કવર સ્ટોરી : ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ…!’ | મુંબઈ સમાચાર
ઉત્સવ

કવર સ્ટોરી : ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ…!’

વિજય વ્યાસ

અગાઉ કોઈ શક્તિશાળી નેતાના નેજા હેઠળ સત્તા વિરોધી આંદોલન થતાં. આજે ‘જનરેશન ઝી’ના જમાનામાં સોશ્યલ મીડિયામાં સરકાર સામે પેદા થયેલા ભયંકર આક્રોશ અને અસંતોષે આખી દુનિયાને સોશ્યલ મીડિયાના પાવરનો પરિચય કરાવ્યો છે. પહેલાં બાંગ્લાદેશ પછી હમણાં નેપાળમાં આ રીતે સત્તાપલટો થયો અને હવે આના સમાંતરે જ ફ્રાન્સની સરકાર સામે યુવા પ્રજાના વિપ્લવની જ્વાળા ભભૂકી ઊઠી છે. હવેનાં આંદોલન નેતા વિના જ પ્રચંડ બની રહ્યાં છે સોશ્યલ મીડિયાના પ્રતાપે !

ભારતના પાડોશી દેશ નેપાળમાં સોશ્યલ મીડિયા પરના પ્રતિબંધને કારણે પેદા થયેલા પ્રચંડ આંદોલને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. રસ્તા પર ઊતરેલા યુવાઓ એટલે કે ‘જેન-ઝી’ એ મંત્રીઓને રસ્તા પર દોડાવી દોડાવીને એવા ફટકાર્યા કે વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીને રાજીનામું આપીને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી. દેશની પત્તર ખાંડી નાખનારા ભૂતપૂર્વ વડા પ્રધાનો સહિતના સંખ્યાબંધ રાજકારણીઓ લોકોનો આક્રોશનો ભોગ બન્યા. લોકોએ દેશની સંસદ સળગાવી દીધી અને ભૂતપૂર્વ વડા પ્રધાનોનાં ઘર પણ સળગાવી દીધાં. એમના પરિવારોને ય આક્રોશનો ભોગ બનાવ્યાં. પોલીસ લાચાર બનીને કશું ના કરી શકે એવી અભૂતપૂર્વ સ્થિતી પેદા થઈ ગઈ તેથી છેવટે આર્મીને ઉતારવી પડી છે. જો કે આર્મીએ પણ સમજાવટથી કામ લેવું પડે એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. હિંસા અને તોડફોડના કારણે સત્તાપલટો થઈ ગયો અને વચગાળાની સરકાર બનાવવી પડી છે.

નેપાળની આ હિંસા હજુ શમી નથી ત્યાં ફ્રાન્સમાં પણ લોકો ત્યાંના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની નીતિ-રીતિઓ સામે ભડકીને રસ્તા પર ઊતરી આવ્યા છે અને ‘બ્લોક એવરીથિંગ’ આંદોલન શરૂ કર્યું છે.

મેક્રોંએ સેબેસ્ટિયન લેકોર્નુને ફ્રાન્સના નવા વડા પ્રધાન નિયુક્ત કર્યા એ સાથે જ શરૂ થયેલા આંદોલનમાં લોકો બધું ઠપ્પ કરી રહ્યાં છે. ફ્રાન્સમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ફ્રાંસ્વા બાયરૂએ બજેટમાં 50 અજબ ડૉલરથી વધારેના કાપની દરખાસ્ત મૂકી તેમાં ડાબેરી વિપક્ષો મેદાનમાં આવી ગયા. બાયરૂએ બે નેશનલ હોલિડે રદ્દ કરવા, 2026માં પેન્શન બંધ કરવું, હેલ્થ સર્વિસ ખર્ચમાં અબજો યુરોનો કાપ મૂકવો સહિતની જાહેરાતો કરી હતી. તેના કારણે સરકાર વર્ક કલ્ચર બદલી રહી છે અને લોકોના સ્વાસ્થ્યને ગૌણ બનાવી રહી છે એવા આક્ષેપ થયા. સરકાર ખર્ચ બચાવવા માટે અત્યારે અપાતી સેવાઓ બંધ કરીને જીવનધોરણ નીચું લાવી રહી છે એ મુદ્દે લોકોમાં આક્રોશ ભડક્યો છે.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ રીક ટ્રોઇકા શું છે ને તે ભારત માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે?ટ્રમ્પ કેમ ફફડે છે રીક ટ્રોઇકાથી…

