વલો કચ્છઃ 15 ઑગસ્ટે કચ્છે એકસાથે બે ધ્વજ ફરકાવ્યા હતા!
ઉત્સવ

વલો કચ્છઃ 15 ઑગસ્ટે કચ્છે એકસાથે બે ધ્વજ ફરકાવ્યા હતા!

ડૉ. પૂર્વી ગોસ્વામી

15 ઓગસ્ટ, 1947ના રોજ કચ્છમાં એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું; ભારતનો ત્રિરંગો અને કચ્છનો ભગવો ધ્વજ બન્ને એકસાથે ફરકાવાયા હતા. કેવી રીતે? ચાલો જાણીએ.

ભારતની સ્વતંત્રતાના સોનેરી પાને લખાયેલ એક તેજસ્વી અધ્યાય એટલે 15 ઓગસ્ટ, 1947ની તારીખ. આ દિવસ માત્ર અંગ્રેજ શાસનના અંતનો નથી, પરંતુ લાખો સ્વાતંત્ર્યસેનાનીઓના તપ, ત્યાગ અને અદમ્ય સંઘર્ષના સપનાનું સાકાર રૂપ છે.

મહાત્મા ગાંધીજીના અહિંસક માર્ગદર્શનથી લઈને સુભાષચંદ્ર બોઝની ઊર્જાશીલ લડત સુધી, સરદાર વલ્લભભાઈ પટેલની રાજકીય દૃઢતાથી લોકમાન્ય ટિલકની પ્રેરણાદાયી વાણી સુધી; સ્વતંત્રતાનું આ સ્વપ્ન કરોડો હૃદયોમાં પ્રગટ્યું અને આખરે સાકાર થયું.

2 સપ્ટેમ્બર, 1946ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ વડા પ્રધાન બની વચગાળાની સરકાર રચાઈ. એ વખતે ભારતના વાઈસરોય લોર્ડ વેવેલ હતા અને ગૃહખાતાની જવાબદારી, જેમાં દેશી રજવાડાંનો સમાવેશ થતો, સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળી. ભારતના ભવિષ્યનું બંધારણ ઘડવાના આ નિર્ણાયક સમયમાં કચ્છ સહિતના અનેક રજવાડાઓએ ‘સ્ટેન્ડસ્ટિલ એગ્રીમેન્ટ’ પર હસ્તાક્ષર કર્યા.

જેમાં સંરક્ષણ, વિદેશ સંબંધો અને રેલવે સંચાર અંગે કાયદા ઘડવાની સત્તા ભારતની સંસદને સોંપી. કચ્છના તે સમયના રાજવી મહારાઓ વિજયરાજજી ઉર્ફે માધુભાએ પણ ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેશન’ પર સહી કરી. કચ્છમાં સંપૂર્ણ જવાબદાર રાજતંત્ર માટેની લડત 1939થી જ પ્રજાના હૃદયમાં પ્રગટેલી હતી, પરંતુ પ્રજાની માગ મુજબ રાજતંત્રને સંપૂર્ણ જવાબદારી સોંપવાની પ્રક્રિયા સહેલી નહોતી.

ફેબ્રુઆરી 1948માં કચ્છી પ્રજાકીય પરિષદના મોવડી સ્વ. ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયાના નેતૃત્વ હેઠળ રાજવીને અલ્ટિમેટમ આપવામાં આવ્યો. ત્યારબાદ સત્યાગ્રહના ઘોષણાઘાટ સાથે આંદોલનનો પ્રારંભ થયો. અખબારી પ્રતિબંધ તોડી પ્રજાએ કાનૂનભંગની લડત શરૂ કરી.

