસતો અર્થ થાય છે તે જોઈએ. પાન હંમેશાં પાકું સારું.

પાકા પાનમાં અંદર રંગ છુપાયેલો છે તેથી પક્કાઈ છે.

બીજાને ખાવામાં કામ આવે છે તેથી પરગજુ છે અને પાન ખાવામાં તીખું હોવાથી અને લાંબો વખત ટકતું હોવાથી શૂરી કાયાવાળું કહેવાયું છે.

સભામાં પાનની શોભા છે અને મુખમાં મૂકતાં આનંદ આપે છે. સખીને મશ્કરી કરવાની જાણે કે વાસંતી મોજ આવી રહી છે. આગળ ચાલુ રાખે છે.

મોટું પેટ શકાય ન માપી
મરજાદા ન લોપે કદાપી;
નૌતમ ગુણનો એવો નાગર,

શું સખી સજ્જન? ના સખી સાગર

અર્થ: જે મોટા પેટનો છે એટલે કે જેના પેટમાં દરેક વાત રહી શકે છે, તેમજ પોતાના માન-મરજાદ લોપતો નથી (સુજ્ઞ પતિ એવો જ હોઈ શકે) એવો નાગર એટલે સુઘડ અને નૌતમ નવગુણોથી ભરપૂર છે તે કોણ? નવોઢા કહે છે: ‘એ તો મારો સાજન, મારો પતિ પણ સખી પાકી છે તે કહે છે કે નહીં એ તો સાગર.

દરિયામાં પણ આ કાવ્યમાં બતાવેલા તમામ ગુણો છે. જેમ કે સાગરમાં બધું જ સમાય જાય એટલે એ મોટા પેટનો છે. આપણે આવી વ્યક્તિને સાગરપેટાં કહીએ છીએ! સમુદ્ર પોતાની મર્યાદા લોપીને બહાર નીકળતો નથી. સાગરમાં પણ અનેક ગુણો છે અને સમૃદ્ધિનો ભંડાર છે.

આમ સાગરની વાતમાં પણ સખી બનાવી ગઈ અને પાછી કહેવા લાગી કે સાંભળ હવે તો તારા સ્વામીની જ વાત કરું છું.

સોડ વિષે સંતાઈને આવ્યો
ભલો ભુવન મારામાં ભાવ્યો;
સ્નેહવંત એ સદૈવ જીવો,

શું સખી સજ્જન? ના સખી દીવો.

પતિના અર્થમાં કહીએ તો સોડમાં સંતાઈને સુનારો, મારા ઘરમાં આનંદ આપનારો એવો એ સ્વામી સદાને માટે હેમખેમ રહે જેથી અખંડ સૌભાગ્યવંતી રહું. અર્થ બરોબર બેઠા પછી નવોઢા તો આ મારા સ્વામીની જ વાત છે એમ જરૂર કહે પરંતુ સખીએ કહેલો અર્થ તો કાંઈક જુદો છે.

દીવાના અર્થમાં લઈએ તો તે જમાનામાં દીવાસળી ન હતી એટલે પોતાને ત્યાં અગ્નિ ન હોય તો બીજે ઘરેથી દીવો પ્રકટાવીને સાડીના પાલવમાં સંતાડીને લાવતા હતા જેથી પવનથી ઓલવાઈ ન જાય.

દીપકમાં સ્નેહ એટલે તેલ પૂરવામાં આવે છે એટલે એ સ્નેહવંતો અને ઘરમાં અજવાળું કરનાર કહ્યો છે. આ દ્વિઅર્થી કાવ્ય છે.

સખી દ્વારા થઈ રહેલો આ સંવાદ સમસ્યા કાવ્યનો એક પ્રકાર છે.

આ સમસ્યાઓ દ્વિઅર્થી હોવાથી ભાવાર્થ જુદો હોય છે સહેલીની ચતુરાઈ દરેક વખતે નવોઢાને પોતાના પતિ વિશે જ આમ કહેવાઈ રહ્યું છે.

એમ કહેવા માટે મજબૂર કરે છે અને પછી કહે છે કે નહીં. આનો અર્થ તો કાંઈક બીજો જ છે. આવાં રસસભર કાવ્યોનો રસાસ્વાદ હવે પછી માણતા રહીશું.

આપણ વાંચો:  વલો કચ્છ: સરહદના સંત્રીઓ માટે અનોખો સેવાયજ્ઞ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button