આ પહેલાં બાંગ્લાદેશમાં પણ આ રીતે જ શેખ હસીના સામે જબરું આંદોલન થતાં હસીનાએ પણ સત્તા છોડીને ભાગવું પડ્યું હતું. બાંગ્લાદેશમાં વરસોથી જામી પડેલાં શેખ હસીના સામે પણ ભ્રષ્ટાચાર અને સગાંવાદના આક્ષેપો થયા હતા. હસીના ારતતરફી હોવાના કારણે કટ્ટરવાદી મુસ્લિમો નારાજ હતા. એમણે મોકાનો ફાયદો ઉઠાવીને લોકોને ભડકાવતાં હસીનાએ રાતોરાત બાંગ્લાદેશથી ભાગીને અત્યારે ભારતમાં રાજ્યાશ્રય લઈને રહેવું પડે છે.

વિદેશોમાં અગાઉ આ રીતે યુવાઓ રસ્તા પર આવી જતાં સરકારો ઘરભેગી થઈ ગઈ હોય એવા સંખ્યાબંધ કિસ્સા છે. એમાં જાણીતો કિસ્સો ‘આરબ સ્પ્રિંગ’નો છે. આરબ દેશોમાં બેફામ શાસકો અને સરમુખત્યારો સામે યુવાઓ સોશ્યલ મીડિયા પર આક્રોશ ઠાલવવાનું શરૂ થયું પછી આ આક્રોશ એટલો બુલંદ બન્યો કે, આરબ રાષ્ટ્રોમાં વરસોથી જામી ગયેલા સત્તાધીશો સામે બળવા થઈ ગયા. રસ્તા પર આવી ગયેલા લોકોએ લિબિયાના કર્નલ મુઅમ્મર ગદ્દાફી સહિત કેટલાય સરમુખત્યારોને ઉખાડીને ફેંકી દીધા હતા.

‘આરબ સ્પ્રિંગ’ તરીકે જાણીતી આ ક્રાંતિની અસર સંખ્યાબંધ દેશોમાં થઈ હતી. ભ્રષ્ટાચાર, જોહુકમી અને આર્થિક અસ્થિરતાના વિરોધમાં ટ્યુનિશિયામાં તેની શરૂઆત થઈ. ટ્યુનિશિયાથી શરૂ થયેલો, વિરોધ શરૂઆતમાં લિબિયા, ઇજિપ્ત, યમન, સીરિયા અને બહેરીન એ પાંચ દેશોમાં ફેલાયો હતો ને તેમાં પાંચ શાસકો ફેંકાઈ ગયા. ટ્યુનિશિયાના ઝીન અલ અબીદીન બેન અલી, લિબિયાના મુઅમ્મર ગદ્દાફી અને ઇજિપ્તના હોસ્ની મુબાર 2011 માં ઘરભેગા થયા અને 2012માં યમનના અલી અબ્દુલ્લા સાલેહનો વારો પડી ગયો. સીરિયામાં અસદ અલ બશર બચી ગયેલા પણ અડધા સીરિયા પરથી અંકુશ ગયો.

‘આરબ સ્પ્રિંગ’ વિપ્લવ વખતે ભારે હિંસા થઈ હતી. ઠેર ઠેર હિંસા તથા રમખાણો ફાટી નિકળેલાં. મોરોક્કો, ઇરાક, અલ્જેરિયા, લેબનોન, જોર્ડન, કુવૈત, ઓમાન અને સુદાનમાં ઉગ્ર દેખાવો થયેલા જ્યારે જીબુટી, મૌરિટાનિયા, પેલેસ્ટાઇન, સાઉદી અરેબિયા અને પશ્ર્ચિમી સહારા સહિતના દેશોમાં પણ વિરોધ પ્રદર્શનો થયાં હતા.

