ટ્રાવેલ પ્લસ : આંતરરાષ્ટ્રીય વન દિવસ: ભારતનાં અદ્ભૂત અરણ્યનો વૈભવ માણી લો…

-કૌશિક ઘેલાણી
આપણી સંસ્કૃતિમાં અરણ્ય વસેલું છે. આપણે સહુ ભારતીય અરણ્યમાંથી જ તો ઊછર્યા છીએ. અરણ્યને નજીકથી જાણવા પ્રયત્નો કરીએ તો એના વાત્સલ્યને આજે પણ અનુભવી શકીએ. જંગલ સાથે સંવાદ કર્યો અને સમજી શક્યો કે જંગલ એટલે કુદરતે સર્જેલી પાઠશાળા, જ્યાં કુદરતના નિયમો એ જ એની કિમત છે. અહીં બસ કુદરતના સાક્ષી બનીને જ કુદરતને માણી શકાય. હંમેશા જંગલ મને વહાલથી આવકાર આપે. હવા સાથે પર્ણોનો વાર્તાલાપ, પંખીઓનો કલરવ, તમરાઓની ગુંજ, વાઘની ત્રાડ, હરણાઓનો કોલ, ઘૂવડનો અલાર્મ કોલ આ સઘળું એમના આવકારના સંકેતો છે.
આ પણ વાંચો..ટ્રાવેલ પ્લસ : ભારતનાં નિસર્ગમાં વસંતનાં વધામણાં – પ્રકૃતિનો વાસંતી વૈભવ
જંગલ આખુંય આ પ્રભાવક જીવોનું ઘર છે અને તેઓએ ક્યારેય મને ધુત્કાર્યો નથી. જંગલનાં પક્ષીઓનો મધુર અવાજ સાંભળીને કંઈક સારું, અલગ અને નશીલું લાગે છે. દોસ્ત, જંગલ એ નશો છે જે દુનિયાના કોઈ પણ નશાની તોલે ન આવે. ભારતનાં અદ્ભુત જંગલોમાં વિવિધ પ્રકારનાં જંગલોનો સમાવેશ થાય છે જેમાં ઉષ્ણકટિબંધ બારમાસી જંગલો, લીલાં પાનખર જંગલો, સૂકાં પાનખર જંગલો, મિશ્ર જંગલો, શંકુદ્રમ જંગલો, કાંટાળાં જંગલો, અફાટ રણપ્રદેશો, તરાઈનાં જંગલો, ઘાસિયાં મેદાનો, સમુદ્રકાંઠાનાં મેન્ગ્રુવ્સ અને સ્વેમ્પ જંગલો, દરિયાઈ પરવાળાનું ગજબ વિશ્વ, વિશાળ નદીઓના પટમાં આવેલા મેદાની પ્રદેશો વગેરે.
તરાઈનાં જંગલોમાં પહેલી વાર ગયો ત્યારથી જ એવું અનુભવ્યું કે હિમાલયનો આ હિસ્સો સાવ અલિપ્ત અને તપસ્વી જોગીની માફક એની પોતાની જ ધૂનમાં મસ્ત હોય અને એક અલગ જ રાગ છેડતો હોય. અહીંના વાઘ પણ મસ્ત મગન થઈને ફરતા હોય, હરણાંઓ અહીં તહીં કૂદતાં હોય, બારાસિંઘા સૂર્યની ગરમીમાં મસ્તી કરતા હોય અને સૂર્યનાં કિરણો પર્ણોમાંથી ગળાઈને હસતા ઘાસને હૂંફ આપતાં હોય અને માટીમાંથી નશીલી સુગંધ મનને તાજગી આપતી હોય. આ બધાની સામે કયું ભૌતિક સુખ વહાલું લાગે? મારા માટે આખું વર્ષ જ ટુરિઝમ વર્ષ, કેમ કે જે જગત મેં ગઈ કાલે દીઠું એવું મેં આજે નથી જોયું અને આવતી કાલે કદી નથી જોઈ શકવાનો તો ક્યારેક જંગલ જઈશું એવું બહાનું શું કામ?
