વલો કચ્છ: સરહદના સંત્રીઓ માટે અનોખો સેવાયજ્ઞ…

- ડૉ. પૂર્વી ગોસ્વામી
કચ્છની ધરતી હંમેશાં કંઈક વિશિષ્ટ રહી છે. સખત, ખારી, ખમીરીવાળી આ ધરાના કલેવરના સંવેદનશીલ સરહદે તૈનાત જવાનોને વધુ અનુભવ થતા હશે. તેમની હિંમત, ગરમી અને ઠંડી સામેની તેમની લડત અને તદ્દન કઠિન પરિસ્થિતિઓ વચ્ચેની તેમની ફરજ આ બધું જ આપણને નમાવી દે છે. એટલે જ તો સરહદના રખોપા કરતા ફરજનિષ્ઠ જવાનોની સેવા માટે સમર્પિત કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિ જેવી સંસ્થાઓને પ્રેરણા મળતી હોય છે તેમના માટે કશુંક કરવાની. સમિતિ પ્રમુખ અરવિંદભાઈ જોશીની ખરેખર બે દાયકાની સેવાની નોંધ અચૂક લેવી ઘટે.
આ સેવા યાત્રાની શરૂઆત અત્યંત સાદી રીતે થઈ હતી. કોટેશ્વરથી મુન્દ્રા સુધીના માર્ગમાં આવેલા તમામ શિવ મંદિરોમાં દર મંદિર દીઠ 30 બિલ્વ પત્રના વૃક્ષો રોપવાનો નિર્ધાર કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિએ કરેલો અને આ અભિયાન માટે કોટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા થઈ, ત્યારે પુજારી દિનેશગિરિએ બીએસએફના જવાનોને મદદે બોલાવ્યા. અરવિંદભાઈ તો સેવાકીય મિજાજના એટલે જવાનોએ વૃક્ષારોપણ પછી આપેલી ચા-પકોડાની ટ્રીટ દરમિયાન પૂછી લીધું કે, ‘તમારા માટે અમે શું કરી શકીએ?’ ત્યારે કંપની કમાન્ડર સંતોષકુમારે તો પોતાના માટે તો કઈ ન માંગ્યું પણ મુસાફરો માટે પીવાના પાણીની વ્યવસ્થા માગેલી. એ માગને અનુસરીને અરવિંદભાઈએ સાથે જોડાયેલા નેટવર્કમાં દાતાઓને ઇજન મૂક્યું કે બીએસએફ કેમ્પમાં આરઓ પ્લાન્ટ અને કુલરની વ્યવસ્થા થઈ ગઈ. આ રીતે એક નાની વાતે એક મોટી સેવા શરૂ કરી અને આ સંબંધ આજે બે દાયકા પછી પણ એટલો જ જીવંત છે.
સંરક્ષણ ક્ષેત્ર માગ મુજબ સુવિધા કરી આપે પણ સરકારી વિલંબ સુધીના ગાળામાં જવાનોની કઠિનાઈઓ વધુ હોય છે. આથી અરવિંદભાઈએ નિર્ધાર કરેલો કે બીએસએફ કેમ્પમાં સમયાંતરે એકાદ દિવસ ગાળવો અને જવાનો વચ્ચે રહી એમના માટે ખૂટતી કડી સંતોષવી.
તેમની આ યાત્રામાં અરવિંદભાઈ સમિતિના નેજા હેઠળ જવાનોની શક્ય તેટલી મદદ કરવાનું વિચાર્યું. આ સેવા યજ્ઞમાં ડે-નાઈટ ચશ્માં, એર કુલર, વોટર કુલર, બાંકડા બનાવી દેવા, એરકન્ડિશનર, ડીપ ફ્રીજ, ફ્રીજ, ટીવી જેવી નાની મોટી ચીજવસ્તુઓ જે જવાનોની થોડી ઘણી પણ સુવિધામાં વધારો કરતા હોય તે દાતાના સહયોગથી અરવિંદભાઈએ સાચા અર્થમાં જવાનોના બેલી બનીને કાર્ય કર્યું છે.
એમની સાથે સમય વિતાવતા વિચારતા એમને જાણ્યું કે સરહદ ઉપર તો શાકભાજીનો એકસાથે જથ્થો જતો હોય છે પણ કોલ્ડ સ્ટોરેજના અભાવે એ શાકભાજી ઘણી વખત બગડી જતી હોય છે. ગરમીના દિવસોમાં બહુ અઘરું પડતું હોય છે અને આ જ કારણથી કે દૂર પાણી, છાસ કે શાકભાજી જે છે એ ઠંડા રહે ફ્રીઝ કે ફ્રીજમાં તો એ ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકાય અને એમને એ રાહત મળે ભોજનમાં. આ કારણથી અમે ડીપ ફ્રીજ અને ફ્રીજ અપાવ્યા.