સોશ્યલ મીડિયામાં સરકારો સામે પેદા થયેલા ભયંકર આક્રોશ અને અસંતોષે આખી દુનિયાને સોશ્યલ મીડિયાના પાવરનો પરિચય કરાવ્યો છે. નેપાળમાં પણ અત્યારે આ પાવર દેખાઈ જ રહ્યો છે.

આ બધા વચ્ચે પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકો લડી રહ્યા છે એ પણ સોશ્યલ મીડિયાના પાવર પર જ લડી રહ્યા છે. શાહબાઝ શરીફની સરકારે ઈમરાનની પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ પાકિસ્તાન (પીટીઆઈ)ના મોટા ભાગના નેતાઓને જેલભેગા કરી દીધા છે. ઈમરાન ખાન બે વર્ષથી જેલમાં સબડે છે ને બીજા નેતાઓની પણ આ જ હાલત છે છતાં : ‘પીટીઆઈ’ના એલાન પર હજારો લોકો રસ્તા પર ઊતરી આવે છે તેનું કારણ સોશ્યલ મીડિયા છે. સોશ્યલ મીડિયા પર ઈમરાન ખાન કે બીજા કોઈની એક અપીલ બહાર પડે કે તરત આગની જેમ ફેલાય છે અને પક્ષના કાર્યકરો રસ્તા પર આવી જાય છે.

સોશ્યલ મીડિયા દ્વારા પેદા થતા આક્રોશની ખાસિયત એ છે કે, આ આંદોલનો નેતા વિના જ પ્રચંડ બની જાય છે. ભારતમાં 1974ના ‘નવનિર્માણ’ પછીના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન વખતે લોકો પાસે જે.પી.નું નેતૃત્વ હતું. જે.પી. સ્વચ્છ છબી ધરાવતા નેતા હોવાથી લોકોએ જ નહીં પણ તમામ રાજકીય પક્ષોએ એમનું નેતૃત્વ સ્વીકાર્યું હતું પણ હવે નેતા વિના જ આંદોલનો પ્રચંડ બને છે.

હવેનાં આંદોલનો લોકોના આક્રોશના આધારે શરૂ થાય છે અને લોકોનો આક્રોશ વધારે ભડકે તો પ્રચંડ બની જાય છે. નાના મુદ્દા સાથે શરૂ થયેલું આંદોલન લોકોનો ટેકો મળે તો મોટું થઈ જાય ને નેતા પણ મોટો થઈ જાય તેનું ઉદાહરણ અણ્ણા હઝારે છે.

હઝારેએ લોકજનપાલ આંદોલન શરૂ કર્યું ત્યારે લોકો એમને નહોતા ઓળખતા. અણ્ણાએ આ મુદ્દાને રાજકારણીઓના ભ્રષ્ટાચાર સાથે જોડ્યો. લોકોને એમની વાત સાચી લાગી ને એક જબરું આંદોલન ખડું થઈ ગયું હતું. હઝારેને નહીં જાણનારાંએ પણ એમને ટેકો આપતાં હઝારે હીરો બની ગયા ને એમની સાથે અરવિંદ કેજરીવાલ જેવા બીજા કેટલાય નવા નેતાઓ પણ ઊભા થઈ ગયા.

નેપાળનું આંદોલન દુનિયાભરના શાસકો માટે એક બોધપાઠ અને ખતરાની ઘંટડી પણ છે. સત્તા મળ્યા પછી લોકોને ભૂલાવીને પોતાના જ મળતિયાઓને ફાયદો કરાવનારા, લોકોના બદલે પોતાનો જ વિકાસ કરનારા અને ટેલેન્ટને બદલે સગાંવાદને પોષીને સત્તા પોતાનો બાપીકો અધિકાર હોય એ રીતે વર્તનારા શાસકો નહીં સુધરે તો લોકોના આક્રોશની પ્રચંડ આંધીમાં પતી જશે એ નેપાળનો બોધપાઠ છે. માત્ર 3 કરોડની વસતિ ધરાવતા ટચૂકડા દેશે દુનિયાના બીજા દેશનાં લોકોને રસ્તો પણ બતાવ્યો છે કે, અન્યાય સામે ચૂપ ના બેસી રહો…પણ રસ્તા પર ઊતરો.!