આ 21 માર્ચે ઊજવાયેલ ઇન્ટરનેશનલ ફૉરેસ્ટ ડે'ની થીમ
ફૉરેસ્ટ્સ ઍન્ડ ફૂડ’ હતી જે જંગલો થકી આપણા જીવનમાં ખોરાક અને ખોરાકથી આજીવિકા અને સ્વાસ્થ્યમાં વનોના મુખ્ય પ્રદાન તરફ અંગુલિનિર્દેશ કરે છે. જંગલો દ્વારા જળ અને વાતાવરણ તો શુદ્ધ કરવામાં આવે છે આ ઉપરાંત કાર્બનનું શોષણ કરીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવા માટે અને જીવન માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. જંગલોમાં પોષણ માટેના વિવિધ સ્ત્રોતો હોય છે જે ફળોથી લઈને તેનાં દરેક તત્ત્વોમાંથી પોષક મૂલ્યો પૂરાં પાડે છે. જંગલમાં હંમેશા આપવાની વૃત્તિ જ હોય છે. શ્રેષ્ઠ જીવન બક્ષતાં દરેક તત્ત્વો આ જંગલો પ્રદાન કરે છે.
જીવન બચાવવા સક્ષમ એવી ઔષધિઓ અને જડીબુટ્ટીઓ, ફળો અને ખોરાક અને ઉમદા સ્વાસ્થ્ય આ જંગલોની અદ્ભુત દેન છે. જંગલનું સ્વાસ્થ્ય એટલે આપણું સ્વાસ્થ્ય અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા જંગલ સાથે હાથ મિલાવીને જંગલને સમજીએ, એને અનૂરૂપ બનીએ અને એને ખીલવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ તો જ આપણે કુદરતના સાચા રખેવાળ બની શકીએ. જંગલોને બચાવવાં એ આપણી સહુ કોઈની ફરજ છે, પણ એને બચાવવા માટે જંગલોને જાણવાં ખૂબ જ જરૂરી છે જેથી એટલું સરળતાથી સમજી શકાય કે `શું ન કરવું જોઈએ.’
ઘણી વખત જંગલો કે કુદરતને બચાવવાના પ્રયત્નો કરવા કરતાં દખલ ન કરીએ તો કુદરતના વિકાસને રૂંધતો ચોક્કસ અટકાવી શકીએ. દરેક સ્થળ દરેક વૃક્ષો માટે નથી બનેલાં હોતાં કે દરેક સ્થળને દરેક જાતનાં વૃક્ષો અનુરૂપ નથી હોતાં. આપણે ટૂંકમાં ભારતના વિવિધ પ્રદેશમાં આવેલાં જંગલો અને તેના પ્રકારને સમજીશું તો સરળતાથી સમજી શકીશું કે આપણે જંગલોના વિકાસ માટે ખરેખર શું કરી શકીએ.
ભારતમાં આવેલ ઉષ્ણકટિબંધ બારમાસી જંગલો (ટ્રોપિકલ એવરગ્રીન ફૉરેસ્ટ) જે ભારતમાં 200 સેમી કરતાં વધારે વરસાદ ધરાવતાં સ્થળોએ જોવા મળે છે જે ભારતમાં પશ્ચિમી ઘાટ, ઉત્તર-પૂર્વીય (નોર્થ-ઇસ્ટ) ભારતીય ઉચ્ચપ્રદેશ અને આંદામાન નિકોબાર તથા લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ જેવા વિસ્તારને આવરી લે છે. આ વિસ્તાર હંમેશા લીલોતરીથી છવાયેલો જ જોવા મળે છે. આ પ્રકારનાં જંગલો ખૂબ જ ગીચ અને ખૂબ ઊંચાઈ ધરાવે છે.
શીસમ, મહોગની જેવાં વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે. ખૂબ જ ઊંચાઈ પર વધતાં વૃક્ષો ત્યાર બાદ મધ્યમ ઊંચાઈનાં વૃક્ષો અને જડીબુટ્ટી કે ઔષધિય વૃક્ષો એમ ત્રણ આવરણો આ પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે. ઊંચાઈ અને વિશાળ આવરણનાં કારણે જમીન પર ઓછી માત્રામાં સૂર્યપ્રકાશ પહોંચે છે જેથી ઘાસ કે અન્ય નાની જાતોનાં વૃક્ષોનો વિકાસ અહીં થતો નથી. આ ક્ષેત્રોથી નીચેના વિસ્તારમાં સેમી એવરગ્રીન જંગલો જોવા મળે છે જેમાં દેવદાર જેવાં વૃક્ષો થાય છે. અહીં એવરગ્રીન જંગલોના પ્રમાણમાં ઓછો પણ પાનખર જંગલો કરતાં વધારે વરસાદ પડે છે એટલે એમાં બારમાસી જંગલોનાં વૃક્ષો પણ જોવા મળે છે જેને પ્રમાણમાં વધારે ભેજની જરૂર પડે છે. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, જેવા વિસ્તારો આ પ્રકારનાં જંગલો માટે જાણીતા છે.