રાત્રે ફરજ દરમિયાન ઉપયોગી એવા ચાર હજાર જેટલા રે-બેન ચશ્માં ડે-નાઇટ ચશ્માં પણ અપાવ્યા, જેનાથી જવાનોની સુરક્ષા કાર્યક્ષમતા વધી. બીજી વખતમાં પણ પાંચેક હજાર જેટલા સાદા ચશ્માં પણ તૈયાર કરાવી આપ્યા.
ક્યારેક નાની લાગતી વસ્તુ પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવે છે.
કચ્છની ગરમીનો સ્વભાવ તો બધાને ખબર છે. તાપમાન ક્યારેક 50 ડિગ્રી સુધી પહોંચે અને ચામડી દાઝી જાય તેવી હાલત સર્જાય. આવી પરિસ્થિતિમાં જવાનો માટે એર કુલર, ફ્રિજ, એર કન્ડિશનર જેવી સુવિધાઓ દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવી. દરિયાકાંઠાના બોર્ડર પોસ્ટ્સ પર જ્યાં લાઈટની સમસ્યા હોય છે, ત્યાં ઇન્વર્ટર અને જનરેટર પહોંચાડ્યા. જે જગ્યાએ રસોઈ શક્ય ન હોય ત્યાં મોટા ટિફિનો આપ્યા જેથી એકસાથે ઘણા જવાનો માટે ભોજન પહોંચાડવું સરળ બને. આ માત્ર ચીજવસ્તુઓ આપવાની વાત નહોતી, આ તો એ માનવીય સ્પર્શ હતો જે સરહદની એકલતામાં પણ જવાનોને અમે તમારી સાથે છીએની લાગણી આપે છે. કચ્છમાં સેવા કર્યા પછી જવાનો જ્યારે જમ્મુ-કાશ્મીર કે પશ્ચિમ બંગાળની સરહદ પર જતા રહ્યા, ત્યારે પણ સમિતિએ દાતાઓની મદદથી ત્યાં પણ સુવિધાઓ પહોંચાડવામાં સફળતા મેળવી.
દાતાઓ પાસે ઘણી વખત એવું થતું હોય કે વારંવાર હાથ ફેલાવવા પડતા હોય પણ અરવિંદભાઈના કેસમાં ઊંધું છે. તો એક વખત દાતાઓને એક સાથે જે જરૂરિયાત હોય એ માંગ હોય એ વસ્તુ માટે માંગ મૂકી દેતા હોય છે અને પછી તો દાતાઓ વચ્ચે હરીફાઈ જામતી હોય છે અને અરવિંદભાઈને વહેલા તે પહેલાના ધોરણે દાતાને સેવાનો મોકો આપતા હોય છે. સેવાના આ માળખામાં ક્યારેય દબાણ નથી, છે તો માત્ર પ્રેરણા અને વિશ્વાસ.
વડીલનું માનવું છે કે, અનેક સુવિધાઓના અભાવે રહેતાં જવાનો પોતા પહેલા લોકોની સુવિધા વિચારતા હોય, આપણી સરહદની અણનમ રક્ષા કરતા હોય એમની દસ ટકા સેવા આપણને કરવાના નસીબ મળી જાય તોય ભયો ભયો. તેમણે તો આ સેવાને પોતાના જીવનનો મંત્ર બનાવી દીધો છે.
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિએ માત્ર જવાનો માટે જ નહીં, પણ દિવ્યાંગ ભાઈ-બહેનો માટે 4000 જેટલા સિલાઈ મશીનો, રાશન કિટ વિતરણ, દિવ્યાંગ ભાઈબહેનોની મદદ, મેડિકલ કેમ્પો યોજ્યા આ સેવાઓની અનેક વખત નોંધ લેવાતી હોય છે પણ આજે થયું કે સરહદના સંત્રીઓ માટેની અનોખી સેવા છે તેની વાત નથી એક વાર લોકો સુધી પહોંચાડવી જોઈએ. સતત ચિંતન અને મનન કરતા રહેતા અરવિંદભાઈ જોશીની સેવા ખરેખર અદ્ભુત છે, અભિનંદનનીય છે.
આપણ વાંચો: સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી ? પ્રકરણ-15



