વલો કચ્છ : પીડાને ભૂલી શ્રમ ને સૂઝબૂઝ થકી મેળવી સિદ્ધિ…

- ડૉ. પૂર્વી ગોસ્વામી
કચ્છની ધરતી જાણે કળા અને તે માટે કળાતું ખમીરી રજૂ કરતી હોય તેવું લાગ્યા કરે. અહીંનું ગામડે ગામડું કલા રતન વીંટાળીને બેઠું છે. કચ્છનું અર્બન ક્રાફટ તરીકે હમણાં હમણાં અંકોડીનું ગૂંથણ પ્રખ્યાત થઈ રહ્યું છે. મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામની કહાની કંઈક એવું જ કહે છે. એક સુપ્રસિદ્ધ કહાની માટે તો આ ગામ આમેય નિમિત્ત રહ્યું છે. વાત માંડું એ પહેલા નાની વાત લિજ્જત પાપડની. 7 બહેનોની ઔપચારિક મંડળીએ પાપડ બનાવવાના શરૂ શું કર્યા કે જે આજે હજારો બહેનોની રોજીરોટી આપવાની સાથે દેશભરમાં પાપડ ઉદ્યોગમાં ઊભી થયેલ અવ્વલ સિદ્ધિના મૂળમાં તે આ ગામ જ. એ જ નાનકડા ગામમાં જન્મેલી કાજલ ભચુભાઈ દનીચા આજે પોતાના જુસ્સા અને હિંમતથી કચ્છનું નામ વિશ્વમાં પહોંચાડવાની કગર પર છે.
કાજલની ઓળખ માત્ર એક અંકોડીનું ગૂંથણ (ક્રોશેટ આર્ટ) કરતી કલાકાર તરીકે નહીં પરંતુ સંઘર્ષમાંથી ઝળહળતું આશાનું કિરણ તરીકે આપી શકાય. બાળપણમાં માતા અને દાદી પાસે બેઠા બેઠા ગૂંથણ શીખેલી કાજલ થાળ પર ઢાંકવાના નાના રૂમાલ એક સોયાનું અંકોડી ગૂંથણ દ્વારા બનાવતી. સમય જતાં એની આંગળીઓએ અને મગજે ગતિ પકડી. હવે તેણે કોટન સાથે નાયલોન, વૂલન અને વેલ્વેટ થ્રેડનો ઉપયોગ કરીને સાડીની બોર્ડર, દુપટ્ટા, મફલર, પર્સ, ટોપી, ઘરેણાં, રમકડાં જેવા અવનવા નમૂના તૈયાર કર્યા છે. આજે તો તે ક્રોશેટની સુવર્ણ દુનિયામાં પોર્ટ્રેટ બનાવવાના પ્રયોગો તરફ પણ આગળ વધી રહી છે.
સૌ પ્રથમ ગાંધીધામમાં યોજાયેલા પ્રદર્શન મેળામાં તેણે નાયલોન થ્રેડ વડે બનાવેલા બહેનો માટેના ઘરેણાં રજૂ કર્યા. ત્યાંથી જ તેનું કળાજીવન તેજીથી આગળ વધ્યું. તે પછી તો એક પછી એક પ્રદર્શન, એક પછી એક ઓર્ડર સાથે જ જન્મતા ગયા નિતનવા સપનાઓ. માત્ર એક વર્ષના ગાળામાં કાજલે લાખોના ઓર્ડર પૂર્ણ કરીને પોતાના નામે શ્રમ અને સૂઝબૂઝનું અદ્ભુત ઉદાહરણ ઊભું કર્યું છે. તેની સૂઝબૂઝનો અનોખો એક કિસ્સો પણ ઘણો રોચક છે.
કાજલના જીવનનો એક પ્રસંગ સાંભળો તો તે માનવીને એક સાથે અચંબિત પણ કરે અને પ્રેરણા પણ આપે.
કાજલ અવારનવાર રામાણીયાથી ભુજ એસટીમાં મુસાફરી કરતી હોય. ઓર્ડર મુજબ તૈયાર કરેલા માલને કુરિયર કરવા માટે એ બેગ કે પર્સ લઈને આવતી હોય. પણ એ બેગ માત્ર માલ નહીં, કાજલની બુદ્ધિ અને માર્કેટિંગની અદાથી પણ ભરેલી હોય છે.