પાનખર જંગલો (ટ્રોપિકલ ડેસિડિયસ ફૉરેસ્ટ) જે શિયાળાથી ઉનાળાની વચ્ચેની મોસમ દરમ્યાન આવરણોની જેમ પર્ણો બદલે છે અને ચોમાસામાં ફરી લીલોતરી ધારણ કરે છે. ભારતના મોટા ભાગના વિસ્તારને આ પ્રકારનાં જંગલોએ આવરી લીધો છે. ઉનાળા દરમ્યાન ભેજના પ્રમાણને જાળવી રાખવા અહીંનાં વૃક્ષો પોતાનાં પર્ણો ખેરવી મૂકે છે. અહીંનાં જંગલોમાં સાગ, સાલ, ચંદન, મહુડાં જેવી પ્રજાતિઓનાં વૃક્ષો જોવા મળે છે. જિમ કોર્બેટ નેશનલ પાર્ક, કાન્હા નેશનલ પાર્ક, બાંધવગઢ નેશનલ પાર્ક વગેરે આ પ્રકારનાં જંગલોનાં ઉદાહરણો છે.
નિસર્ગની પ્રકૃતિ શાંત છે, ગંભીર છે. જંગલ સાથે ભયને કશી જ લેવાદેવા નથી હોતી. જો જંગલો ભયાવહ જ હોત તો દરેક જીવમાત્રને એ ક્યારેય ન આકર્ષી શકત. જંગલ કુદરતનું એવું રૂપ છે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે. હું કુદરતમાં વિશ્વાસ કરું છું અને એને હું હંમેશાં જંગલોમાં જ જોઉં છું. નેપાળની સરહદે આવેલ પીલીભીત ટાઇગર રિઝર્વ અને દૂધવા નેશનલ પાર્ક ભારતનાં સુંદર તરાઈનાં જંગલોમાંનું એક છે. આ જ પ્રકારમાં સૂકાં પાનખર જંગલો (ડ્રાય ડેસિડિયસ ફૉરેસ્ટ) પણ જોવા મળે છે જેમાં ખેર, બોરડી, બાવળ, સાગ, જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. ગુજરાતનું સાસણગીર, શૂળ પાણેશ્વર, રાજસ્થાનનું રણથંભોર વગેરે આ પ્રકારનાં જંગલોના ભાગ છે.
કાંટાળાં વનો જે (થ્રોન ફૉરેસ્ટ) જે પચાસ સેમી કરતાં પણ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારને કાંટાળાં જંગલો આવરી લે છે. મુખ્યત્વે રાજસ્થાન, પંજાબ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારનાં કાંટાળાં જંગલો આવેલાં છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક પણ આવાં જ કાંટાળાં જંગલોનો વિસ્તાર ધરાવે છે. કચ્છના બન્નીના વિસ્તારો, અરવલ્લીનાં જંગલો રાજસ્થાનનાં જંગલો વગેરે આ પ્રકારનાં જંગલો ધરાવે છે. અહીં બાવળ, ખીજડા, પીલું, ગૂગળ જેવાં વૃક્ષો જોવાં મળે છે. સાવ જ શુષ્ક વિસ્તારમાં થોરની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
રણપ્રદેશોમાં ચોક્કસ પ્રકારનાં ઘાસ જેવા કે મોરડ જેવી પ્રજાતિ થાય છે તો વળી ક્યાંક ક્યાંક ગૂગળ, પીલુંડી જેવાં વૃક્ષો પણ જોવા મળે છે. કચ્છનું નાનું રણ, બનાસકાંઠાનું રણ જે આ પ્રકારના શુષ્કપ્રદેશો માટે જાણીતાં ઉદાહરણ છે. આ પ્રકારનાં વૃક્ષોને ભેજ અને પાણીની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય છે, પરિણામે કાંટાનું પ્રમાણ વધારે હોય છે. આવા જંગલોનાં મૂળિયાં ઊંડાં ફેલાયેલાં હોય છે પરિણામે ખૂબ જ ઓછી માત્રામાં પાણી મળે તોપણ સંગ્રહ કરી શકે.
