વલો કચ્છ : પખે કે ચડણું નાંઈ: કચ્છની ધરતી સાથે બંધાયેલું જીવનધર્મ…

- ડૉ. પૂર્વી ગોસ્વામી
ગુજરાતના પશ્ર્ચિમ રાજ્યના કચ્છ જિલ્લાના લૈયારી ગામમાં મેન્ગ્રોવ જંગલના સુકરાળ પર રબરાખિયા જત અને તેમની પત્ની લછમી અને રાણાભાઈ રબારી બેઠાં છે. ખરાઈ ઊંટનો એક જૂથ ઝાડ પરના પાંદડામાંથી બચેલા પાંદડા શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની પીઠે રંગીન પટ્ટા છે. હૂંફભર્યા શ્વાસના અવાજ વચ્ચે ઘંટડીના સૂમસામ ઝણકાર સંભળાય છે. ઊંટની આંખો પર કાજલ છે, પીઠે ચાંદલા છે. ભાવસભર સંસ્કૃતિ! પણ આ માત્ર પરંપરા નથી. ઊંટ જ્યારે દરિયાકાંઠાના મેન્ગ્રોવ વનો તરફ જાય છે, જ્યાં ખારાં પાણી અને સપાટ ઘાસ ઉપર એ જીવન જીવે છે, ત્યારે એ મહિના-મહિના પ્રવાસ પછી જ્યારે ઘેર પાછા આવે છે ત્યારે એ ક્ષણ એક પર્વ સમાન બની જાય છે. માલધારી પરિવારો માટે આ ઊંટ માત્ર પશુ નહીં પણ એમના પરિવારના સભ્યો હોય છે. એ વારસો બને છે, જે પેઢીથી પેઢી સુધી જીવંત રહે છે.
રબરાખિયા: ‘લછમી, હવે હું ખરાઈની સંભાળ નથી રાખી શકતો એ વાતે મને શરમ લાગે છે. સરકારે કે ઉદ્યોગપતિઓએ આ ધરતીની કિંમત ઓળખી નથી. તેઓ રણ અને કાંટાળાં ઝાડોને માત્ર ખનન કે મીઠાંના ખાડા માટે જોઈ છે. આ તો ઈશ્વરનો આશીર્વાદ છે!’
લછમી: ‘આ ઝાડ અને ઘાસ એ તો ઔષધીય શક્તિ ધરાવે છે. સાવલા પીરએ ખરાઈ ઊંટને માટે આ વનસ્પતિ બનાવ્યા, અને આપણે એની સેવા માટે ચૂંટાયા. શું આપણે એ સેવા ભૂલી શકીએ, રાણાભાઈ?’
રાણાભાઈ: ‘હા, અમે ખોટા ગયા છીએ. નદીઓ પર ઉદ્યોગોની બાંધકામ અને મીઠાંના અગરોના કારણે મેન્ગ્રોવ્સ હવે સુકાઈ રહી છે.’
રબરાખિયા: ‘ચાલો, સાવલા પીરની દરગાહે જઈએ. અને તેમણે આપેલા ઊંટ પાછા આપીને માફી માગીએ!’ (સાવલા પીર સાથે ઊંટપાલન અને માલધારીઓનો એક અદ્વિતીય આધ્યાત્મિક જોડાણ છે.)
જેમ તારાઓ ઊગે છે, તેમ સાંસ્કૃતિક યાદો ઝળહળે છે. સાંજ ઘેરી બનતી જાય છે અને સુરંદાનું સંગીત પોતાની તીવ્રતા સાથે હવાના પ્રવાહ દૂર સુધી લહેરાય છે, રાણાભાઈ કહે છે: ‘આવાં સંગીતની સાંજ હવે દુર્લભ છે અને એમ જ આપણી પરંપરાઓ પણ ઓગળી રહી છે.’ લછમી એમાં ઉમેરે છે: ‘સૂફીઓ કહે છે, ‘ન અમારું કશું હતું, ન આપણે કશાનાં હતા. પણ હવે તો દીવાલો છે, બંધનો છે!’