એકવાર આવું બન્યું કે એ જ એસટીની મુસાફરીમાં, સામાન્ય ગણાતી સવારીમાં જ કાજલએ રૂપિયા 22 હજારની કમાણી કરી નાખી! વેલેન્ટાઈન ડે હોવાથી મુસાફરી કરતાં યુવાનિયાઓએ ગિફ્ટ તરીકે કિચેન ખરીદીને કાજલને આ કમાણી કરાવી હતી.
એક સામાન્ય એસટીની મુસાફરી પણ કાજલ માટે તો જાણે હરતુંફરતું એક્ઝિબિશન જ છે. કાજલની આ ઘટના સાબિત કરે છે કે કલા માત્ર હાથમાં નહીં, પરંતુ મનમાં હોવી જોઈએ; અને જ્યારે મનમાં જુસ્સો હોય ત્યારે બજાર કોઈ ચોક્કસ દુકાન કે મોલમાં નહીં પરંતુ જ્યાં માનવી પગ મૂકે ત્યાં જ ઊભું થઈ શકે છે. આજે કાજલનું Crochet Crowd બ્રાન્ડ નેમથી કામ ચાલે છે. સીમાઓ ઓળંગી દુબઈ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર જેવા દેશોમાં તેના ઓર્ડરો મેળવી ખુશ થતા ગ્રાહકોની મોટી શૃંખલા રચાઈ છે.
પરંતુ આ સફળતાના રસ્તા સહેલા નહોતા. લગ્નના છ મહિનામાં જ તેને પિયર પરત આવવું પડ્યું, કારણ કે પતિએ ન તો કઈ કામકાજ કર્યું અને ન નિભાવી જવાબદારી. સંસારની કઠિન પરિસ્થિતિઓએ કાજલને ઘેરી લીધી. છૂટાછેડાની પીડા, સમાજનો તિરસ્કારભર્યો વર્તાવ આ બધું સહન કરવું 23 વર્ષની દિકરી માટે સ્વાભાવિક જ કઠિન હોવાનું! પણ કાજલે આ બધાને પોતાની યાત્રાના અવરોધ તરીકે નહીં પરંતુ પ્રેરણા તરીકે લીધું.
‘કારીગર ક્લિનિક’ સંસ્થાએ તેને માર્ગદર્શન આપ્યું. બિઝનેસ વેલનેસ કોર્સ દ્વારા કાજલે પોતાના હસ્તકલા કૌશલ્યને વ્યવસાયમાં ફેરવ્યો. આજે તેની સાથે 27 બહેનો જોડાઈને મહિને દસથી બાર હજારની કમાણી કરે છે. આ કળા હવે તહેવારો સુધી મર્યાદિત નથી રહી, બારમાસી કમાણીનું સાધન બની છે.
એક સામાન્ય પરિવારની દીકરી, પિતાની કરિયાણાની દુકાન. આજે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચેલી કાજલે પરિવારની દિશા બદલી દીધી છે. એ પરથી સાબિત થાય છે કે પરિસ્થિતિઓ માણસને દબાવી શકે, પણ જો મનોબળ મજબૂત હોય તો એજ પરિસ્થિતિ માણસને ઊંચે ઊડવા માટે પાંખો પણ આપી શકે છે.
દસમા ધોરણમાં શાળા લાઈબ્રેરીમાં વર્લ્ડ રેકોર્ડની બુક વાંચેલી, પરંતુ ક્યારેય ધારણા નહોતી કે ખુદ રેકોર્ડ બનાવીશ. સળંગ 42 કલાક સુધી અંકોડી ગૂંથણ કરીને કાજલે ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. જીવન કોઈ પણ તબક્કે ગબડી પડતી યુવાપેઢી માટે કાજલનું ઉદાહરણ હિંમત, શ્રમ અને કુશળતાની રાહ પર આગળ વધવા પ્રેરણા આપે છે.
આપણ વાંચો:ઊડતી વાત : રાજુ રદીએ ઝમકુડીને કેટલી વાર પ્રપોઝ કર્યું?