ગુજરાતમાં યુવાનોનું ‘નવનિર્માણ’…

આઝાદ ભારતમાં પણ યુવાઓએ સત્તાપલટો કર્યાનો ઈતિહાસ છે. ગુજરાતમાં યુવાઓએ ‘નવનિર્માણ’ આંદોલન દ્વારા યાદગાર સત્તાપલટો કર્યો હતો. 1974નું નવનિર્માણ આંદોલન અને તેમાંથી પ્રેરણા લઈને શરૂ થયેલા જયપ્રકાશ નારાયણના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને ઈન્દિરા ગાંધીને ઘરભેગાં કરી દીધાં હતાં. ઈન્દિરા 1971માં જંગી બહુમતીથી ચૂંટાયાં પછી બાંગ્લાદેશ સામેના યુદ્ધમાં દેશને ભવ્ય વિજય મળ્યો તેથી ઈન્દિરાની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. આ કારણે બેફામ બનેલાં શાસનમાં ભારે ભ્રષ્ટાચાર થયો. ઈન્દિરા જોહુકમી પણ ચલાવતાં અને પોતાના ચમચાઓને ગાદી પર બેસાડતાં. તેની સામે ગુજરાતમાં ચીમનભાઈ પટેલે બળવો કર્યો હતો. કૉંગ્રેસની આબરૂ બચાવવા ઈન્દિરાએ ચીમનભાઈને ગાદી પર તો બેસાડ્યા, પણ ચીમનભાઈના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર સામે વિદ્યાર્થી નેતા મેદાનમાં આવતાં ‘નવનિર્માણ’ આંદોલન શરૂ થયું. ચીમનભાઈની સરકાર મહા ભ્રષ્ટાચારી છે તેવો પ્રચાર ચાલ્યો તેમાં ચીમનભાઈએ સત્તા છોડવી પડી.

આ આંદોલનમાંથી પ્રેરણા લઈને બિહારમાં જયપ્રકાશ નારાયણે બિહારની કૉંગ્રેસ સરકાર સામે શરૂ કરેલું આંદોલન ઈન્દિરા ગાંધી સામેના ભ્રષ્ટાચાર સામેનું આંદોલન બની ગયું. જયપ્રકાશ નારાયણે દિલ્હી આવીને હુંકાર કર્યો કે, ‘સિંઘાસન ખાલી કરો કિ જનતા આતી હૈ’. લોકોએ આ લલકારને વધાવી લેતાં પ્રચંડ આંદોલન શરૂ થઈ ગયું હતું. યોગાનુયોગ ઈન્દિરા ગાંધીની ચૂંટણીને ગેરકાયદેસર ઠેરવતો ચુકાદો આવતાં ઈન્દિરાએ કટોકટી લાદી દીધી. ઈન્દિરાએ આંદોલનને દબાવી દેવા કરેલા પ્રયત્નોના કારણે ઈન્દિરાની હાર થઈ. આ રીતે ભારતમાં પણ વિદ્યાર્થીઓના આંદોલને દેશમાં સત્તાપલટો કરાવ્યો હતો.

અણ્ણા હઝારેનું આંદોલન પણ યુવાઓના કારણે જ પ્રચંડ બન્યું હતું. આ આંદોલને 2014ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના પતનનું કાઉન્ટડાઉન શરૂ કર્યું. મોદીનું હિંદુત્વ અને અણ્ણાના આંદોલને ઊભી કરેલી ભ્રષ્ટાચારી સરકારની છાપના કારણે કૉંગ્રેસનું 2014ની લોકસભા ચૂંટણીમાં નામું નંખાઈ ગયું. કૉંગ્રેસ એટલી ખરાબ રીતે હારી કે, હજુ બેઠી થઈ શકતી નથી.

આ પણ વાંચો…કવર સ્ટોરી : ડ્રેગન-એલિફન્ટની જુગલબંદી દુનિયાનાં સમીકરણો બદલી શકે, પણ જરા સંભાલ કે…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button