શંકુદ્રમ કે પર્વતીય જંગલો જે ઊંચાઈઓ પર આવેલાં ક્ષેત્રોને આવરી લે છે. 3000 મીટરથી વધારે ઊંચાઈએ આવેલા હિમાલયના વિસ્તારોમાં આવેલાં જંગલો શંકુદ્રમ જંગલો તરીકે ઓળખાય છે. હંમેશાં સદાબહાર રહેતાં આ જંગલોમાં નહિવત્ પ્રમાણમાં ઘાસ થાય છે. મનાલીથી ઉપરનો વિસ્તાર, કિન્નોર વગેરે આ પ્રકારનાં જંગલોનું ઉદાહરણ છે. વધારે ઊંચાઈએ જતાં અલ્પાઇન જંગલો જેમાં ફૂલોના છોડવાની વિશાળ ઘાટી, ઔષધિઓ વગેરે થાય છે.
ઉત્તરાખંડમાં આવેલ વેલી ઑફ ફ્લાવર્સ, સિક્કિમમાં આવેલ નાથંગ વેલી, યુમાથંગ વેલી વગેરે આ પ્રકારનાં જંગલોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીંની પ્રજાતિમાં મુખ્યત્વે રોડોડેડ્રમ નામનાં ગુલાબી ફૂલોના છોડવાઓ ખૂબ જાણીતા છે. આથી વધારે ઊંચાઈ પર જતાં ધ્રુવીય વનસ્પતિ જેમાં વિશિષ્ટ પ્રકારની શેવાળ, ફૂગની જાતો વગેરે જોવા મળે. ખૂબ જ નીચા તાપમાનના લીધે અહીં બીજું ખાસ કશું જોવા ન મળે. લદાખમાં આવેલ ચંગથંગ વાઇલ્ડ લાઇફ સેન્કચ્યુરી, ચુમાથંગ વગેરે ધ્રુવીય વનસ્પતિનાં જંગલોનાં ઉદાહરણો છે.
મેન્ગ્રૂવ્સ ફૉરેસ્ટ જે દરિયાઈ કાંઠાઓમાં આવેલા વિસ્તારો આવરી લે છે. ભારતમાં આંદામાન નિકોબાર, દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ, ગુજરાતના કચ્છના અખાત અને મોટા ભાગનાં દરિયાઈ વિસ્તારમાં આ પ્રકારનાં જંગલો આવેલાં છે. આખાય વિશ્વનાં કુલ મેન્ગ્રૂવ્સ વનોમાંથી ભારત 7% જેટલો વનવિસ્તાર ધરાવે છે જે સહુથી વધારે પ્રમાણમાં છે. વિશ્વનું સહુથી મોટું મેન્ગ્રૂવ્સ વન સુંદરવન છે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને અહીંની વાઘની પ્રજાતિ માટે ખૂબ જાણીતું છે. આ સિવાય ઓડિશામાં આવેલ ભીતરકનિકા, તામિલનાડુમાં આવેલ પિચવરામ, આંધ્રપ્રદેશમાં આવેલ ક્રિષ્ના-ગોદાવરી અને આંદામાન નિકોબારના દ્વીપસમૂહોમાં આવેલ બારતાંગ પણ ખૂબ મોટા પ્રમાણમાં મેન્ગ્રૂવ્સની વિવિધ પ્રજાતિઓનું જંગલ ધરાવે છે.