ખરાઈ ઊંટ, જેને ‘સમુદ્ર ચાલક ઊંટ’ પણ કહેવાય છે, કચ્છીમાં ખારાઈ એટલે કે ‘સોલ્ટી’, ખારા પ્રદેશનું વાહન. તે મુખ્યત્વે ખારી જમીન પર ઊગતા છોડ પર નભે છે. ખાસ કરીને કચ્છના રબારી, જત અને માલધારી સમાજ સાથે સંકળાયેલા છે. ખારાઈ ઊંટોને મેન્ગ્રોવ્સ પર ચરવા દેવાથી વૃક્ષોનો અસ્તિત્વ જળવાઈ રહે છે અને નવા વૃક્ષોના અંકુરને પણ ટેકો મળે છે. તેમના પગલાઓથી જમીનના નાના ખાડા બને છે અને તેઓ ચેર ચરે છે ત્યારે અમુક બીજ એ ખાડામાં પડવાથી આપોઆપ વાવણી થઈ ગઈ હોય છે આમ નવા રોપા આપોઆપ તૈયાર થઈ જાય છે.
કચ્છના દરિયાકાંઠે ઝડપી ઔદ્યોગિકરણ અને જેટ્ટી બાંધકામના કારણે મેન્ગ્રોવ વનોની બરબાદી બાદ સરકાર દ્વારા સંરક્ષિત વિસ્તારો જાહેર કરવાના નિર્ણયથી ચરિયાણ અને માલધારીઓની ચાલ જ રોકાઈ ગઈ છે. ફકીરાણી જત જે આ જમીન પેઢીઓથી ઉપયોગ કરતા હતા તેમાં લુપ્તતા વર્તાઇ રહી છે.
આ લેખ લખવાનો અવસર અને પ્રેરણા ભુજની નામાંકિત સંસ્થા સહજીવન દ્વારા પ્રકાશિત સામયિક ‘અ વર્લ્ડ વિધાઉટ અ રૂફ’માં પ્રકાશિત પખે કે ચડણું નાંઈ વિષયક અહેવાલ અને સંવાદોથી મળી. હમણાં હમણાં કામનાં કારણોથી અબડાસા અને લખપતનાં ગામડાઓનો પ્રવાસ થયો તો ફકીરાણી અને ગરાસિયા જત, તે વિસ્તારના રબારી સમાજ સાથે નિકટતા સર્જાઇ અને તેથી જ ઊંટ અને માલધારી જીવનશૈલી અંગેની આ સંવેદનશીલ પરંપરા પર આ લેખ રચવા સંજોગ ઊભા થયા.
અહીંના ફકીરાણી જત ‘પગપારખું પગી’ તરીકે પોતાની ઓળખાણ ધરાવે છે અને તેમનો સૌ પાસે આદરપાત્ર સ્થાન છે. રાજ્યાશ્રય મેળવેલા આ પગીઓ સંવેદનશીલ સરહદની રખોપાં કરતા આવ્યા છે. લશ્કરી દળ હોય કે પર્યાવરણપ્રેમી પ્રવાસીઓ,એ બધા માટે તેઓ ‘આશ્ર્ચર્યજનક વ્યક્તિત્વ’ સાબિત થયા છે. કારણકે વ્યક્તિ કે પશુના પગલા ઓળખવામાં માહેર આ નિષ્ણાંતો, પર્યાવરણપ્રેમીઓને ‘ખરેખર પ્રકૃતિમય હોવું એટલે શું’નું નિતાંત મહત્ત્વ સમજાવે છે. ફિલ્ડ વર્ક દરમિયાન અમારા ભંગુડી ગામના મલાયા ચાચાની પગ પારખું અદા વિશે જાણીને તો મારા ભવરાં ચઢી આવ્યા હતા.
આ સમુદાયો મેન્ગ્રોવ્સની મુલાકાત લેતા સ્થળાંતરિત પ્રાણીઓ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. તેમને ક્યારેય પોતાના પશુધન સાથે સ્પર્ધા કરવાની જરૂર પડી નથી. આવી પરંપરા આજે ઓછી થઈ ગઈ છે, પણ હજી પણ તે કચ્છના કુટુંબોમાં જીવંત છે અને આ લેખ, આ દૃશ્યો એ સંકલ્પ છે કે આ વારસાને જીવતું રાખીશું.
આપણ વાંચો: મનોરંજનનું મેઘધનુષ: દમદાર અભિનેત્રી શ્રીયા પિલગાંવકર