આંદોલનની ગરમાગરમી વચ્ચે મહારાઓ માધુભા બીમાર પડ્યા અને 25 ફેબ્રુઆરી, 1948ના રોજ તેમના અવસાન સાથે કચ્છની ગાદીએ મદનસિંહજી આવ્યા. તેમણે 9 માર્ચ, 1948ના રોજ ઐતિહાસિક જાહેરાત કરી કે, કચ્છને સંપૂર્ણ જવાબદાર રાજતંત્ર પ્રાપ્ત થશે. આ ક્ષણે થોડા સમય માટે જુવાળ શાંત થયો.

પ્રજાકીય પરિષદનું પ્રતિનિધિમંડળ દિલ્હી જઈને સરદાર પટેલ સાથે મળી ચર્ચા કરી. અનેક વાટાઘાટો બાદ 4 મે, 1948ના રોજ મહારાઓ મદનસિંહજીએ ‘મર્જર એગ્રીમેન્ટ’ પર સહી કરી અને કચ્છને હિંદી સંઘમાં જોડાવવાનો માર્ગ ખુલ્લો થયો.
અંતે, 1 જૂન, 1948ના રોજ કચ્છનું ભારત સાથે સત્તાવાર જોડાણ થયું.

ભારતના સીધા વહીવટ હેઠળ કચ્છ ‘ક’ વર્ગનું રાજ્ય બન્યું. એ દિવસે ભુજના ઉમેદભુવનના પ્રાંગણમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, કચ્છનો ભગવો ધ્વજ નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગો આકાશમાં લહેરાયો.

ભારત સરકાર તરફથી નિમાયેલા કચ્છના ચીફ કમિશ્નર શ્રી છોટુભાઈ કે. દેસાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જાહેરાત કરી કે કચ્છ હવે સ્વતંત્ર ભારતનું એક અવિભાજ્ય અંગ છે. મહારાઓ મદનસિંહજીને વાર્ષિક રૂ. 8 લાખનું સાલિયાણું આપવામાં આવ્યું.
15 ઓગસ્ટ, 1947 અને 1 જૂન, 1948, કચ્છ માટે તો આ બંને તારીખો ઐતિહાસિક મહત્ત્વને રજૂ કરનારી બની છે.

કચ્છના આ સંઘર્ષની ગાથા આવનારી પેઢીઓને સદા પ્રેરણા આપતી રહેશે કે, પ્રજાની જાગૃતિ કોઈપણ સામ્રાજ્ય કરતા મોટી છે, અને ન્યાયની માગ અંતે અવશ્ય વિજયી બને છે. (સંદર્ભ સાભાર: કુંદનલાલ ધોળકિયા લિખિત શ્રુતિ અને સ્મૃતિ કચ્છ)
અંતે જંઢો શીર્ષક હેઠળ લાલજી મેવાડાની રચનાને અહીં માણીએ,

જંઢો જાનસેં પ્યારો અસાંકે, જંઢો જાનસેં પ્યારો, (ટક)
વલો ઘર વતન અસાંકે, વલો દેશ ધુલારો,
તેંકનાં 5 વિશેષ વલો, કિઈ ઘણું સલારો….અસાકે………… 1.
ઝગમગ અંધર જોત જાધજી, અફેકો કરેતી ઉજ઼ારો,
સા-ઉસાસેમેં ફિરકે વિઠો, હરધમ હીયેં ભટારો….અસાકે…….2.
શાંતિ ભક્તિનેં શૌર્યજો સાથી, હિકડ઼ાઈજ સધીયારો,
વસ્તીજી હિન વાડાબંધીમેં, કેનું નાયં નિડારો…. અસાકે…….3.
મહાસાગર જ્યું લેરીયું મુકે, વતનલા કરીએં ઍશારો,
વે મં નેં તું વેસા મં ખણં, પતી વિગ તું પરબારો.અસાંકે………4.
ઘૂઘાટ કરેતો ઘટમેં અસાંજે, વલપજો વરસારો,
કુલભાન અસાંજી જાન ‘સ્વપ્ન’ હી, જનમોજનમ જનમારો….5

આ પણ વાંચો…વલો કચ્છ : સૌથી મોટી મૂડી સદગુણ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button