સમુદ્ર કાંઠાની માટીનું ધોવાણ અટકાવવાનું કામ આ મેન્ગ્રૂવ્સનાં જંગલો કરે છે. સુરતનાં હજીરા, કચ્છના અખાતના મોટા ભાગના વિસ્તારમાં ગુજરાત વન વિભાગ દ્વારા મેન્ગ્રૂવ્સના વિશાળ પ્લાન્ટેશન તાજેતરમાં જ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે કચ્છમાં ગુનેરી નામની સાઇટને રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરિટેજ બાયો ડાયવર્સિટી સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ સ્થળ પર જમીન પરના મેન્ગ્રુવ્સ એટલે કે ચેરનાં વૃક્ષોનું 32.78 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું કુદરતી વિશ્વ અનેક જીવોને ખોરાક અને જીવન વિકસાવવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
આ પાંચેય પ્રકારનાં અદ્ભૂત જંગલો આપણા જીવનને ટકાવી રાખવા માટે અમૂલ્ય ભાગ ભજવે છે. યોગ્ય દિશામાં જંગલોનાં સંવર્ધન માટેના પ્રયત્નો કરીએ તો ચોક્કસપણે આપણે જંગલોનો વિનાશ રોકી શકીએ. જંગલો કે વૃક્ષો વાવવાં માત્રથી જંગલોનું સંવર્ધન શક્ય નથી, પણ જંગલ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને એને કુદરતી રીતે વિકસવા દઈએ તોપણ એ જાતે જ તેનો વિકાસ સાધી લેશે. ધારો કે આપણે અરવલ્લીનાં થોર્ન ફૉરેસ્ટ વિસ્તારમાં ટ્રોપિકલ જંગલના પ્રકારનાં લીલોતરી વૃક્ષોને ઉછેરવા પ્રયત્નો કરીએ તો એ ત્યાંની સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષોને નુકસાન જ કરશે એ સાથે જે તે સ્થળના ગુણધર્મોને આધારિત વસવાટ કરતી પ્રજાતિઓ પણ પોતાનું રહેઠાણ ગુમાવી બેસશે. જરૂર કરતાં વધારે ભેજનું શોષણ કરતી વનસ્પતિઓ પાણીને ખેંચશે પરિણામે સ્થાનિક પ્રજાતિઓ વિકાસ ગુમાવી બેસશે.
આમ આડકતરી રીતે ખોટી દિશામાં થતા પ્રયત્નો પણ ભયજનક પરિણામ નોતરે છે. અર્બન વિસ્તારોમાં જંગલોનાં વિકાસ માટે ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિ ખૂબ પ્રચલિત બની છે. ભચાઉમાં આઈ.પી.એસ. ઑફિસર શ્રી સુધા પાંડેએ સ્થાનિક પ્રજાતિઓનાં વૃક્ષો અને સ્થળ વિષે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને હજારો વૃક્ષોનાં જંગલો ઊભાં કરીને કુદરતી રીતે વિકસવાનો ઉમદા પ્રયત્ન કર્યો જેને આજે નિસર્ગે કુદરતી રીતે જ વધાવી લીધો અને અઢળક વન્યજીવોને ઘર મળ્યું.
આ પણ વાંચો..બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : સ્ત્રી-પુરુષ સમાનતામાં કેવી હોય છે બ્રાન્ડની ભૂમિકા?
આ જ પ્રયત્ન તેઓએ રાજકોટ ખાતે આવેલા કેમ્પ ખાતે ફૂડ ફૉરેસ્ટ વિકસાવવા માટે કર્યો અને તેમાં પણ તેઓએ સફળતા મેળવી. મૂળભૂત પ્રજાતિનાં વૃક્ષો જે આપણા વાતાવરણને માફક આવે અને પશુપક્ષી સમેત દરેક જીવોને ખોરાક અને પોષણ પૂરું પાડે એ પ્રકારનાં જંગલો ફૂડ ફૉરેસ્ટ તરીકે ઓળખાય છે. આ ફૂડ ફૉરેસ્ટ આજે કેટલાંય પક્ષીઓનું કાયમી નિવાસસ્થાન બન્યું છે અને એની હરિયાળી આપણને શાતા આપે છે. ગુજરાતનાં પોળોનાં જંગલોમાં ધોળવાણી રેંજમાં ખૂબ જ મોટું ઔષધિઓનું વન આવેલું છે જે આપણાં જંગલો કેટલી કીમતી જડીબુટ્ટીઓ અને ઔષધિ પૂરી પાડે છે એનું સચોટ ઉદાહરણ છે. એવી જ રીતે ડાંગના વઘઈમાં પણ આવું જ વિશાળ બોટનિકલ ગાર્ડન આવેલ છે.
ટૂંકમાં, આપણાં જંગલોને સમજીએ, જાણીએ, બાળકોને જંગલની મહત્તા સમજાવીએ અને સંવેદનશીલ બનાવવા પ્રયત્ન કરીએ એ જ કુદરતને આપણા તરફથી આપેલી સહુથી મોટી ભેટ હશે!